ઉજ્જવલા યોજનામાં મોટો ઝટકો: ગૃહિણીઓનું બજેટ ખોરવાશે : હવે વર્ષમાં માત્ર 4 સિલિન્ડર પર જ મળશે સબસિડી!
પશ્ચિમ એશિયાના તણાવ અને વૈશ્વિક મોંઘવારીની સીધી અસર ભારતના રસોડા પર: તેલ કંપનીઓની કરોડોની ખોટ સરભર કરવા સરકારે સબસિડીના નિયમોમાં કર્યો મોટો કાપ

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને એલપીજી (LPG) ના ભાવમાં આવેલા તોતિંગ ઉછાળાની સીધી અસર હવે ભારતના સામાન્ય પરિવારોના રસોડા સુધી પહોંચી ગઈ છે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના નિયમોમાં એક ઝટકા જેવો મોટો ફેરફાર કર્યો છે. નવા નિયમો મુજબ, હવે લાભાર્થીઓને આખા વર્ષમાં પહેલાની જેમ વધુ રિફિલ પર નહીં, પરંતુ માત્ર ૪ સિલિન્ડર પર જ ₹૩૦૦ ની સીધી સબસિડીનો લાભ મળશે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને ભૌગોલિક તણાવને કારણે વૈશ્વિક સ્તરે ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે, જેના લીધે ભારત સરકારને આ આકરો આર્થિક નિર્ણય લેવાની ફરજ પડી છે.
સરકારી આંકડાઓ અનુસાર, અત્યારે બજારમાં સ્થાનિક એલપીજી સિલિન્ડરની અસલી કિંમત ₹૧,૬૦૦ ને પાર થઈ ચૂકી છે, જેની સામે સામાન્ય ગ્રાહકોને તે માત્ર ₹૯૪૨ માં આપવામાં આવી રહ્યો છે. આ લાંબા ગાળાના ગેપના કારણે સરકારી તેલ કંપનીઓ પર આશરે ₹૬૦,૦૦૦ કરોડનો જંગી આર્થિક બોજ આવી પડ્યો છે. આ નુકસાનમાંથી ઓઇલ કંપનીઓને ઉગારવા માટે સરકારે સબસિડીનો દાયરો મર્યાદિત કરવો પડ્યો છે. જો કે, સરકારનું કહેવું છે કે આ ફેરફાર છતાં ઉજ્જવલા ગ્રાહકોને પરોક્ષ અને પ્રત્યક્ષ મળીને સિલિન્ડર દીઠ કુલ ₹૧,૦૦૦ ની મોટી રાહત તો મળી જ રહી છે.
વૈશ્વિક બજારમાં હોર્મુઝ ક્ષેત્રમાં સપ્લાય ચેઈન ખોરવાઈ જવાથી ફેબ્રુઆરી પછી એલપીજીના આંતરરાષ્ટ્રીય ભાવોમાં ૪૬ ટકાનો તોતિંગ વધારો નોંધાયો છે. ભારત પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો વિદેશથી આયાત કરતો હોવાથી આ વૈશ્વિક મંદી અને મોંઘવારીની થપ્પડ દેશના બજેટને વાગી છે. નિષ્ણાતોના મતે, વર્ષમાં માત્ર ૪ સિલિન્ડર પર જ સબસિડી મળવાના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોએ હવે વર્ષના બાકીના મહિનાઓમાં ગેસ ખરીદવા માટે ખિસ્સા ખાલી કરવા પડશે, જે આગામી દિવસોમાં મોંઘવારીનો નવો પડકાર ઉભો કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
