<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

NDA હવે રાજ્યસભામાં પણ બે તૃતીયાંશ બહુમતી મેળવી લેશે ? : શું ટીએમસીમાં તૂટફૂટનો સીધો ફાયદો મળી શકે ?

વિશેષ કરીને DMKના INDIA ગઠબંધનથી દૂર જવાના અહેવાલો અને TMCમાં બળવાના કારણે NDA માટે નવી સંભાવનાઓ ઉભી થઈ

નવી દિલ્હી :પહેલા ટીએમસીના ધારાસભ્યોમાં બળવો અને હવે સાંસદોમાં અસંતોષના અહેવાલો વચ્ચે દિલ્હીના રાજકીય વર્તુળોમાં એક જ ચર્ચા ચાલી રહી છે—શું TMCમાં તૂટફૂટનો સીધો ફાયદો NDAને મળશે?

ચર્ચા એવી છે કે TMCના 28માંથી લગભગ 20 સાંસદ અલગ જૂથ બનાવી લોકસભામાં અલગ ઓળખની માંગ કરી શકે છે. જો આવું બને તો માત્ર બંગાળની રાજનીતિ જ નહીં, પરંતુ કેન્દ્રની સત્તાના સમીકરણો પણ બદલાઈ શકે છે.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે કેન્દ્ર સરકાર આગામી સંસદીય સત્રમાં મહિલા આરક્ષણ, પરિસીમન અને “એક દેશ, એક ચૂંટણી” જેવા મહત્વના બંધારણીય સુધારા બિલ લાવવાની તૈયારીમાં છે. આવા બિલો પસાર કરવા માટે સંસદમાં બે તૃતીયાંશ બહુમતી જરૂરી હોય છે. અગાઉ આ પ્રકારના પ્રયાસોમાં સરકારને પૂરતું સમર્થન મળ્યું નહોતું, પરંતુ હવે રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. વિશેષ કરીને DMKના  INDIA ગઠબંધનથી દૂર જવાના અહેવાલો અને TMCમાં બળવાના કારણે NDA માટે નવી સંભાવનાઓ ઉભી થઈ રહી હોવાનું કહેવાય છે.

 

543 સભ્યોની લોકસભામાં હાલમાં 3 બેઠકો ખાલી હોવાનું માનીએ તો બે તૃતીયાંશ બહુમતી માટે આશરે 360 મતની જરૂર પડશે. હાલ NDA પાસે લગભગ 293 સાંસદો છે. જો DMKના 22 અને TMCના સંભવિત 20 બળવાખોર સાંસદોનું સમર્થન મળે તો આ આંકડો 335 સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત NDAની નજર અન્ય નાના પક્ષો અને અપક્ષ સાંસદો પર પણ હોવાનું કહેવાય છે. દક્ષિણ ભારતના કેટલાક પ્રાદેશિક પક્ષો, અપક્ષ સાંસદો અને અન્ય ગેર-NDA જૂથો પણ આગામી દિવસોમાં રાજકીય ચર્ચાના કેન્દ્રમાં રહી શકે છે.

 

સમાજવાદી પાર્ટી સહિતના વિરોધ પક્ષો આ સમગ્ર પ્રક્રિયાને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે પરિસીમન જેવા મુદ્દાઓ પાછળ રાજકીય લાભ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને વિરોધ પક્ષો તેને સરળતાથી સફળ થવા દેશે નહીં. વિરોધ પક્ષોનો દાવો છે કે પક્ષ તોડવાની અને સાંસદોને પોતાની તરફ ખેંચવાની રાજનીતિ લોકશાહી માટે યોગ્ય નથી.

લોકસભા ઉપરાંત NDA માટે રાજ્યસભામાં પણ બે તૃતીયાંશ બહુમતી મેળવવી સરળ નહીં હોય. ત્યાં પણ વધારાના સમર્થનની જરૂર પડશે. તાજેતરમાં કેટલાક પક્ષોના સભ્યોએ રાજીનામાં આપ્યા છે અને હવે નજર એ બાબત પર છે કે આગામી દિવસોમાં વધુ રાજકીય ફેરફારો થાય છે કે નહીં.

 

TMCમાં સંભવિત તૂટફૂટ અને INDIA ગઠબંધનમાં વધતી અનિશ્ચિતતા વચ્ચે હવે સૌની નજર આગામી સંસદીય સત્ર પર છે. જો NDA જરૂરી સંખ્યાબળ એકત્ર કરવામાં સફળ થશે તો મહિલા આરક્ષણ, પરિસીમન અને એક દેશ-એક ચૂંટણી જેવા ઐતિહાસિક બિલો આગળ વધી શકે છે.

(12:25 AM IST)