News of Monday, 8th June 2026
બંગાળમાં CBIના 'નો-એન્ટ્રી' બોર્ડ હટ્યા! સુવેન્દુ સરકારનો મોટો નિર્ણય : કેન્દ્રીય કર્મચારીઓ અને PSU કૌભાંડો પર હવે એજન્સીની સીધી નજર
હવે કેન્દ્ર સરકારના ભ્રષ્ટ બાબુઓ અને જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં ચાલતી ગેરરીતિઓ પર સીધી કાર્યવાહીનો માર્ગ મોકળો બન્યો છે.

કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજકારણમાં સત્તા બદલાતાની સાથે જ વહીવટી અને ન્યાયિક નિર્ણયોમાં પણ અભૂતપૂર્વ ગતિશીલતા જોવા મળી રહી છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની સરકારે રાજ્યમાં કેન્દ્રીય તપાસ એજન્સી ને ફરીથી સક્રિય કરવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય લીધો છે. ૮ જૂન, ૨૦૨૬ના રોજ રાજ્યના ગૃહ અને હિલ બાબતોના વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર જાહેરનામા અનુસાર, દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, ૧૯૪૬ હેઠળ સીબીઆઈને બંગાળની ધરતી પર તપાસ કરવા માટે 'જનરલ કન્સેન્ટ' એટલે કે સામાન્ય સંમતિ આપી દેવામાં આવી છે. અગાઉની મમતા બેનર્જી સરકારે સીબીઆઈની એન્ટ્રી પર રોક લગાવી દીધી હતી, જેને નવી સરકારે તાત્કાલિક અસરથી નાબૂદ કરીને એજન્સીને મુક્ત હાથ આપવાની શરૂઆત કરી દીધી છે.
જોકે, સુવેન્દુ સરકારનો આ નિર્ણય જેટલો રસપ્રદ છે એટલો જ વહીવટી રીતે વ્યુહાત્મક પણ છે, કારણ કે આ પરવાનગી સંપૂર્ણપણે બિનશરતી નથી. આ નવી જોગવાઈ હેઠળ સીબીઆઈ હવે પશ્ચિમ બંગાળમાં કાર્યરત કેન્દ્ર સરકારના કર્મચારીઓ, અધિકારીઓ અને કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSUs) માં ચાલતા ભ્રષ્ટાચારના કેસોની સીધી તપાસ કરી શકશે. આ ઉપરાંત, જો કોઈ ખાનગી વ્યક્તિ કે અન્ય કોઈ તત્વ આ કેન્દ્રીય કર્મચારીઓ સાથે મળીને કોઈ આર્થિક કે ગુનાહિત કૌભાંડમાં સંડોવાયેલું હશે, તો સીબીઆઈ તેમની સામે પણ કોઈપણ રોકટોક વગર કાયદેસરના પગલાં ભરી શકશે. આ નિર્ણયથી બંગાળમાં વર્ષોથી અટકેલી કેન્દ્રીય સ્તરની તપાસોને નવો વેગ મળશે.
બીજી તરફ, રાજ્ય સરકારે પોતાની સ્વાયત્તતા જાળવી રાખવા માટે એક મજબૂત મર્યાદા રેખા પણ દોરી છે. આ જાહેરનામાની શરતો મુજબ, સીબીઆઈ પશ્ચિમ બંગાળ સરકારના નિયંત્રણ હેઠળના રાજ્ય સરકારના કર્મચારીઓ કે અધિકારીઓની સીધી તપાસ કરી શકશે નહીં. રાજ્યના સ્ટાફ સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી અથવા તપાસ શરૂ કરતા પહેલા સીબીઆઈએ રાજ્ય સરકાર પાસેથી વિધિવત રીતે લેખિત પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત રહેશે. આથી, એમ કહેવું તદ્દન ખોટું ઠરશે કે સીબીઆઈને બંગાળમાં તમામ બાબતો માટે ખુલ્લો દોર મળી ગયો છે. નવી સરકારે બહુ ચતુરઈપૂર્વક કેન્દ્રીય કૌભાંડોના મૂળિયાં ઉખાડવા એજન્સીને હથિયાર આપ્યું છે, પણ સાથે જ રાજ્યના વહીવટીતંત્ર પર પોતાનું નિયંત્રણ પણ અકબંધ રાખ્યું છે.
(6:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
