News of Monday, 8th June 2026
વિપક્ષનો ફિયાસ્કો: ભાજપને હરાવવા નીકળેલા ૨૫ યોદ્ધાઓનો ભાથો ખાલી : જૂના જ તીર અને ખાલી વાયદાઓ સાથે દિલ્હીની બેઠક પુરી!
પીએમ મોદી અને ભાજપના વિજય રથને રોકવા માટે ભારે ગાજવીજ સાથે યોજાયેલી 'ઇન્ડિયા બ્લોક'ની મહાબેઠક માત્ર એક ફોટો સેશન બનીને રહી ગઈ : કલાકોના મંથન બાદ બહાર આવેલા ૨૫ પક્ષોના નેતાઓ પાસે જનતાને આકર્ષવા માટે એક પણ નવો મુદ્દો કે મજબૂત રણનીતિ નહોતી

નવી દિલ્હી: દેશના રાજકારણમાં સત્તાધારી ભાજપ સામે એક મજબૂત મોરચો ઉભો કરવાના દાવા સાથે યોજાયેલી 'ઇન્ડિયા ગઠબંધન'ની બહુપ્રતિક્ષિત બેઠક અપેક્ષા મુજબ ફ્લોપ સાબિત થઈ છે. ચૂંટણીના મેદાનમાં ભાજપને પછાડવા માટે એકઠા થયેલા ૨૫ વિરોધ પક્ષોના નેતાઓએ કલાકો સુધી બંધ બારણે ચર્ચા-વિચારણા કરી હતી. એવું લાગતું હતું કે આ વખતે વિપક્ષ કોઈ મોટો રોડમેપ તૈયાર કરશે, રસ્તા પર ઉતરીને સરકારને ઘેરવાની જાહેરાત કરશે અને દેશ સમક્ષ કોઈ નવો રાજકીય વિકલ્પ રજૂ કરશે. પરંતુ, જ્યારે બેઠક પૂરી થયા બાદ તમામ ૨૫ પક્ષોના નેતાઓ મીડિયા સામે ફોટો પડાવવા માટે આવ્યા અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ નિર્ણયો જાહેર કરવાનું શરૂ કર્યું, ત્યારે સ્પષ્ટ થઈ ગયું કે આ યોદ્ધાઓનો ભાથો તદ્દન ખાલી હતો અને તેમની પાસે જૂના ઘસાઈ ગયેલા મુદ્દાઓ સિવાય કંઈ નહોતું.
મલ્લિકાર્જુન ખડગેએ ગઠબંધનના જે ૫ મુખ્ય નિર્ણયો જાહેર કર્યા, તેમાં નવો કોઈ જ દમ દેખાયો નથી. વિપક્ષે દેશની ચૂંટણી પ્રક્રિયા અને મતદાર યાદીમાં છેડછાડ અંગે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (CJI) ને પત્ર લખવાની વાત કહી છે, જ્યારે વાસ્તવિકતા એ છે કે આ જ મુદ્દે દેશની સર્વોચ્ચ અદાલત વિપક્ષની તમામ દલીલોને પહેલા જ ફગાવી ચૂકી છે. આ ઉપરાંત, પેપર લીક મામલે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી, બેરોજગારી, મોંઘવારી અને ખેડૂતોના પ્રશ્નો પર સંસદમાં હંગામો કરવાની જૂની વાતોનું જ પુનરાવર્તન કરવામાં આવ્યું હતું. આ એવા મુદ્દાઓ છે જેના પર રાહુલ ગાંધીથી લઈને મમતા બેનર્જી સુધીના નેતાઓ મહિનાઓથી નિવેદનો આપી રહ્યા છે, એટલે કે વિપક્ષ પાસે જનતાને પ્રભાવિત કરે તેવી કોઈ નવી ધારદાર યોજના નહોતી.
સૌથી વધુ આશ્ચર્યજનક બાબત એ છે કે ઇન્ડિયા ગઠબંધનની અંદર જ હવે ભંગાણના સંકેતો મળી રહ્યા છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણી વખતે આ ગઠબંધનમાં ૨૮ પક્ષો સામેલ હતા, જે હવે ઘટીને માત્ર ૨૫ પર આવી ગયા છે, જે દર્શાવે છે કે વિપક્ષી એકતા નબળી પડી રહી છે. દર બે મહિને બેઠક કરવાનો અને સંસદ સત્ર દરમિયાન રોજ સવારે સમન્વય બેઠક યોજવાનો જે નિર્ણય લેવાયો છે, તે અગાઉ પણ અનેકવાર લેવાઈ ચૂક્યો છે પરંતુ તેનો ક્યારેય યોગ્ય અમલ થયો નથી. આ બેઠક અંગે સોશિયલ મીડિયા પર લોકો તીખી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે માત્ર એરકન્ડિશન્ડ ડ્રોઇંગ રૂમમાં બેસીને ચર્ચાઓ કરવાથી કે પત્રો લખવાથી ભાજપ જેવી મજબૂત કેડર આધારિત પાર્ટીને હરાવી શકાશે નહીં.
(6:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
