તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Tuesday, 9th June 2026
લંડનથી ભારત પરત ફરતી જયપુરની વિદ્યાર્થિની પાસેથી સામાનના ₹૩૪,૦૦૦ વસૂલનાર એર ઇન્ડિયાને હવે ₹૭૪,૦૦૦ ચૂકવવાનો કોર્ટનો આદેશ
એરલાઇનની 'મહારાજા સ્કોલર સ્કીમ' હેઠળ વધારાના લગેજનો લાભ ન આપી વિદ્યાર્થિનીને પાંચ વર્ષ સુધી કાનૂની લડાઈ લડવા મજબૂર કરવા બદલ રાજસ્થાન રાજ્ય ગ્રાહક આયોગે માનસિક યાતના અને કોર્ટ ખર્ચના વળતરમાં તોતિંગ વધારો કર્યો

જયપુર: વિદેશમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને આર્થિક રાહત આપવા માટે એર ઇન્ડિયા દ્વારા 'મહારાજા સ્કોલર સ્કીમ' ચલાવવામાં આવે છે, પરંતુ આ જ યોજના હેઠળ હકદાર એક વિદ્યાર્થિનીને અન્યાય કરવો ટાટા ગ્રુપની આ પ્રતિષ્ઠિત એરલાઇનને ભારે પડ્યો છે. યુનાઇટેડ કિંગડમ (UK) માં અભ્યાસ પૂર્ણ કરીને ૨૧ જુલાઈ, ૨૦૨૧ ના રોજ લંડનથી ભારત પરત ફરી રહેલી જયપુરની વિદ્યાર્થિની લાવણ્યા મગનને એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-162 માં ચેક-ઇન વખતે સ્ટાફે સ્ટુડન્ટ બેગેજ સ્કીમનો લાભ આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. એરલાઇને વિદ્યાર્થિની પાસે રહેલા વધારાના સામાન માટે બળજબરીપૂર્વક ૩૫૦ બ્રિટિશ પાઉન્ડ એટલે કે આશરે ₹૩૪,૧૩૧ વસૂલ્યા હતા. લાવણ્યાએ તે સમયે વિરોધ નોંધાવી સ્પષ્ટ કર્યું હતું કે તેણી એક ખાસ શૈક્ષણિક વ્યવસ્થા હેઠળ ૩ વર્ષમાં ૪ વર્ષનો કોર્સ પૂરો કરીને કાયમી ધોરણે વતન પરત ફરી રહી છે, છતાં એરલાઇનના સત્તાવાળાઓએ તેની એક પણ દલીલ સાંભળી ન હતી.
અન્યાય સામે હાર ન માનતા લાવણ્યાએ એર ઇન્ડિયા સામે રિફંડ મેળવવા લાંબી વાટાઘાટો શરૂ કરી હતી. આખરે ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ એર ઇન્ડિયા પોતાની ભૂલ સ્વીકારી રિફંડ આપવા સંમત થઈ હતી અને બે દિવસ પછી વિદ્યાર્થિનીના ક્રેડિટ કાર્ડની વિગતો પણ મંગાવી હતી. જોકે, આંતરિક બેદરકારી અને આશ્વાસનો છતાં કંપનીએ વર્ષો સુધી લાવણ્યાના ખાતામાં એક પણ રૂપિયો જમા ન કર્યો. એરલાઇનની આ ઉદાસીનતા અને ગ્રાહક સેવા પ્રત્યેની ક્રૂરતાથી કંટાળીને છેવટે વિદ્યાર્થિનીએ ગ્રાહક ફોરમમાં કાનૂની લડાઈ લડવાનો મક્કમ નિર્ણય કર્યો હતો, જ્યાં ફેબ્રુઆરી ૨૦૨૪ માં જિલ્લા ગ્રાહક આયોગે એર ઇન્ડિયાને મૂળ રકમ ઉપરાંત માનસિક ત્રાસ માટે ₹૪,૦૦૦ અને કાનૂની ખર્ચ પેટે માત્ર ₹૩,૦૦૦ ચૂકવવાનો મામૂલી આદેશ આપ્યો હતો.
જિલ્લા કોર્ટના આ ઓછા વળતરથી અસંતુષ્ટ લાવણ્યાએ હિંમત દાખવી રાજસ્થાન રાજ્ય ગ્રાહક આયોગમાં અપીલ દાખલ કરી હતી. ૨૯ મે, ૨૦૨૬ ના રોજ આ કેસની સુનાવણી દરમિયાન ન્યાયિક સભ્યો મુકેશ અને દિનેશ કુમારની બેન્ચે એર ઇન્ડિયાના વલણ સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. કમિશને નોંધ્યું કે જ્યારે એરલાઇને પોતે સ્વીકાર્યું હતું કે વિદ્યાર્થિની યોજનાના લાભ માટે પાત્ર હતી, છતાં વર્ષો સુધી રિફંડ ન આપીને તેને ભારે માનસિક યાતના આપવામાં આવી. આથી કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા માનસિક ત્રાસનું વળતર ₹૪,૦૦૦ થી વધારીને સીધું ₹૩૦,૦૦૦ અને કાનૂની ખર્ચ ₹૩,૦૦૦ થી વધારીને ₹૧૦,૦૦૦ કરવાનો આદેશ આપ્યો છે. આમ, હવે એર ઇન્ડિયાએ મૂળ રિફંડની રકમ ₹૩૪,૧૩૧ સહિત કુલ ₹૭૪,૧૩૧ ની તોતિંગ રકમ વિદ્યાર્થિનીને દંડ પેટે ચૂકવવી પડશે.
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
