<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th June 2026

વસ્તી સંકટ: ભારતમાં ઝડપથી ઘટતો જન્મદર, ઇલોન મસ્કે ટ્વીટ કરીને ગંભીર ચિંતા વ્યક્ત કરી

દેશની રાજધાની દિલ્હીનો પ્રજનન દર ફિનલેન્ડ કરતાં પણ નીચે ગગડ્યો, ભવિષ્યમાં આર્થિક વિકાસ રૂંધાવાની નિષ્ણાતોની ચેતવણી.

નવી દિલ્હી :વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ભારતમાં ઘટી રહેલા પ્રજનન દર (Birth Rate) ને લઈને વૈશ્વિક સ્તરે ચિંતાજનક પ્રશ્નો ઉભા થયા છે. ટેક અબજોપતિ અને સ્પેસએક્સના સીઈઓ ઈલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર આંતરરાષ્ટ્રીય આંકડાઓનો હવાલો આપતા રવિવારે જણાવ્યું હતું કે, ભારતમાં જન્મ દર હવે વસ્તીને સ્થિર રાખવા માટે જરૂરી 'રિપ્લેસમેન્ટ લેવલ' કરતાં પણ ઘણો નીચે આવી ગયો છે. દેશના ઇતિહાસમાં પહેલીવાર પ્રજનન દર આટલી તીવ્ર ગતિએ ઘટતાં વૈશ્વિક સ્તરે વસ્તી વિષયક સમીક્ષાઓ તેજ થઈ ગઈ છે.

મીડિયા રિપોર્ટ અને સંયુક્ત રાષ્ટ્ર વસ્તી ભંડોળ (UNFPA) ના સત્તાવાર ડેટા અનુસાર, માત્ર એક જ દાયકામાં ભારતનો કુલ પ્રજનન દર ૨.૩ થી ઘટીને ૧.૯ પર આવી ગયો છે. વસ્તીનું કદ જાળવી રાખવા માટે આ આંકડો ઓછામાં ઓછો ૨.૧ હોવો અનિવાર્ય છે. સૌથી ચોંકાવનારી વિગત એ છે કે રાજધાની દિલ્હીનો પ્રજનન દર ઘટીને માત્ર ૧.૨ રહી ગયો છે, જે યુરોપના ફિનલેન્ડ દેશ કરતાં પણ ઓછો છે. પ્રખ્યાત મેગેઝિન 'ધ ઇકોનોમિસ્ટ' માં ૪ જૂનના રોજ પ્રકાશિત અહેવાલમાં પણ ચેતવણી અપાઈ છે કે ભારતની વસ્તી ટૂંક સમયમાં જ ખૂબ ઝડપથી ઘટવા લાગશે.

વર્ષ ૨૦૨૩ માં ચીનને પછાડીને ભારત ૧.૪૬ અબજની વસ્તી સાથે મોખરે આવ્યું હતું, પરંતુ દેશમાં આજે પણ સ્વાસ્થ્ય અને અસમાનતાના અનેક પડકારો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ૨૪ વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓના વહેલા લગ્ન અને પ્રસૂતિ દરમિયાન થતો માતાઓનો મૃત્યુદર (Maternal Mortality) હજુ પણ ગંભીર સમસ્યા છે. નિષ્ણાતોના મતે, જો આ જ ટ્રેન્ડ ચાલુ રહ્યો તો ભવિષ્યમાં ભારતમાં કાર્યક્ષમ યુવાનોની વસ્તી ઓછી થઈ જશે અને વૃદ્ધોની સંખ્યા આચિંતી વધી જશે, જે દેશના આર્થિક વિકાસ (Economic Growth) ને રોકી શકે છે.

આ આંકડાકીય બદલાવ ભવિષ્યમાં વયસ્કોની સારસંભાળ માટે સામાજિક અને તબીબી માળખા પર ભારે આર્થિક દબાણ ઊભું કરશે. આ વસ્તી વિષયક કટોકટીને નિવારવા માટે આગામી સમયમાં કેન્દ્ર સરકાર અને વિવિધ સામાજિક સંગઠનો દ્વારા દેશમાં નવી વસ્તી નીતિ તેમજ આરોગ્ય વિષયક જાગૃતિ અભિયાનો શરૂ કરવામાં આવી શકે છે, જેથી માનવ સંસાધનનું સંતુલન બગડે નહીં.

(1:39 PM IST)