News of Sunday, 7th June 2026
અમેરિકા-ઈરાન પરમાણુ ડીલ પર લટકતી તલવાર : ઈરાને માંગી $૨૪ બિલિયનની અસ્કયામતો : નહિતર વૈશ્વિક યુદ્ધની આપી ધમકી
હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાને સાર્વભૌમત્વનો દાવો કરી જહાજો પાસેથી ટેક્સ વસૂલવાની તૈયારી બતાવી : ટ્રમ્પ વહીવટીતંત્ર નાણાકીય છૂટછાટો આપવાના મૂડમાં ન હોવાથી મડાગાંઠ યથાવત

તેહરાન: અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ કરાર પર ચાલી રહેલી શાંતિ વાટાઘાટો સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે, જેના કારણે પશ્ચિમ એશિયામાં ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાવા લાગ્યા છે. ઈરાનના ટોચના લશ્કરી સલાહકાર મોહસેન રેઝાઈએ સીએનએન (CNN) ને આપેલા વિસ્ફોટક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે આખી મડાગાંઠ અમેરિકા દ્વારા જપ્ત કરાયેલી $૨૪ બિલિયનની ઈરાની સંપત્તિને કારણે ઊભી થઈ છે. ઈરાનની માંગ છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર વચગાળાના કરાર પર હસ્તાક્ષર કરતાની સાથે જ પ્રથમ તબક્કામાં $૧૨ બિલિયન અને ત્યારબાદ બાકીની રકમ તાત્કાલિક મુક્ત કરે. ઈરાને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે હવે "બોલ ટ્રમ્પના કોર્ટમાં છે" અને આ રકમ મળ્યા પછી જ વાટાઘાટો આગળ વધશે.
બીજી તરફ, વૉશિંગ્ટનમાં ટ્રમ્પ વહીવટીતંત્ર ઈરાનની આ આકરી શરત સામે ભારે ખચકાટ અનુભવી રહ્યું છે. યુએસ અધિકારીઓને ડર છે કે લશ્કરી અને નાણાકીય પ્રતિબંધો વચ્ચે આટલી મોટી રકમ મુક્ત કરવાથી ઈરાન સામે વૈશ્વિક સ્તરે અમેરિકાનું પલડું નબળું પડી જશે અને તેને ઈરાન સામે ઘૂંટણ ટેકવ્યા બરાબર ગણવામાં આવશે. વોશિંગ્ટન કોઈપણ સંજોગોમાં તેહરાનને આવી મોટી આર્થિક રાહત આપવા તૈયાર નથી. અમેરિકાના આ કડક વલણ સામે ઈરાની સૈન્ય એજન્સીઓએ આક્રમક તેવર અપનાવી લીધા છે, જેના કારણે રાજદ્વારી સ્તરે સર્જાયેલી આ ખાઈ વધુ ઊંડી બની ગઈ છે.
આ આર્થિક વિવાદ વચ્ચે ઈરાને અમેરિકાને સીધી સૈન્ય યુદ્ધની ભયાનક ધમકી પણ આપી દીધી છે. લશ્કરી સલાહકારે જણાવ્યું છે કે જો અમેરિકાએ ઈરાન વિરુદ્ધ કોઈ પણ પ્રકારની લશ્કરી કાર્યવાહી કરી, તો આ સંઘર્ષ માત્ર પર્સિયન ગલ્ફ (પર્શિયાની ખાડી) પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ ઈરાન તેનો વળતો પ્રહાર હિંદ મહાસાગર, બાબ-અલ-મંડેબ, લાલ સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્ર સુધી વિસ્તૃત કરશે. આ સાથે જ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ જળમાર્ગ પર ઓમાન સાથે પોતાની સંયુક્ત સાર્વભૌમત્વનો દાવો કરીને ઈરાને ત્યાંથી પસાર થતા આંતરરાષ્ટ્રીય વ્યાપારી જહાજો પાસેથી જાળવણી ફી (ટેક્સ) વસૂલવાનો નવો દાવ ખેલ્યો છે, જે વૈશ્વિક વેપાર માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે.
(7:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
