News of Tuesday, 9th June 2026
સૂર્યવંશમાં રામ ભગવાન, ચંદ્રવંશમાં કૃષ્ણ ભગવાનઃ માયા એ પ્રભુની જ શક્તિ છેઃ પૂ.રમેશભાઈ ઓઝા
‘પૂ.ભાઈશ્રી'ના વ્યાસાસને ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં શ્રી રાધા કૃષ્ણ મંદિર અને ઓકલેન્ડ ઇન્ડિયન એસોસિએશનના સંયુક્ત આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમા ઊમટતા ભાવિકો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૯: ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં શ્રી રાધા કૃષ્ણ મંદિર અને ઓકલેન્ડ ઇન્ડિયન એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે તા. ૫ થી ૧૧ જૂન દરમિયાન આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના ચોથા દિવસે ‘પૂ.ભાઈશ્રી' રમેશભાઈ ઓઝાએ સૂર્ય-ચંદ્ર તત્વ, માયા અને રામ-કૃષ્ણના અવતાર રહસ્ય પર ઊંડું ચિંતન કરાવ્યું હતું. કથા પ્રસંગે ‘પૂ.ભાઈશ્રી' રમેશભાઈ ઓઝાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ઘણા લોકો માયાને ખોટી સમજે છે. માયા પ્રભુથી અલગ નથી, માયા પ્રભુની જ શક્તિ છે. જેનાથી આ સમગ્ર બ્રહ્માંડનું સર્જન, પાલન અને લય થાય છે તે માયા છે. તેમણે વંશ પરંપરા સમજાવતા કહ્યું, ભગવાનના બે મુખ્ય અવતાર થયા. સૂર્યવંશમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનું પ્રાગટય થયું અને ચંદ્રવંશમાં લીલા પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ પ્રગટયા. સૂર્ય ઉર્જા પ્રકાશ, તેજ અને કર્તવ્યનું પ્રતીક છે, જ્યારે ચંદ્ર ઉર્જા શીતળતા, પ્રેમ અને આનંદનું પ્રતીક છે. જીવન ચલાવવા માટે બંને ઉર્જા અનિવાર્ય છે. દિવસે સૂર્યનું તેજ જોઈએ અને રાત્રે ચંદ્રની શીતળતા જોઈએ. તેમ રામ વગર મર્યાદા ન આવે અને કૃષ્ણ વગર જીવનમાં રસ ન આવે.
શ્રીમદ્ ભાગવત અને રામકથાના અભેદ સંબંધને ઉજાગર કરતા પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ કહ્યું, લોકોને એમ લાગે કે ભાગવત એટલે માત્ર કૃષ્ણ કથા. પરંતુ શ્રીમદ્ ભાગવત મહાપુરાણના નવમા સ્કંધમાં બે સંપૂર્ણ અધ્યાય ભગવાન શ્રીરામના ચરિત્રને સમર્પિત છે. રામ અને કૃષ્ણ એક જ તત્વના બે સ્વરૂપ છે. એક મર્યાદા શીખવે છે, બીજા પ્રેમ શીખવે છે.
અયોધ્યા પ્રાણ-પ્રતિષ્ઠા અને રાજકોટ કથાનું સ્મરણ
અયોધ્યામાં થયેલી ભગવાન શ્રીરામલલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠાના પ્રસંગને યાદ કરતા પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ જણાવ્યું, જે દિવસે અયોધ્યામાં ૫૦૦ વર્ષના સંઘર્ષ બાદ શ્રીરામ ભગવાનની મૂર્તિની ભવ્ય પ્રાણ-પ્રતિષ્ઠા થઈ, તે ઐતિહાસિક સમયે રાજકોટમાં અમે ‘ભાગવત કે રામ' શીર્ષક હેઠળ વિશેષ કથાનું આયોજન કર્યું હતું. કારણ કે રામ વગર ભાગવત અધૂરું છે અને ભાગવત વગર રામકથાનું પૂર્ણ રહસ્ય સમજાતું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા દ્વારા આ કથાનું રાજકોટમાં જાન્યુઆરીમાં આયોજન થયુ હતુ.
કથાના ચોથા દિવસે ૧૬,૪૭૩થી વધુ ભાવિકો ઓનલાઈન LIVE જોડાયા હતા. પૂજ્ય ભાઈશ્રીએ કહ્યું કે વિદેશની ધરતી પર સનાતન ધર્મના સંસ્કારોનું સિંચન થવું એ આનંદની વાત છે. સૂર્ય અને ચંદ્રની જેમ રામ અને કૃષ્ણનું જીવનચરિત્ર પણ આપણને સંતુલિત જીવન જીવતા શીખવે છે.
તા. ૧૧ જૂન સુધી ચાલનારી આ કથામાં દરરોજ હજારો ભાવિકો પ્રત્યક્ષ અને ડિજિટલ માધ્યમથી જોડાઈ રહ્યા છે. પૂજ્ય ભાઈશ્રીના દર્શન અને કથાની નિયમિત માહિતી માટે શ્રીહરિ મંદિર, પોરબંદરની ઓફિશિયલ વોટ્સએપ ચેનલ કાર્યરત છે
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
