News of Tuesday, 9th June 2026
વૈશ્વિક તેલ બજારમાં મોટો ઉલટફેર: રશિયાએ ભારતને સસ્તું તેલ આપવા ધડાધડ ઓફર્સ કરી : અમેરિકા ચિંતામાં મુકાયું
મધ્ય-પૂર્વના દેશોમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે મોંઘા ક્રૂડથી પરેશાન નવી દિલ્હીને મોસ્કોએ આપ્યું મોટું ડિસ્કાઉન્ટ: ચીનની ઘટતી માંગનો ભારતે ઉઠાવ્યો ફાયદો

નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે ભૌગોલિક-રાજકીય તણાવ અને ઈરાન યુદ્ધની સ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, જેના કારણે ભારતના આયાત બિલ પર ભારે દબાણ વધી ગયું હતું. આ દરમિયાન વોશિંગ્ટન ઈચ્છી રહ્યું હતું કે ભારત રશિયા પર નિર્ભર રહેવાને બદલે અમેરિકા અને વેનેઝુએલા પાસેથી તેલની ખરીદી વધારે. જોકે, અમેરિકાની આ રણનીતિને નકામી સાબિત કરતા રશિયાએ અચાનક ભારતને આકર્ષક ઓફરો આપીને સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ વેચવાનું શરૂ કરી દીધું છે. રોઇટર્સના અહેવાલ મુજબ, રશિયન યુરાલ્સ ક્રૂડ હવે ભારતીય બંદરો પર આંતરરાષ્ટ્રીય બ્રેન્ટ ઓઇલના પ્રમાણમાં ઘણું સસ્તું ઉપલબ્ધ થઈ રહ્યું છે, જેણે પશ્ચિમી દેશોને અવાચક કરી દીધા છે.
તેલના વેપાર સાથે સંકળાયેલા આંતરરાષ્ટ્રીય સૂત્રોના જણાવ્યા અનુસાર, એશિયન રિફાઇનરીઓની માંગમાં અચાનક ઘટાડો થવાને કારણે રશિયા પાસે તેલનો મોટો જથ્થો જમા થઈ ગયો હતો. મોસ્કોએ આ સ્થિતિને એક મોટી તક તરીકે ઝડપી લીધી અને ભારતને બજારભાવ કરતા નીચા દરે તેલ સપ્લાય કરવાની ઓફર કરી દીધી છે. વાસ્તવમાં, અગાઉ મધ્ય-પૂર્વમાં સપ્લાયની તકલીફોને કારણે રશિયન તેલ પ્રીમિયમ ભાવે વેચાતું હતું, પરંતુ એશિયન દેશોએ પોતાના જૂના અનામત સ્ટોકનો ઉપયોગ શરૂ કરતા રશિયાએ ભારતીય બજારને જાળવી રાખવા માટે ભાવમાં મોટો ઘટાડો કરવો પડ્યો છે. ભારત માર્ચ મહિનાથી જ આ સસ્તા તેલનો લાભ મેળવી રહ્યું છે.
આ ડિસ્કાઉન્ટની ગણતરી પર નજર કરીએ તો, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ભારત આવનારા રશિયન યુરલ ઓઇલના શિપમેન્ટ પર બ્રેન્ટ ક્રૂડની સરખામણીએ પ્રતિ બેરલ ૨ થી ૩ ડોલરનું સીધું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે, જે અગાઉના મહિનાઓમાં ૭ થી ૮ ડોલર મોંઘું મળી રહ્યું હતું. બીજી તરફ, ચીનની નાની અને સ્વતંત્ર રિફાઇનરીઓએ તેલના ઓછા નફાને કારણે ઉત્પાદન ઘટાડ્યું છે અને કેટલાક જૂન શિપમેન્ટ લેવાનો ઇનકાર કર્યો છે, જેના લીધે રશિયન ઓઇલ સપ્લાયર્સ ભારતીય ખરીદદારો સાથે મનગમતી વાટાઘાટો કરવા મજબૂર બન્યા છે. રશિયાની આ આક્રમક વ્યાપારી ચાલથી ભારતને મોંઘવારીના મોરચે મોટી રાહત મળવાની આશા છે.
(10:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
