<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

પવિત્ર અમરનાથ યાત્રા પર આતંકી ખતરો? સુરક્ષાના કારણોસર હેલિકોપ્ટર સેવાઓ રદ કરાતા ઉઠ્યા ગંભીર સવાલો

૩ જુલાઈ થી શરૂ થઈ રહેલ યાત્રા રૂટને "નો ફ્લાઇંગ ઝોન" જાહેર કરાયો: કાશ્મીરમાં શાંતિ અને સુરક્ષાના દાવાઓ સામે મુકાયું પ્રશ્નાર્થચિહ્ન: આતંકવાદીઓ હેલિકોપ્ટરને નિશાન બનાવી શકે તેવી ગુપ્ત માહિતી ? તેમની પાસે ખભા પરથી દાગી શકાય તેવી 'સ્ટિંગર મિસાઈલો'ની ખેપ પહોંચી હોવાના પણ ચોંકાવનારા અહેવાલો

જમ્મુ: આગામી ૩જી જુલાઈથી શરૂ થઈ રહેલી પવિત્ર અમરનાથ યાત્રા પર ફરી એકવાર આતંકી ખતરાના વાદળો મંડરાઈ રહ્યા હોવાની આશંકા છે. સુરક્ષાના ભાગરૂપે પ્રશાસને સતત બીજી વખત યાત્રા માર્ગ પર હેલિકોપ્ટર સેવા રદ કરવાનો અને રૂટને 'નો ફ્લાઇંગ ઝોન' જાહેર કરવાનો મોટો નિર્ણય લીધો છે. સરકાર ભલે સત્તાવાર રીતે મૌન સેવી રહી હોય, પરંતુ આ પગલાંએ કાશ્મીરમાં સંપૂર્ણ શાંતિ અને સુરક્ષા હોવાના દાવાઓ અંગે ચર્ચાઓ થઈ રહી છે. 

સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ હેલિકોપ્ટરને નિશાન બનાવી શકે તેવી ગુપ્ત માહિતી મળી છે, અને તેમની પાસે ખભા પરથી દાગી શકાય તેવી 'સ્ટિંગર મિસાઈલો'ની ખેપ પહોંચી હોવાના પણ ચોંકાવનારા અહેવાલો છે. 

અત્રે નોંધનીય છે કે ગયા વર્ષે ૨૨ એપ્રિલે પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા હુમલા બાદ માંડ માંડ કાશ્મીરમાં પર્યટન પાટા પર ચડ્યું હતું, ત્યાં જ આ નવા ફરમાને ફરી ફફડાટ અને અસુરક્ષાનો માહોલ ફેલાવ્યો છે.

શ્રાઈન બોર્ડ દ્વારા અચાનક લેવાયેલા નિર્ણયથી રાજકીય પક્ષો અને દેશભરમાંથી હેલિકોપ્ટર દ્વારા યાત્રા કરવાનું સપનું જોતા હજારો શ્રદ્ધાળુઓમાં ભારે નિરાશા અને આક્રોશ વ્યાપી ગયો છે. રાજકીય દળોનું માનવું છે કે આવા નિર્ણયો દેશભરમાં કાશ્મીરની નકારાત્મક છબી ઉભી કરશે. સુરક્ષાના નામે લેવાયેલા આ પગલાંથી કાશ્મીર ફરી એકવાર અસુરક્ષિત વિસ્તારોની શ્રેણીમાં મુકાઈ ગયું હોવાની ભીતિ યાત્રિકોના મનમાં ઘર કરી ગઈ છે.

(10:16 PM IST)