News of Sunday, 7th June 2026
સચિવાલયની અંદરખાને શું ચાલી રહ્યું છે?
સસ્પેન્ડેડ ૪ આઈએએસ અધિકારીઓ, પોલીસતંત્રમાં ફફડાટ અને 'વધારાના ચાર્જ'નું રાજકારણ

રાજકોટ : ગુજરાત સચિવાલયમાં હાલમાં અનેક ગતિવિધિઓ તેજ બની છે. ફાઈલોની ગતિ વધી છે અને કામગીરી પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ત્યારે સચિવાલયના કોરિડોરમાં શું રંધાઈ રહ્યું છે તેનો રસપ્રદ ચિતાર અહી પ્રસ્તુત છે.
સસ્પેન્ડ થયેલા ૪ અધિકારીઓ હાલ ક્યાં છે?
સરકારી ભરતીમાં કથિત ગેરરીતિ અને ભ્રષ્ટાચાર બદલ સસ્પેન્ડ થયેલા ૪ આઈએએસ અધિકારીઓ હાલ શું કરી રહ્યા છે તેની સચિવાલયમાં ભારે ચર્ચા છે. વર્ષ ૨૦૧૧ ની બેચના સુરેન્દ્રનગરના તત્કાલિન કલેક્ટર કે. રાજેશ જુલાઈ ૨૦૨૨ થી સસ્પેન્ડ છે અને તેઓ વારંવાર દિલ્હીના આંટાફેરા મારી રહ્યા હોવાનું ચર્ચાય છે. આણંદના પૂર્વ કલેક્ટર ડી.એસ. ગઢવી આવતા મહિને નિવૃત્ત થઈ રહ્યા છે. સુરતના તત્કાલિન કલેક્ટર આયુષ ઓક પણ સસ્પેન્ડ છે અને તેમનું હેડક્વાર્ટર પાટણ રખાયું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને હજુ જામીન મળ્યા નથી. સસ્પેન્શન દરમિયાન આ અધિકારીઓએ સરકાર દ્વારા નક્કી કરાયેલા હેડક્વાર્ટરમાં ફરજિયાત હાજરી પુરાવવી પડે છે અને તેમને અડધો પગાર ભથ્થા તરીકે મળે છે. તેઓએ દર મહિને એવું પ્રમાણપત્ર પણ આપવું પડે છે કે તેઓ અન્ય કોઈ વ્યવસાય સાથે જોડાયેલા નથી. જો તેઓએ હેડક્વાર્ટરની બહાર જવું હોય તો સરકારની પૂર્વમંજૂરી લેવી પડે છે.
તામિલનાડુના સીએમની ગુજરાત પોલીસ પર અસર
ગુજરાતમાં કેટલાક પોલીસ અધિકારીઓ અરજદારના બદલે આરોપીનો પક્ષ લેતા હોવાની ફરિયાદો નવી નથી. તાજેતરમાં તામિલનાડુના નવા મુખ્યમંત્રી વિજયે એક ગંભીર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હસી-મજાક કરતા ૩ આઈપીએસ અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા હતા. આ વાયરલ ઘટના બાદ ગુજરાતના ગૃહમંત્રી અને ડીજીપી પોલીસ અધિકારીઓના વર્તન પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે. અમદાવાદમાં એક પ્રજ્ઞાચક્ષુ આધેડ પર મહિલા પોલીસ અધિકારીએ હુમલો કરતા તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરાયા છે. પોલીસ વિભાગમાં આવી ઝડપી કાર્યવાહી ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ તામિલનાડુની ઘટના બાદ ગુજરાત સરકાર પણ પોલીસના વર્તન અને દાદાગીરી મુદ્દે આકરા પાણીએ જોવા મળી રહી છે.
કાયમી નિમણૂકના બદલે 'વધારાના ચાર્જ'ની પ્રથા યથાવત્
ગુજરાતના વહીવટી તંત્રમાં નિવૃત્ત થતા અધિકારીઓની જગ્યાએ નવી નિમણૂક કરવાને બદલે હાલના અધિકારીઓને 'વધારાનો ચાર્જ' સોંપવાની પ્રથા વકરી છે, જેની શાસન પર વિપરીત અસર પડે છે. તાજેતરમાં ૪ આઈએએસ અને ૨ જીએએસ અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો છે. ડીજીપી અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ જેવી અતિમહત્વની પોસ્ટ પર પણ વધારાના ચાર્જથી કામ ચલાવાઈ રહ્યું છે. જિલ્લાઓમાં કલેક્ટર અને ડીડીઓ ની ખાલી જગ્યાઓ પર પણ આ જ સ્થિતિ છે. એક અધિકારી બે કે તેથી વધુ વિભાગનો ન્યાય કેવી રીતે કરી શકે તે મોટો પ્રશ્ન છે. જૂન માસના અંત સુધીમાં વધુ ૮ અધિકારીઓ નિવૃત્ત થવાના હોવાથી આ પ્રથા પર નિર્ભરતા હજુ વધશે.
અધિકારીઓની ભૂલ અને મંત્રીઓને ઠપકો!
ઘણીવાર ભૂલ અધિકારીઓ કરે છે પરંતુ તેનો ભોગ મંત્રીઓએ બનવું પડે છે. મુખ્યમંત્રીના ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ કે વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળમાં જ્યારે કોઈ નાગરિક કે વિપક્ષના નેતા વહીવટી ખામી ખુલ્લી પાડે છે, ત્યારે અધિકારીઓએ મંત્રીઓને સાચી માહિતી ન આપી હોવાથી મંત્રીઓએ નીચું જોવું પડે છે. સરકારની જિલ્લા કક્ષાના વહીવટીતંત્ર પર નબળી પકડને કારણે મંત્રીઓને ઠપકો સાંભળવો પડે છે. હવે શરમજનક સ્થિતિમાંથી બચવા કેટલાક મંત્રીઓએ બાબુઓને કડક ચેતવણી આપી છે કે વિભાગની દરેક નાની-મોટી બાબત તેમના ધ્યાનમાં લાવવી.
ગુજરાતમાં ૧૨ થી ૨૦ જૂન સુધી જન કલ્યાણ કેમ્પ
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે ૧૨ થી ૨૦ જૂન દરમિયાન શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં 'જન કલ્યાણ કેમ્પ' યોજવા આદેશ કર્યો છે. જેમાં આયુષ્માન ભારત, વય વંદના, પીએમ સૂર્ય ઘર, પીએમ સ્વનિધિ, લખપતિ દીદી અને વીબી ગરિમા જેવી ૮ જેટલી સરકારી યોજનાઓમાં વધુમાં વધુ નોંધણી કરાવવા માટે ૩ દિવસનો ટાર્ગેટ અપાયો છે. સરકાર દરેક કેમ્પ દીઠ ૫૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ કરશે. આ કામગીરી માટે કલેક્ટર, પ્રાંત અધિકારી તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના વડપણ હેઠળ ૩ અલગ-અલગ સમિતિઓ નજર રાખશે.
વાઈબ્રન્ટ સમિટ અને ચૂંટણી પહેલા પોલિસી રિન્યુઅલ
આગામી વર્ષની શરૂઆતમાં ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટ અને વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી આવતી હોવાથી સરકારે અત્યારથી જ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જે પોલિસીઓની મુદત પૂરી થઈ ગઈ છે તેને રીન્યુ કરવા માટે અધિકારીઓની બેઠકોનો દોર શરૂ થયો છે. આ વર્ષના અંત સુધીમાં નવી ઈન્ડસ્ટ્રીયલ પોલિસી, એગ્રો-બિઝનેસ પોલિસી, શિપબિલ્ડીંગ પોલિસી, ડેટા સેન્ટર પોલિસી અને ટુરિઝમ પોલિસી સહિત ડઝન જેટલી પોલિસીઓ જાહેર થઈ શકે છે. ઉદ્યોગકારો પણ માને છે કે લાંબા સમયથી અટકેલી સ્પષ્ટ પોલિસી વિના રોકાણ કરવું જોખમી છે.
નિવૃત્ત અધિકારીઓએ બનાવ્યો 'ઈકો-ક્લબ'
વર્તમાન અધિકારીઓને પર્યાવરણ બચાવવા માટે સમય મળતો નથી, પરંતુ નિવૃત્ત અધિકારીઓએ સચિવાલય પરિસરમાં વૃક્ષારોપણ કરવા માટે એક 'ઈકો-ક્લબ' બનાવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ નિવૃત્ત બાબુઓ સ્વદેશી, લુપ્ત થતા અને ફળ આપતા વૃક્ષોના રોપા વાવીને પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. સરકારી સેવામાં જે કામ કરવાનો સમય નહોતો મળ્યો તે હવે નિવૃત્તિ બાદ તેઓ ઉત્સાહભેર કરી રહ્યા છે. (સેક્રેટરિએટ ડોટ કોમનો અહેવાલ સાભાર)
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
