News of Sunday, 7th June 2026
તામીનાડુ સી.એમ. વિજયની TASMAC કૌભાંડ અને પાર્ટી ફંડ પર મોટી કાર્યવાહી
દર મહિને પાર્ટી ફંડ માટે ૧૦ર કરોડ અલગ કરાતા હતાઃ ૧૬૦૦ કરોડની હેરાફેરીની આશંકા

ચેન્નઈ: તમિલનાડુના નવ નિયુક્ત મુખ્યમંત્રી અને ટીવીકે (TVK) ચીફ સી. જોસેફ વિજયે સત્તાના સૂત્રો સંભાળતાની સાથે જ ભ્રષ્ટાચાર સામે અત્યાર સુધીની સૌથી મોટી કાનૂની અને વહીવટી કાર્યવાહી શરૂ કરી છે. તાજેતરમાં યોજાયેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં સીએમ વિજયે તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન (TASMAC) ના નામે ચાલતા ગેરકાયદેસર કેશ કલેક્શન અને પોલિટિકલ ફંડિંગના મસમોટા નેક્સસનો પર્દાફાશ કર્યો છે. સત્તાવાર સરકારી સોર્સ અનુસાર, રાજ્યના ૪,૦૪૮ રજિસ્ટર્ડ આઉટલેટ્સ પરથી દર મહિને આશરે રૂ. ૧૦૨ કરોડ ‘પાર્ટી ફંડ’ ના નામે ડાયવર્ટ કરવામાં આવતા હતા, જેના કારણે છેલ્લા પાંચ વર્ષમાં સરકારી તિજોરીને અંદાજે રૂ. ૧,૬૦૦ કરોડનું તોતિંગ નુકસાન થયું હોવાની આશંકા છે.
આબકારી વિભાગની પ્રાથમિક વિગતો મુજબ, છેલ્લા બે દાયકાથી ટાસ્મેકની સપ્લાય ચેનમાં લિકેજનો આ ગંભીર કારસો પડદા પાછળ ચાલી રહ્યો હતો, જેમાં દારૂના બોક્સના આધારે ગેરકાયદેસર કલેક્શન કરવામાં આવતું હતું. રાજ્યમાં દર મહિને સરેરાશ ૮૮ લાખ ગ્રાહકો દારૂ ખરીદે છે, જેનો આ નેક્સસ દ્વારા દુરુપયોગ કરાતો હતો. આ ભ્રષ્ટાચાર માત્ર ફંડિંગ પૂરતો મર્યાદિત નહોતો, પરંતુ ખાલી બોટલ પર લેવાતી રૂ. ૧૦ ની ડિપોઝિટ અને બાયબેક સિસ્ટમમાં પણ દર મહિને અંદાજે રૂ. ૩૦૦ કરોડની મસમોટી ઉથલપાથલ આચરવામાં આવતી હોવાનો સરકારી રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.
મુખ્યમંત્રી વિજયે આ અનૌપચારિક અને ગેરકાયદેસર કેશ કલેક્શન સિસ્ટમને રાજ્યમાં તાત્કાલિક અસરથી પ્રતિબંધિત કરવાનો કડક આદેશ જારી કર્યો છે. આ ભગીરથ વહીવટી સુધારાની સીધી જવાબદારી પ્રથમ વખત બનેલા ૩૭ વર્ષીય યુવા પ્રોહિબિશન અને એક્સાઇઝ મંત્રી કે. વિગ્નેશને સોંપવામાં આવી છે. મંત્રી કે. વિગ્નેશે મીડિયા સમક્ષ સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું કે, "મુખ્યમંત્રીએ ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપ્યો છે કે દારૂના વેચાણમાંથી થતી એક-એક પાઈ સીધી સરકારી તિજોરીમાં જ જમા થવી જોઈએ. અમારી સરકારને જનતાની મુશ્કેલીમાંથી થતી કોઈ ભ્રષ્ટ કમાણી જોઈતી નથી."
ભૂતકાળમાં ડીએમકે (DMK) શાસન દરમિયાન ટાસ્મેકના થયેલા કથિત રાજકીય દુરુપયોગ પર હવે તપાસ એજન્સીઓ કેન્દ્રિત થઈ છે, જેને પગલે દક્ષિણના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પ્રશાસન હવે બોટલ કલેક્શનના ભ્રષ્ટાચારને કાયમી ધોરણે નાબૂદ કરવા માટે ડિપોઝિટની રકમને સીધી એમઆરપી (MRP) સાથે લિંક કરવા અથવા સપૂર્ણ ટ્રાન્સપરન્ટ ડિજિટલ રિફંડ સિસ્ટમ લાવવા પર સક્રિય વિચારણા કરી રહ્યું છે. આગામી દિવસોમાં આ નાણાકીય લિકેજ રોકવા માટે આબકારી વિભાગ દ્વારા અદ્યતન ટ્રેકિંગ સોફ્ટવેર પણ લોન્ચ કરવામાં આવશે, જેથી આ સરકારી વ્યવસ્થાને સંપૂર્ણપણે ભ્રષ્ટાચાર મુક્ત બનાવી શકાય.
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
