હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગ્લોબલ ટેક જગતમાં મોટો આંચકો: ડોનાલ્ડ ટ્રમ્પના ભારતીય મૂળના AI પોલિસી સલાહકાર શ્રીરામ કૃષ્ણનનું રાજીનામું
જૂનના અંતમાં વ્હાઇટ હાઉસનું પ્રમુખ પદ છોડવાની સત્તાવાર જાહેરાત, અમેરિકાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે મોખરે રાખવામાં ભજવી અગત્યની ભૂમિકા.

નવી દિલ્હી: વ્હાઇટ હાઉસના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) વિભાગના મુખ્ય પોલિસી એડવાઇઝર અને ભારતીય મૂળના દિગ્ગજ ટેકનોક્રેટ શ્રીરામ કૃષ્ણન ચાલુ જૂન મહિનાના અંતમાં પોતાના પ્રતિષ્ઠિત પદ પરથી સત્તાવાર રીતે રાજીનામું આપશે. શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર એક સત્તાવાર પોસ્ટ શેર કરીને તેમણે આ આંચકાજનક જાહેરાત કરી હતી. કૃષ્ણન અમેરિકાની ટ્રમ્પ સરકાર માટે આધુનિક ટેકનોલોજીની નીતિઓ અને નેશનલ રેગ્યુલેટરી ફ્રેમવર્ક (રાષ્ટ્રીય માળખું) તૈયાર કરવામાં સૌથી મુખ્ય વ્યૂહરચનાકાર રહ્યા છે, જેથી વૈશ્વિક સ્તરે અમેરિકા સુપરપાવર બની રહે.
મૂળ તમિલનાડુના ચેન્નાઈમાં જન્મેલા અને એસઆરએમ (SRM) યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કરનારા શ્રીરામ કૃષ્ણન વર્ષ ૨૦૦૭માં અમેરિકા સ્થાયી થયા હતા અને ૨૦૧૬માં ત્યાંનું નાગરિકત્વ મેળવ્યું હતું. વ્હાઇટ હાઉસમાં જોડાતા પહેલાં તેમણે માઇક્રોસોફ્ટ, યાહૂ, ફેસબુક, ટ્વિટર અને સ્નેપ જેવી વૈશ્વિક સ્તરની ટોચની સિલિકોન વેલી કંપનીઓમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરીને ટેક ક્ષેત્રે ભારતનું નામ રોશન કર્યું છે. તેમની પત્ની આરતી રામમૂર્તિ પણ ભારતીય મૂળના જાણીતા ઉદ્યોગસાહસિક છે.
રાજીનામા અંગે ભાવુક પોસ્ટ લખતા કૃષ્ણનને જણાવ્યું કે, "અમેરિકાના લોકોની સેવા કરવી એ મારા માટે પરમ સદભાગ્યની વાત છે અને આ તક આપવા બદલ હું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો હૃદયપૂર્વક આભારી છું. પ્રમુખ ટ્રમ્પના મજબૂત નેતૃત્વ વિના અમેરિકા ક્યારેય પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની આ વૈશ્વિક રેસમાં આટલું આગળ વધી શક્યું ન હોત. છેલ્લા ૧૮ મહિનામાં મેં ડેટા સેન્ટર્સ, ક્લીન એનર્જી અને એઆઈના સુરક્ષાત્મક પડકારોને ખૂબ નજીકથી જોયા છે. વ્હાઇટ હાઉસમાંથી મુક્ત થયા બાદ એક ટૂંકા બ્રેક પછી હું એવી સંસ્થાઓ સ્થાપીશ જે પશ્ચિમી સહયોગી દેશોને એઆઈના જોખમો સામે લડવામાં મદદરૂપ બનશે."
હાલના સમયમાં અમેરિકામાં ઓપનએઆઈ અને ગૂગલ જેવી જાયન્ટ કંપનીઓની શક્તિશાળી સિસ્ટમોને કારણે રાષ્ટ્રીય સુરક્ષા અને ડેટા પ્રાઇવસી સંબંધી વૈશ્વિક ચિંતાઓ ખૂબ વધી ગઈ છે. શ્રીરામ કૃષ્ણન ટ્રમ્પ સરકારના એ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો મુખ્ય હિસ્સો હતા જે દેશમાં આ નવી ટેકનોલોજીના દુરુપયોગને અટકાવવા માટે કડક સરકારી કાયદાઓ ઘડી રહ્યો છે. તેમના આચિંતા રાજીનામા પાછળનું કોઈ સ્પષ્ટ કારણ હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ ટેક નિષ્ણાતોના મતે વ્હાઇટ હાઉસ હવે આગામી દિવસોમાં આ સંવેદનશીલ પોલિસી વિભાગને સંભાળવા માટે કોઈ નવા વૈશ્વિક એઆઈ નિષ્ણાતની સત્તાવાર નિમણૂક કરી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
