<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

RTOની લાંબી લાઈનોમાંથી મળશે મુક્તિ: ડ્રાઇવિંગ લાઇસન્સ હવે 50 વર્ષની ઉંમર સુધી રહેશે માન્ય, વાહન ટ્રાન્સફરની પ્રક્રિયા થશે સંપૂર્ણ ઓનલાઈન!

કેન્દ્ર સરકારના 'ઈઝ ઓફ લિવિંગ' મિશન હેઠળ ઐતિહાસિક ફેરફારની તૈયારી; ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર હવે મળશે 'નેગેટિવ પોઈન્ટ્સ', વધુ ભૂલો કરનારનું લાયસન્સ થશે રદ

નવી દિલ્હી : દેશભરના વાહન માલિકો અને ડ્રાઇવરો માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. વર્ષોથી RTO કચેરીઓમાં ધક્કા ખાવાની અને કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવાની ઝંઝટ હવે ભૂતકાળ બની શકે છે. કેન્દ્ર સરકાર ડ્રાઇવિંગ લાઇસન્સ (DL) અને વાહન સંબંધી સેવાઓના નિયમોમાં ધરખમ ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. આ પ્રસ્તાવનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકો માટે સરકારી કામકાજને સરળ, પારદર્શક અને ડિજિટલ બનાવવાનો છે.

ડ્રાઇવિંગ લાઇસન્સની માન્યતામાં મોટો વધારો

હાલના નિયમો મુજબ, ડ્રાઇવિંગ લાઇસન્સ દર થોડા વર્ષોએ રિન્યુ કરાવવું પડે છે, જે એક લાંબી અને કંટાળાજનક પ્રક્રિયા છે. નવા પ્રસ્તાવિત ફેરફાર હેઠળ, ડ્રાઇવિંગ લાઇસન્સ હવે સીધું 50 વર્ષની ઉંમર સુધી માન્ય રાખવાની યોજના છે. મંત્રાલયનું માનવું છે કે, આ પહેલથી લાખો લોકોને વારંવારના કાગળકામ અને RTOની રૂબરૂ મુલાકાત લેવામાંથી મોટી રાહત મળશે.

ઘરે બેઠા થશે વાહન ટ્રાન્સફર

લાઇસન્સની સાથે-સાથે વાહન માલિકીના ટ્રાન્સફર (Title Transfer) અને પરમિટ રિન્યુઅલ જેવા કામો પણ હવે સંપૂર્ણપણે ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવામાં આવશે. એટલે કે, હવે જૂનું વાહન ખરીદ્યા કે વેચ્યા પછી RTO ઓફિસ જવાની કોઈ જરૂર રહેશે નહીં. આ સમગ્ર પ્રક્રિયા મોબાઈલ કે કોમ્પ્યુટરના માધ્યમથી ગણતરીની મિનિટોમાં ઘરે બેઠા પૂર્ણ કરી શકાશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ ઓનલાઈન સિસ્ટમથી રાજ્યના મહેસૂલ પર કોઈ નકારાત્મક અસર નહીં પડે, કારણ કે ફી અને ચાર્જ ઓનલાઈન માધ્યમથી જ વસૂલવામાં આવશે.

ટ્રાફિક તોડનારાઓ માટે કડક કાયદો

એક તરફ સરકાર નિયમોને સરળ બનાવી રહી છે, તો બીજી તરફ ટ્રાફિકના નિયમો તોડનારાઓ માટે સખત પગલાં લેવાની તૈયારી છે. નવી સિસ્ટમમાં 'નેગેટિવ પોઈન્ટ' પદ્ધતિ લાગુ કરવામાં આવશે. જે ડ્રાઇવરો વારંવાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરશે, તેમના લાઇસન્સમાં નેગેટિવ પોઈન્ટ્સ ઉમેરાશે. જો કોઈ ડ્રાઇવર નિર્ધારિત મર્યાદા કરતા વધુ નેગેટિવ પોઈન્ટ્સ મેળવશે, તો તેનું લાયસન્સ તત્કાલ સસ્પેન્ડ અથવા કાયમી ધોરણે રદ કરી દેવામાં આવશે.

આ ફેરફારો સરકારના "ઇઝ ઓફ લિવિંગ" મિશનનો એક મહત્વનો ભાગ છે. આ સિસ્ટમ લાગુ થવાથી માત્ર ભ્રષ્ટાચાર અને વચેટિયાઓનો ત્રાસ ઘટશે એટલું જ નહીં, પરંતુ વાહન વ્યવહારનું સમગ્ર વહીવટી તંત્ર વધુ આધુનિક અને પારદર્શક બનશે. આગામી સમયમાં આ સુધારાઓ વાહનચાલકોના જીવનમાં કેટલું મોટું પરિવર્તન લાવે છે તે જોવું રહ્યું.

(6:53 PM IST)