News of Monday, 8th June 2026
પશ્ચિમ એશિયા સંકટ: ટ્રમ્પની અપીલ બાદ ઈરાન હુમલા રોકવા તૈયાર, પણ લેબનોન સરહદે તણાવ યથાવત
ઇઝરાયલ-ઈરાન વચ્ચે યુદ્ધવિરામના ભંગ બાદ ટ્રમ્પની મધ્યસ્થીથી નવી શાંતિ વાટાઘાટો શરૂ થઈ, પરંતુ લેબનોન પર ચાલુ બોમ્બમારાને કારણે સ્થિતિ હજુ પણ અત્યંત નાજુક

વોશિંગ્ટન: પશ્ચિમ એશિયામાં બે મહિના પહેલા લાગુ થયેલા યુદ્ધવિરામનો ભંગ કરીને ઇઝરાયલ અને ઈરાન સામસામે આવી ગયા છે. તાજેતરમાં ઇઝરાયલે બૈરુત પર કરેલા હવાઈ હુમલાના જવાબમાં ઈરાને ઇઝરાયલ તરફ મિસાઇલો દાગી હતી. આ ગંભીર સૈન્ય સંઘર્ષ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશોને તાત્કાલિક પ્રહાર રોકી દેવા અને શાંતિ જાળવવા કડક અપીલ કરી હતી. ટ્રમ્પની આ દરમિયાનગીરી અને ફોન કોલ બાદ, ઈરાને જાહેરાત કરી છે કે તેણે ઇઝરાયલ સામેની તેની લશ્કરી કાર્યવાહી હાલ પૂરતી રોકી દીધી છે.
ઈરાનના સશસ્ત્ર દળોના ખાતમ ઉલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટર અને ફાર્સ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, ઈરાને સ્પષ્ટ કર્યું છે કે લેબનીઝ નાગરિકોના સમર્થનમાં ગઈકાલે ઇઝરાયલ સામે જરૂરી જવાબી કાર્યવાહી પૂરી કરી લેવામાં આવી છે. જોકે, ઈરાને કડક ચેતવણી આપી છે કે જો ઇઝરાયલ દક્ષિણ લેબનોન કે અન્ય વિસ્તારો પર પોતાના હુમલા ચાલુ રાખશે, તો ઈરાન આનાથી પણ વધુ ગંભીર અને કડક સૈન્ય પગલાં ભરશે. આ જાહેરાત છતાં ઇઝરાયલ તરફથી હજુ સત્તાવાર મૌન સેવાઈ રહ્યું છે.
બીજી તરફ, લેબનોનની સ્થિતિ અત્યંત ચિંતાજનક બની છે. લેબનોનના વડા પ્રધાન નવાફ સલામે ખુલાસો કર્યો છે કે એપ્રિલ મહિનામાં અમેરિકાની મધ્યસ્થીથી યુદ્ધવિરામની જાહેરાત થઈ હોવા છતાં, ઇઝરાયલે તેનો સરેઆમ ભંગ કરીને લેબનોન પર લગભગ 3,500 વખત હવાઈ હુમલા અને વિસ્ફોટો કર્યા છે. લેબનોનના આરોગ્ય મંત્રાલયના સત્તાવાર આંકડા અનુસાર, આ માર્ચ મહિનાથી શરૂ થયેલા સંઘર્ષમાં અત્યાર સુધીમાં 3,613થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેના કારણે સમગ્ર ક્ષેત્રમાં સ્થિતિ ગમે ત્યારે વિસ્ફોટક બની શકે તેમ છે.
(7:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
