News of Monday, 8th June 2026
ઈરાન સાથેના યુદ્ધવિરામ પર ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી કાત્ઝનું નિવેદન: હિઝબુલ્લાહ સામે આક્રમક કાર્યવાહી ચાલુ રહેશે: જો આતંકી સંગઠન હિઝબુલ્લાહ ઈઝરાયેલ પર કોઈ પણ પ્રકારનો નવો હુમલો કરશે, તો ઈઝરાયેલ સીધો જ લેબેનોનની રાજધાની બેરૂત પર તૂટી પડશે
કાત્ઝે ચીમકી આપી છે કે જો ઈઝરાયેલના ઉત્તરી ભાગોમાં રોકેટ પડ્યા, તો જ્યાંથી હિઝબુલ્લાહ આતંકી ઓપરેશનોનું સંચાલન કરે છે તે બેરૂતના દહીયેહ વિસ્તારને પણ નિશાન બનાવી ત્યાં ભારે તબાહી મચાવવામાં આવશે

જેરૂસલેમ: ઈરાન સાથેના યુદ્ધવિરામ અંગે ઈઝરાયેલના ટોચના અધિકારી તરફથી પ્રથમ સત્તાવાર નિવેદન સામે આવ્યું છે.
ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી ઈઝરાયેલ કાત્ઝે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન સાથે ભલે યુદ્ધવિરામ થયો હોય, પરંતુ લેબેનોનમાં સક્રિય આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ સામે ઈઝરાયેલી સેનાનું લશ્કરી ઓપરેશન જરા પણ રોકાશે નહીં.
કાત્ઝે આકરી ચેતવણી આપતા જણાવ્યું છે કે જો હિઝબુલ્લાહ ઈઝરાયેલ પર કોઈ પણ પ્રકારનો નવો હુમલો કરશે, તો ઈઝરાયેલ સીધો જ લેબેનોનની રાજધાની બેરૂત પર પ્રહાર કરશે. તેમણે બેરૂતના દહીયેહ વિસ્તારનો ખાસ ઉલ્લેખ કરીને કહ્યું કે તેનો અંજામ પણ ઈઝરાયેલના ઉત્તરી વિસ્તારો જેવો જ કરવામાં આવશે.
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધવિરામના અહેવાલો બાદ સંરક્ષણ મંત્રી ઈઝરાયેલ કાત્ઝે લેબેનોન મોરચે દેશની રણનીતિ સ્પષ્ટ કરી છે. તેમણે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે સેના હિઝબુલ્લાહના ખતરાને કાયમ માટે ખતમ કરવા કટિબદ્ધ છે. ઈરાન સાથે શાંતિ સમજૂતીનો અર્થ એ નથી કે ઉત્તરી સરહદેથી દુશ્મનોને હુમલા કરવાની ખુલ્લી છૂટ મળી ગઈ છે.
રક્ષામંત્રી કાત્ઝે ખાસ કરીને હિઝબુલ્લાહના ગઢ ગણાતા બેરૂતના દક્ષિણ ઉપનગર 'દહીયેહ' નો ઉલ્લેખ કર્યો હતો. દહીયેહ એ જ વિસ્તાર છે જ્યાંથી હિઝબુલ્લાહ પોતાના મોટાભાગના આતંકી ઓપરેશનોનું સંચાલન કરે છે. કાત્ઝે ચીમકી આપી છે કે જો ઈઝરાયેલના ઉત્તરી ભાગોમાં રોકેટ પડ્યા, તો બેરૂતના દહીયેહ વિસ્તારને પણ સમાન રીતે જ નિશાન બનાવવામાં આવશે અને ત્યાં ભારે તબાહી મચાવવામાં આવશે.
ઈઝરાયેલી લશ્કર હાલમાં પણ લેબેનોન બોર્ડર પર સંપૂર્ણ રીતે તૈનાત છે અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે હાઈ એલર્ટ પર છે. સંરક્ષણ મંત્રીના આ આકરા વલણથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર સેનાની સર્જિકલ સ્ટ્રાઈક અને હવાઈ હુમલાઓનો સિલસિલો હજુ અટકવાનો નથી અને ઈઝરાયેલ પોતાની આંતરિક સુરક્ષા માટે કોઈ બાંધછોડ કરશે નહીં.
(9:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
