તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Monday, 8th June 2026
ChatGPTના ૧૦૦ શબ્દો પાછળ વપરાય છે આખી બોટલ પાણી
AIની માયાજાળ પાછળ છુપાયેલું મોટું જળસંકટ : ઈમેઈલ કે હોમવર્ક પાછળ ડેટા સેન્ટરો કેવી રીતે ગળી રહ્યા છે લાખો લીટર શુદ્ધ પાણી

નવી દિલ્હી, તા.૮: ટેકનોલોજીની દુનિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો દબદબો છે, પરંતુ આ સુવિધા પાછળ કુદરતી સંસાધનોનો મોટો ભોગ લેવાઈ રહ્યો છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સંશોધકોએ દાવો કર્યો છે કે ChatGPT જ્યારે પણ તમારા માટે માત્ર ૧૦૦ શબ્દોનો એક નાનકડો પેરેગ્રાફ કે ઈમેલ લખે છે, ત્યારે તે પ્રક્રિયામાં અંદાજે ૫૧૯ મિલીલીટર એટલે કે અડધા લીટરથી વધુ પાણીનો વપરાશ થઈ જાય છે. ડિજિટલ સ્ક્રીન પર દેખાતા શબ્દો પાછળ આટલો મોટો જળવ્યય થાય છે તે હકીકત યુઝર્સ માટે અત્યંત આશ્ચર્યજનક છે. આ આંધળા પાણીના વપરાશ પાછળનું મુખ્ય કારણ AI ને ચલાવતા વિશાળ ડેટા સેન્ટર્સ છે. લાખો યુઝર્સની ક્વેરી પ્રોસેસ કરવા માટે આ સેન્ટરોમાં હજારો શક્તિશાળી સર્વર્સ ચોવીસ કલાક સતત કામ કરે છે, જેના લીધે ભારે માત્રામાં ગરમી (હીટ) પેદા થાય છે. આ હીટિંગ સિસ્ટમને ઠંડી રાખવા અને સર્વર્સને પીગળી જતા બચાવવા માટે ખાસ પાણી આધારિત કૂલિંગ ટાવર્સ કાર્યરત હોય છે, જે દર સેકન્ડે હજારો ગેલન શુદ્ધ પાણી પી જાય છે. વધતી જતી માંગને કારણે વર્ષ ૨૦૨૭ સુધીમાં આ સ્થિતિ વૈશ્વિક સ્તરે અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. માઇક્રોસોફ્ટ, ગૂગલ અને મેટા જેવી અગ્રણી કંપનીઓના ડેટા સેન્ટર્સ અત્યારે પણ એવા વિસ્તારોમાં ધમધમી રહ્યા છે જ્યાં પહેલેથી જ પાણીની તીવ્ર અછત છે. અહેવાલો મુજબ, જો AI નો વપરાશ આ જ ગતિએ વધતો રહેશે તો આગામી સમયમાં તે બ્રિટન જેવા દેશના વાર્ષિક ભૂગર્ભજળના વપરાશના અડધા ભાગ જેટલું પાણી એકલું જ સ્વાહા કરી જશે, જે પર્યાવરણ માટે મોટો ખતરો છે.
(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
