News of Monday, 8th June 2026
દિલ્હીમાં ‘ઇન્ડિયા' ગઠબંધનની મહામંથન બેઠકઃ ડીએમકે-આપની ગેરહાજરી
કેન્દ્ર સરકારને ઘેરવા રણનીતિ પર ચર્ચા : ૨૩ પક્ષોના દિગ્ગજો એક મંચ પર : બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મમતા બેનર્જી, અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવ નેતાઓ સામેલ થયા

નવી દિલ્હી, તા.૮: દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પૂરી થતાં જ દેશની રાજધાની દિલ્હીના કોન્સ્ટિટયુશન ક્લબમાં વિરોધ પક્ષોના ‘ઇન્ડિયા એલાયન્સ' ની એક ખૂબ જ મહત્વપૂર્ણ અને હાઈ-પ્રોફાઈલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મમતા બેનર્જી, અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવએ હાજરી આપી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બેઠકની શરૂઆતમાં જ એજન્ડા સ્પષ્ટ કરતાં કહ્યું કે, મોદી સરકારના કુશાસનથી દેશ સામે રાજકીય, આર્થિક અને સામાજિક પડકારો ઊભા થયા છે, જેનો સામનો કરવા માટે આપણે બધાએ એક થઈને આગળ વધવું પડશે. જોકે, આ મહામંથન શરૂ થાય તે પહેલાં જ દિલ્હીના રસ્તાઓ પર રાહુલ ગાંધીને નિશાન બનાવતા જૂના નિવેદનોવાળા પોસ્ટરો લાગતાં રાજકીય ગરમાવો વધી ગયો હતો.
આ બેઠકમાં વિપક્ષે મોદી સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. મલ્લિકાર્જુન ખડગેએ આક્ષેપ કર્યો હતો કે દેશમાં લોકશાહી અને બંધારણ પર સતત હુમલા થઈ રહ્યા છે, અને બિન-ભાજપ શાસિત રાજ્યો સાથે ખુલ્લેઆમ ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. તેમણે દેશમાં વધતી મોંઘવારી, બેરોજગારી અને તાજેતરમાં પરીક્ષા પ્રણાલીમાં થયેલા ગેરવહીવટ અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જેના કારણે લાખો યુવાનોનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. બીજી તરફ, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશની કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવતા કહ્યું કે, અમારો પ્રયાસ દેશમાં ૅબંધુ રાજૅ (ભાઈચારો) સ્થાપિત કરવાનો છે, કારણ કે હવે મહિલાઓ પણ વર્તમાન વ્યવસ્થાથી નારાજ છે અને લોકશાહીના મૂલ્યોની રક્ષા કરવી અનિવાર્ય બની ગઈ છે.
પરંતુ આ ભવ્ય બેઠકની પાછળ ગઠબંધનની આંતરિક તિરાડો પણ સપાટી પર આવી ગઈ છે. આમ આદમી પાર્ટી (AAP) પહેલેથી જ અંતર જાળવી રહી છે, જ્યારે દક્ષિણના પિલર ગણાતા ડીએમકે (DMK) પક્ષે તમિલનાડુમાં કોંગ્રેસના નિર્ણયોથી નારાજ થઈને આ બેઠકનો બહિષ્કાર કર્યો છે, જેને શરદ પવારે ચિંતાનો વિષય ગણાવ્યો હતો. કેરળ ચૂંટણીના મુદ્દે ડાબેરી પક્ષો પણ કોંગ્રેસથી નારાજ દેખાયા હતા. આ તમામ આંતરિક મતભેદો વચ્ચે પણ કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે દાવો કર્યો છે કે ૨૩ પક્ષો આ ઁઇન્ડિયા જનબંધનઁ બેઠકમાં સામેલ થયા છે અને ગઠબંધન તેની વિવિધતા સાથે અકબંધ છે. આ બેઠક મુખ્યત્વે આગામી રાજ્યોની ચૂંટણીઓ અને ૨૦૨૯ની લોકસભા ચૂંટણી માટે એક મજબૂત અને સંયુક્ત વ્યૂહરચના ઘડવા માટે બોલાવવામાં આવી છે.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
