News of Sunday, 7th June 2026
રોન્ગ નંબરથી થયો પ્રેમ: પતિ અને 5 બાળકોને છોડીને મહિલા
પ્રેમી સાથે 21 વર્ષ નાના છોકરા સાથે કર્યા લગ્નઃ બિહારનો ચોંકવનારો કિસ્સો

પટનાઃ કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે, તેને નથી તો નડતી ઉંમર કે નથી તો નડતા ધર્મના બંધનો. આવો જ એક ચોંકાવનારો કિસ્સો બિહારના જમુઈ જિલ્લામાંથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક રોન્ગ નંબરે બે અલગ-અલગ જિલ્લાના લોકોને હંમેશા માટે એક કરી દીધા.
જમુઈના ખૈરા થાણા વિસ્તારના ખડૂઈ બરિયારપુર ગામના 19 વર્ષના યુવક મહાવીર ઠાકુરને બે વર્ષ પહેલાં એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. આ ફોન પૂર્ણિયાની રહેવાસી 40 વર્ષની બિંદુ દેવી ઉર્ફે સીમા પરવીનનો હતો. રોન્ગ નંબરથી શરૂ થયેલી આ વાતચીત ધીમે-ધીમે પ્રેમમાં બદલાઈ ગઈ. રસપ્રદ વાત એ છે કે બિંદુ માત્ર ઉંમરમાં મહાવીર કરતાં 21 વર્ષ મોટી નથી, પરંતુ તે પાંચ બાળકોની માતા પણ છે.
બિંદુની જિંદગી કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી ન હતી. આશરે 10 વર્ષ પહેલાં તેણે મોહમ્મદ મનન આલમ નામના મુસ્લિમ યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને હિન્દુ ધર્મ છોડી ઇસ્લામ અપનાવી પોતાનું નામ 'સીમા પરવીન' રાખ્યું હતું. જોકે, લગ્ન બાદ પતિના ત્રાસથી કંટાળેલી બિંદુને મહાવીરના રૂપમાં નવો સહારો મળ્યો. બંનેએ પોતાના પરિવારોની મરજી વિરુદ્ધ ઘર છોડી દીધું અને કોલકાતાના એક મંદિરમાં જઈને લગ્ન કરી લીધા. બિંદુએ ફરીથી હિન્દુ ધર્મ અપનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
જ્યારે આ અનોખી જોડી લગ્ન કરીને ગામમાં પાછી ફરી, ત્યારે ગ્રામજનોએ ભારે વિરોધ કર્યો અને મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો. થાણા અધ્યક્ષ મિન્ટુ કુમાર સિંહે બંનેની પૂછપરછ કરી. જોકે, કાયદાની નજરમાં બંને પુખ્ત વયના હોવાથી અને સાથે રહેવાની મક્કમ ઈચ્છા દર્શાવતા, પોલીસે તેમને ઘરે જવા દીધા.
મને કોઈ ફરક નથી પડતો કે બિંદુની ભૂતકાળની જિંદગી કેવી હતી, મેં તેની સાથે સાચો પ્રેમ કર્યો છે અને હવે અમારે સાથે જ જીવવું ને મરવું છે.: તેમ પ્રેમી મહાવીર ઠાકુરએ જણાવ્યું હતું. હાલમાં આ અનોખા પ્રેમ લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
