<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th June 2026

પુતિનની ગેંગના અબજોપતિઓ પર પશ્ચિમી પ્રતિબંધો બેઅસર: યુએઈ અને ઓમાન થઈને રશિયા પહોંચી રહ્યા છે લક્ઝરી જેટ

અમેરિકા-યુરોપના કાયદાના લીરેલીરા ઉડાડી મધ્ય-પૂર્વ એશિયા અને આફ્રિકાના દેશોના શરણે પુતિનના ખાસ મિત્રો

મોસ્કો:  યુક્રેન યુદ્ધ બાદ અમેરિકા અને યુરોપિયન દેશોએ રશિયાના અર્થતંત્રને તોડવા અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નજીકના સાથીઓ પર દબાણ લાવવા માટે અત્યંત કડક આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાદ્યા હતા. જો કે, આ તમામ પશ્ચિમી પ્રતિબંધો કાગળ પર જ રહી ગયા હોય તેવા સનસનાટીભર્યા અહેવાલો સામે આવ્યા છે. રશિયન અબજોપતિઓ અને પુતિનની કોટરીના પ્રભાવશાળી નેતાઓ આજે પણ કરોડો ડોલરની કિંમતના અત્યાધુનિક પશ્ચિમી ખાનગી જેટ વિમાનો ન માત્ર ખરીદી રહ્યા છે, પરંતુ તેમાં બિન્દાસ રીતે વિશ્વભરમાં મુસાફરી પણ કરી રહ્યા છે. આ મોંઘા જેટ સીધા રશિયા મોકલવાને બદલે યુએઈ, ઓમાન, કઝાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા જેવા ત્રીજા દેશોના ગુપ્ત રૂટ દ્વારા મોસ્કો પહોંચાડવામાં આવી રહ્યા છે, જ્યાં આ પ્રતિબંધો લાગુ પડતા નથી.

વોલ સ્ટ્રીટ જર્નલના એક વિસ્ફોટક અહેવાલ અનુસાર, રશિયાની સરકારી સંરક્ષણ કંપની 'રોસ્ટેક'ના વડા અને પુતિનના પરમ સખા સેરગેઈ ચેમેઝોવ હાલમાં $૭૫ મિલિયન (આશરે ૬૨૫ કરોડ રૂપિયા)ની કિંમતના શ્વેત બોમ્બાર્ડિયર ગ્લોબલ ૭૫૦૦ જેટનો ઉપયોગ કરી રહ્યા છે. ફ્લાઇટ રેકોર્ડ્સ દર્શાવે છે કે ચેમેઝોવે ઓક્ટોબર ૨૦૨૫ થી જાન્યુઆરી ૨૦૨૬ સુધીના ટૂંકા ગાળામાં જ આ વૈભવી જેટ દ્વારા યુએઈ, તુર્કી અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોના અનેક આંટાફેરા માર્યા છે. આ સિવાય પુતિનના બાળપણના મિત્ર અને જુડો પાર્ટનર આર્કાડી રોટેનબર્ગ, જેઓ ૨૦૧૪ના ક્રિમીઆ વિવાદ સમયથી બ્લેકલિસ્ટ છે, તેઓ પણ બે બોમ્બાર્ડિયર જેટના માલિક છે અને નિયમિતપણે અઝરબૈજાન તથા દુબઈની સહેલગાહ માણી રહ્યા છે.

પૂર્વ યુએસ અધિકારી જોન ઇ. સ્મિથના જણાવ્યા અનુસાર, અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળની શરૂઆત થયા બાદ રશિયા પરના પ્રતિબંધોના કડક અમલીકરણમાં નોંધપાત્ર ઢીલાશ જોવા મળી છે. અમેરિકન એજન્સીઓનું ધ્યાન હાલમાં રશિયાને બદલે ડ્રગ હેરફેર અને ઈરાન જેવા મોરચે વધુ કેન્દ્રિત હોવાથી રશિયન ડિફેન્સ માફિયાઓ અને તમાકુ-દારૂના વ્યવસાયથી $૪.૮ બિલિયનની સંપત્તિ બનાવનાર ઇગોર કેસાયેવ જેવા પ્રતિબંધિત ઉદ્યોગપતિઓ માટે પશ્ચિમી લક્ઝરી માલ અને ટેકનોલોજી મેળવવી સાવ સરળ બની ગઈ છે. આ ઘટનાક્રમે વૈશ્વિક સ્તરે પશ્ચિમી દેશોની આર્થિક નાકેબંધીની વિશ્વસનીયતા પર મોટા સવાલો ઊભા કરી દીધા છે.

(7:08 PM IST)