<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

કેરળમાં કાળમુખા અકસ્માતનો રુંવાડા ઉભા કરી દેતો વીડિયો: તનુરના રસ્તા પર મોટરસાયકલ અને મીની વાન વચ્ચે જોરદાર ટક્કર, એકનું કરુણ મોત

સીસીટીવી કેમેરામાં કેદ થઈ અકસ્માતની હૃદયદ્રાવક ક્ષણો: રસ્તાની ખોટી દિશામાં જતી મોટરસાયકલ બની જીવલેણ, ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

તનુર (કેરળ), : કેરળના મલપ્પુરમ જિલ્લાના તનુર વિસ્તારમાંથી એક અત્યંત દુઃખદ અને હચમચાવી નાખે તેવા માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. તનુરના નાદક્કવુ વિસ્તારમાં સોમવારે સાંજે એક મોટરસાયકલ અને મીની વાન વચ્ચે સર્જાયેલી ભયાનક ટક્કરે એક વ્યક્તિનો જીવ લીધો છે, જ્યારે અન્ય ત્રણ લોકો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આ અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
શું બની હતી ઘટના?
મળતી માહિતી મુજબ, આ અકસ્માત ૮ જૂનના રોજ સાંજે લગભગ ૪:૩૦ વાગ્યાના સુમારે થયો હતો. ૬૦ વર્ષીય ઇકબાલ પોતાની મોટરસાયકલ પર સવાર થઈને પસાર થઈ રહ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, મોટરસાયકલ રસ્તાની ખોટી બાજુએ (wrong side) જઈ રહી હતી, ત્યારે જ સામેથી આવતી એક મીની વાન સાથે તેની જોરદાર ટક્કર થઈ. ટક્કર એટલી પ્રચંડ હતી કે મોટરસાયકલના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા.
ઘટનાસ્થળે જ ફેલાયો અરેરાટીનો માહોલ
આ અકસ્માત થતાની સાથે જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઇકબાલને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે ઘટનાસ્થળ પર જ અરેરાટી ફેલાઈ ગઈ હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું. આ ઉપરાંત, મીની વાનમાં સવાર અન્ય ત્રણ વ્યક્તિઓ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસ તપાસ અને સાક્ષીઓની ચિંતા
ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓએ આ રસ્તા પર બેદરકારીપૂર્વક વાહન ચલાવવા અંગે ભારે રોષ અને ચિંતા વ્યક્ત કરી છે. સાક્ષીઓનું કહેવું છે કે આ પ્રકારની બેદરકારીને કારણે અગાઉ પણ અનેક વખત અકસ્માતના ભય સર્જાયા છે. તનુર પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. અધિકારીઓ સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે અને અકસ્માત માટે જવાબદાર અન્ય સંજોગો વિશે વધુ માહિતી એકત્રિત કરી રહ્યા છે.
આ ઘટનાએ ફરી એકવાર માર્ગ સુરક્ષા અને ટ્રાફિક નિયમોના પાલનની ગંભીરતાને યાદ અપાવી છે. એક નાની ભૂલ કેવી રીતે પરિવારમાં આજીવન માતમ પ્રસરાવી શકે છે, તેનું આ અકસ્માત એક જીવતું જાગતું ઉદાહરણ છે.

(7:48 PM IST)