<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

ઈરાન સાથેના તણાવ વચ્ચે ઈઝરાયેલમાં મોટી રાહત: હોમ ફ્રન્ટ કમાન્ડ દ્વારા દેશવ્યાપી પ્રતિબંધો હટાવવાની સત્તાવાર જાહેરાત

આવતીકાલ મંગળવારે સવારે ૬ વાગ્યાથી દેશભરમાં શાળાઓ ખુલશે, લેબેનોન બોર્ડર પર બોમ્બ શેલટરમાં જ અભ્યાસની કડક તાકીદ

તેલ અવીવ: ઈરાન સાથેના તાજેતરના યુદ્ધના તણાવ અને સંઘર્ષ બાદ ઈઝરાયેલના હોમ ફ્રન્ટ કમાન્ડે નાગરિકો માટે લાદવામાં આવેલા કડક નિયંત્રણો હળવા કરવાની મોટી જાહેરાત કરી છે. આવતીકાલે સવારે ૬ વાગ્યાથી સમગ્ર દેશમાં શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, લેબેનોન સરહદની નજીક આવેલા અત્યંત સંવેદનશીલ વિસ્તારોમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ માત્ર સુરક્ષિત ઈમારતો કે બોમ્બ શેલટર (બંકર) ની અંદર જ ફરજિયાતપણે ચલાવવાની રહેશે. 

 

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભારે તણાવ અને તાજેતરના મિસાઈલ હુમલાઓને પગલે ઈઝરાયેલ સરકાર દ્વારા દેશભરમાં હાઈ એલર્ટ જાહેર કરીને અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. પરંતુ હવે પરિસ્થિતિ ધીમે ધીમે કાબૂમાં આવી રહી હોવાથી હોમ ફ્રન્ટ કમાન્ડે નાગરિકોની સુવિધા માટે આ પ્રતિબંધો હટાવવાનો નિર્ણય લીધો છે.

 

વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે આ એક મોટા રાહતના સમાચાર છે, કારણ કે યુદ્ધની સ્થિતિને કારણે લાંબા સમયથી શિક્ષણ કાર્ય ખોરવાયું હતું.

 

જોકે, સુરક્ષાને લઈને હજુ પણ કોઈ બાંધછોડ કરવામાં આવી નથી. ખાસ કરીને ઉત્તરી ઈઝરાયેલમાં, જે લેબેનોન બોર્ડરને અડીને આવેલું છે, ત્યાં હિઝબુલ્લાહના રોકેટ હુમલાનો સતત ખતરો રહેલો છે. આથી ત્યાંના સમુદાયો માટે કડક આદેશ છે કે તમામ શાળાઓ અને કાર્યક્રમો બોમ્બ શેલટરની નજીક જ યોજાવા જોઈએ જેથી સાયરન વાગતા જ બાળકો અને નાગરિકો સુરક્ષિત સ્થળે પહોંચી શકે.

 

વહીવટીતંત્ર દ્વારા સરહદી વિસ્તારોમાં મેળાવડા અને કાર્યક્રમો પર પણ આકરા નિયમો યથાવત રખાયા છે. ખુલ્લા મેદાનમાં મહત્તમ ૧૦૦ લોકો અને બંધ હોલ કે ઈમારતમાં ૪૦૦ લોકોને જ ભેગા થવાની પરવાનગી છે. સેના દ્વારા નાગરિકોને સતત સાવચેત રહેવા અને હોમ ફ્રન્ટ કમાન્ડની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

(9:42 PM IST)