<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

તેજસ પ્રોજેક્ટમાં ઘોર બેદરકારી: HAL ની સુસ્તી પર રક્ષામંત્રી લાલચોળ : હવે અબજોનો દંડ તોળાશે!

અમેરિકન એન્જિન આવી ગયા, ૧૮ એરફ્રેમ પણ તૈયાર છે છતાં વાયુસેનાને એકપણ ફાઇટર જેટ ન મળ્યું : ચીન-પાકિસ્તાનની બેવડી સરહદ વચ્ચે દેશની સુરક્ષા સામે મોટું જોખમ

નવી દિલ્હી:  ભારતીય આકાશના રક્ષક ગણાતા સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ 'તેજસ MK1A'ના પ્રોજેક્ટમાં ચાલી રહેલી આડોડાઈ અને ઢીલથી હવે કેન્દ્ર સરકારની ધીરજ ખૂટી ગઈ છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ની સુસ્તી સામે દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આકરૂ વલણ અપનાવ્યું છે. સોમવારે મળેલી એક હાઈ-લેવલ સમીક્ષા બેઠકમાં સંરક્ષણ પ્રધાને અધિકારીઓનો ઉધડો લીધો હતો અને સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, વારંવાર ડેડલાઈન ચૂકવા બદલ હવે HAL પર કરોડો-અબજો રૂપિયાનો આકરો નાણાકીય દંડ લાદવામાં આવશે. 'સરકારી કંપની' હોવાના નાતે અત્યાર સુધી મળતી છૂટછાટોનો યુગ હવે પૂરો થયો છે, કારણ કે આ મામલો સીધો દેશની સૈન્ય તાકાત અને સુરક્ષા સાથે જોડાયેલો છે.

સૌથી ચોંકાવનારી વાત એ છે કે, જે એન્જિનની અછતનું બહાનું અત્યાર સુધી આગળ ધરવામાં આવતું હતું, તેનો ઉકેલ આવી ગયો છે. HAL પાસે અમેરિકાના ૬ શક્તિશાળી GE F404 એન્જિન પહોંચી ચૂક્યા છે અને ફેક્ટરીની પ્રોડક્શન લાઇન પર ૧૮ જેટલા વિમાનના માળખા (એરફ્રેમ) પણ ધૂળ ખાઈ રહ્યા છે. આમ છતાં, ટેકનિકલ સર્ટિફિકેશન અને ક્લિયરન્સની ગોકળગાય ગતિએ ચાલતી પ્રક્રિયાના કારણે ભારતીય વાયુસેનાને હજુ સુધી એક પણ નવું તેજસ વિમાન સોંપવામાં આવ્યું નથી. વાયુસેનાએ કુલ ૧૮૦ વિમાનોનો મસમોટો ઓર્ડર આપ્યો છે, પરંતુ HAL ના ખાલી વાયદાઓને કારણે આખો પ્રોજેક્ટ ખતરામાં આવી ગયો છે.

આ વિલંબ માત્ર વહીવટી ખામી નથી, પરંતુ દેશની સંરક્ષણ સજ્જતા માટે એક મોટો એલાર્મ છે. ભારતીય વાયુસેના અત્યારે મંજૂર કરાયેલી ૪૨ સ્ક્વોડ્રનની સામે માંડ ૩૧-૩૨ સ્ક્વોડ્રનથી કામ ચલાવી રહી છે, જેમાં જૂના થઈ ગયેલા મિગ-૨૧ (MiG-21) જેવા વિમાનો નિવૃત્ત થઈ રહ્યા છે. ચીન અને પાકિસ્તાન જેવા પડોશી દેશો જ્યારે સરહદ પર સતત પોતાની વાયુસેનાને આધુનિક બનાવી રહ્યા છે, ત્યારે ભારતની આ આંતરિક સુસ્તી યુદ્ધની સ્થિતિમાં ભારે પડી શકે છે. સંરક્ષણ મંત્રાલયનું આ કડક વલણ સાબિત કરે છે કે હવે 'આત્મનિર્ભર ભારત' અંતર્ગત માત્ર હથિયારો બનાવવા પૂરતા નથી, પણ તે સમયસર સેનાના હાથમાં પહોંચે તે પણ એટલું જ અનિવાર્ય છે.

(10:43 PM IST)