<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th June 2026

મધ્યપૂર્વમાં સંગ્રામ: 'હોર્મુઝ જ અમારો પરમાણુ બોમ્બ છે', ઈરાનની અમેરિકાને ખુલ્લી ચેતવણી

અમેરિકાની જોહુકમીનો સમય હવે પૂરો થયો હોવાનો તેહરાનનો દાવો, ખાડી દેશોમાં સૈન્ય મથકો પર મિસાઈલ હુમલાથી તણાવ ચરમસીમાએ.

તેહરાન: પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભયાવહ સૈન્ય તણાવ વચ્ચે ઈરાનના વરિષ્ઠ નેતા અને સંસદના ડેપ્યુટી સ્પીકર અલી નિકઝાદે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (હોર્મુઝ સમુદ્રધૂની) માર્ગે અમેરિકાને પરમાણુ યુદ્ધ જેવી ગંભીર ચેતવણી આપી છે. રવિવારે એક ટીવી ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે આક્રમક વલણ અપનાવતા જણાવ્યું હતું કે, હોર્મુઝનો આંતરરાષ્ટ્રીય દરિયાઈ શિપિંગ રૂટ હવે તેહરાન માટે પરમાણુ બોમ્બ સમાન વ્યૂહાત્મક હથિયાર છે અને આ મહત્વપૂર્ણ વોટરવે પરથી ઈરાન પોતાનું નિયંત્રણ ક્યારેય નહીં છોડે.

નિકઝાદે સત્તાવાર નિવેદનમાં દાવો કર્યો છે કે, સૈન્ય તાકાતના જોરે વિશ્વ પર પોતાની મરજી ચલાવવાનો અમેરિકાનો યુગ હવે આટોપાઈ ગયો છે. વોશિંગ્ટને કાં તો પશ્ચિમ એશિયાની નવી પ્રાદેશિક વ્યવસ્થાનો સ્વીકાર કરવો પડશે અથવા ઈરાનની કડક શરતો માનવી પડશે. બીજી તરફ, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે રવિવારે સવારે વળતી કાર્યવાહીનો દાવો કરતા જણાવ્યું છે કે, તેમણે હોર્મુઝ સામુદ્રધુનીમાં આંતરરાષ્ટ્રીય વેપારી જહાજોની સુરક્ષા કાજે ઈરાનના બે આક્રમક એટેક ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા છે.

આ સૈન્ય ગતિરોધની શરૂઆત શનિવારે થઈ હતી, જ્યારે ઈરાનની આર્મી આઈઆરજીસી (IRGC) એ કેશમ ટાપુ પર થયેલા અમેરિકી હુમલાનો બદલો લેવા માટે કુવૈત અને બહેરીનમાં આવેલા અમેરિકાના સૈન્ય મથકો પર બેલેસ્ટિક મિસાઈલો અને ડ્રોન વડે ભયાનક મારો ચલાવ્યો હતો. આ જવાબી હુમલામાં કુવૈતના 'અલ સલીમ એર બેઝ' અને બહેરીનમાં તૈનાત અમેરિકી નૌકાસેનાના પાંચમા બેડા (Fifth Fleet) ના મુખ્ય મથકને સીધું નિશાન બનાવવામાં આવ્યું હોવાના સનસનીખેજ અહેવાલો છે.

કુવૈત અને બહેરીન બંને આરબ દેશોએ તેમના સૈન્ય ક્ષેત્રો પર થયેલા આ હવાઈ હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરીને તેને પોતાની સાર્વભૌમત્વનું ખુલ્લું ઉલ્લંઘન ગણાવ્યું છે. પશ્ચિમ એશિયામાં ભડકેલી આ હિંસાને શાંત કરવા માટે હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે રાજદ્વારી પ્રયાસો અને વાટાઘાટો શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ આ ગંભીર સૈન્ય વિવાદને અટકાવવા અને વૈશ્વિક ઉર્જા માર્ગોની સુરક્ષા બહાલ કરવા માટે કોઈ મોટો વૈશ્વિક નિર્ણય લઈ શકે છે.

(1:38 PM IST)