<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

મેરઠની યુવતી અને દિલ્હીના સિંગાપોર રિટર્ન યુવક વચ્ચે હનીમૂન ટ્રીપ પર આખા પરિવારને સાથે લઈ જવા અનેગનો વિવાદ છૂટાછેડા સુધી પહોંચ્યો

રોમેન્ટિક હનીમૂન બન્યું ફેમિલી પિકનિક: સાસુ-સસરા અને દિયર-નણંદ પણ સાથે ગયા :પત્નીનો આક્ષેપ: હનીમૂન પર્સનલ ટાઈમ માટે હોય છે, આખા ઘરના પ્રવાસ માટે નહીં: ત્રણ વખત કાઉન્સિલિંગ કરવા છતાં બંને વચ્ચે સમાધાન ન થયું

ઉત્તરપ્રદેશના મેરઠમાં એક દંપતી વચ્ચે લગ્ન બાદ હનીમૂન પર જવાને લઈને એટલો ગંભીર વિવાદ સર્જાયો છે કે મામલો છેક છૂટાછેડા સુધી પહોંચી ગયો છે. મેરઠના બહસૂમા વિસ્તારની યુવતીના લગ્ન દિલ્હીના યુવક સાથે થયા હતા, પરંતુ પતિ હનીમૂન ટ્રિપ પર પત્નીની સાથે પોતાના આખા પરિવારને પણ ઉપાડી જતાં પત્નીએ પ્રાઇવસી ન મળવાના કારણે કોર્ટના દરવાજા ખખડાવ્યા છે.

મેરઠના પરિવાર પરામર્શ કેન્દ્રમાં એક અત્યંત અનોખો અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં માત્ર એક ટ્રિપના કારણે હસતું-રમતું ઘર તૂટવાની અણી પર છે. રામરાજની રહેવાસી ગ્રેજ્યુએટ યુવતીના લગ્ન દિલ્હીના પટેલ નગરમાં રહેતા અને સિંગાપોરથી હોસ્પિટાલિટી મેનેજમેન્ટનો અભ્યાસ કરી ચૂકેલા હાઈપ્રોફાઈલ યુવક સાથે મેટ્રિમોનિયલ વેબસાઈટ દ્વારા થયા હતા. લગ્ન પછી પત્ની ખૂબ જ ખુશ હતી કે તેઓ બંને હનીમૂન પર જઈ રહ્યા છે. જો કે, તેની ખુશી ત્યારે ગુસ્સામાં બદલાઈ ગઈ જ્યારે પતિએ આ પર્સનલ ટ્રીપમાં પોતાની માતા, પિતા, બહેન અને ભાઈ સહિત આખા પરિવારની ટિકિટ પણ સાથે જ બુક કરાવી દીધી.

"હનીમૂન એ પતિ-પત્ની માટે એકબીજાને સમજવાનો અને અંગત સમય વિતાવવાનો અવસર હોય છે. આખા પરિવારની હાજરીના કારણે મને મારા પતિ સાથે વાત કરવાનો કે સમય વિતાવવાનો કોઈ મોકો જ ન મળ્યો. આ છેતરપિંડી સમાન છે." - પીડિત પત્ની

બીજી તરફ, પતિનું કંઈક અલગ જ કહેવું છે. તેના મતે તે આખા પરિવારને ખુશ રાખવા માગતો હતો અને તેને હજુ પણ એવું લાગે છે કે આમાં તેણે કોઈ મોટી ભૂલ કે ગુનો કર્યો નથી.

આ અજીબોગરીબ વિવાદના કારણે બંને પરિવારો વચ્ચે અંતર વધી ગયું છે અને યુવતી પોતાના પિયર આવી ગઈ છે. મામલો પોલીસના પરામર્શ કેન્દ્રમાં પહોંચ્યા બાદ અત્યાર સુધીમાં ત્રણથી વધુ વખત બંને પક્ષોનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું છે. કાઉન્સિલરો દ્વારા પતિ અને પત્ની બંનેને સમજાવવાના પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં, કોઈ સહમતી સધાઈ નથી.

પત્ની હવે આ પ્રવૃત્તિથી કંટાળીને છૂટાછેડા લેવાની જીદ પર અડી ગઈ છે. સત્તાવાર અધિકારીઓના જણાવ્યા અનુસાર, સોમવારે પણ બંને પક્ષોને બોલાવીને સમજાવવામાં આવ્યા હતા અને સંબંધ બચાવવા માટે થોડો વધુ સમય આપવામાં આવ્યો છે. જો આગામી દિવસોમાં વાત નહીં બને તો કાયદાકીય રીતે છૂટાછેડાની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે.

(10:34 PM IST)