<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

સુપ્રીમ કોર્ટના પૂર્વ જજે બનાવી ‘ઇશ્‍ક કરો પાર્ટી': CJPના નેતાને કહ્યા મૂર્ખ!

જસ્‍ટિસ માર્કન્‍ડેય કાત્‍જુનો અનોખો રાજકીય પ્રયોગ : વેલેન્‍ટાઈન્‍સ ડે જેવો રોમાન્‍સ નહીં પણ ગરીબી અને બેરોજગારી સામે પ્રેમના હથિયારથી લડશે પાર્ટી

નવી દિલ્‍હી, તા.૮: દેશની સર્વોચ્‍ચ અદાલતના પૂર્વ ન્‍યાયાધીશ જસ્‍ટિસ માર્કન્‍ડેય કાત્‍જુ હંમેશા પોતાના બેબાક નિવેદનો માટે જાણીતા છે, પરંતુ આ વખતે તેમણે ભારતીય રાજકારણમાં એક એવો બોમ્‍બ ફોડ્‍યો છે જેની કોઈએ કલ્‍પના પણ નહોતી કરી. જસ્‍ટિસ કાત્‍જુએ દેશના પાયાના પ્રશ્‍નો ઉઠાવવા માટે ઇશ્‍ક કરો પાર્ટી નામે એક તદ્દન નવો રાજકીય પક્ષ સ્‍થાપવાની સત્તાવાર જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર આ નામ જોતા જ લોકો તેને વેલેન્‍ટાઈન્‍સ ડે કે યુવક-યુવતીઓના રોમાન્‍સ સાથે જોડીને મજાક સમજી રહ્યા હતા, પરંતુ કાત્‍જુએ લાંબી પોસ્‍ટ લખીને સ્‍પષ્ટ કર્યું છે કે આ કોઈ મજાક નથી, પરંતુ દેશમાં વ્‍યાપક ગરીબી, બાળ કુપોષણ અને મોંઘવારી સામે લડવા માટેનો એક અત્‍યંત ગંભીર અને શક્‍તિશાળી જન સંઘર્ષ છે.

પોતાની આ નવી ઇનિંગ્‍સની શરૂઆત સાથે જ જસ્‍ટિસ કાત્‍જુએ દેશમાં ચાલી રહેલા સિટીઝન્‍સ ફોર જસ્‍ટિસ એન્‍ડ પીસ આંદોલન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ઘ્‍થ્‍ભ્‍ના ફોલોઅર્સને કડક શબ્‍દોમાં ચેતવણી આપતા કહ્યું છે કે ત્‍યાં પોતાનો કિંમતી સમય બગાડવાને બદલે રાષ્‍ટ્રહિતમાં ઇશ્‍ક કરો પાર્ટીમાં જોડાઈ જવું જોઈએ. આટલું જ નહીં, દેશમાં ચાલતા પેપર લીક કાંડ અને પરીક્ષાઓની ગેરરીતિઓ વચ્‍ચે સીજેપીના નેતા અભિજીત દીપકે દ્વારા કેન્‍દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્‍દ્ર પ્રધાનના રાજીનામાની જે માંગ કરવામાં આવી રહી છે, તેને કાત્‍જુએ તદ્દન મૂર્ખામીભરી ગણાવી છે. તેમણે સવાલ કર્યો કે જો એક મંત્રી રાજીનામું આપી પણ દેશે અને તેની જગ્‍યાએ બીજો મંત્રી આવી જશે, તો તેનાથી સડી ગયેલી વ્‍યવસ્‍થામાં શો ફરક પડવાનો છે?

આ અનોખી પાર્ટીના સંગઠન માળખા અને નીતિઓ વિશે વાત કરીએ તો જસ્‍ટિસ કાત્‍જુ પોતે આ પક્ષના સંરક્ષક તરીકે રહેશે, જ્‍યારે પક્ષના સંચાલનની જવાબદારી અધ્‍યક્ષ ઈરફાન અલીને સોંપવામાં આવી છે. રસપ્રદ બાબત એ છે કે આ પાર્ટીમાં જોડાવા માટે ૪૪ વર્ષની ઉંમર વટાવી ચૂકેલા લોકો જ લાયક ગણાશે. કાત્‍જુએ લોકોને અપીલ કરી છે કે જેઓ જ્ઞાતિ, ધર્મ કે વંશના ભેદભાવ વિના તમામ દેશવાસીઓ પ્રત્‍યે સાચો પ્રેમ એટલે કે ઇશ્‍ક રાખવા માંગે છે, તેઓ સત્તાવાર મેઇલ આઇડી પર સંપર્ક કરે. જો લોકો પક્ષની આ ક્રાંતિકારી વિચારધારા સાથે સહમત થશે, તો તેમને સીધા પક્ષના ઉપાધ્‍યક્ષ બનાવવાની ઓફર પણ આપવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ આ પાર્ટી પોતાની સત્તાવાર વેબસાઇટ અને ઇન્‍સ્‍ટાગ્રામ એકાઉન્‍ટ પણ લોન્‍ચ કરવા જઈ રહી છે. 

(3:00 PM IST)