News of Wednesday, 10th June 2026
કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું ફોર્મ રદ થતા ચૂંટણી પંચ સામે ધરણા, ભાજપ પર 'વોટ ચોરીથી સીટ ચોરી'નો આરોપ

ભોપાલ/નવી દિલ્હી: મધ્યપ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા એક મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. કોંગ્રેસના ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું ઉમેદવારી પત્ર રિટર્નિંગ ઓફિસર દ્વારા રદ કરવામાં આવતા ભારે હોબાળો મચી ગયો છે. આ નિર્ણયના વિરોધમાં મીનાક્ષી નટરાજન સહિત કોંગ્રેસના અગ્રણી નેતાઓએ ચૂંટણી પંચની ઓફિસ સામે ધરણા યોજ્યા હતા. મીનાક્ષી નટરાજને ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભાજપનો ખેલ હવે 'વોટ ચોરીથી શરૂ થઈને સીટ ચોરી' સુધી પહોંચી ગયો છે.
મળતી માહિતી મુજબ, ભાજપના ત્રીજા ઉમેદવાર મહેશ કેવટે વાંધો ઉઠાવ્યો હતો કે મીનાક્ષી નટરાજને પોતાના ચૂંટણી સોગંદનામામાં (એફિડેવિટ) તેલંગાણામાં તેમની સામે ચાલી રહેલા એક કેસની માહિતી ઇરાદાપૂર્વક છુપાવી છે. આ ફરિયાદના આધારે તપાસ કર્યા બાદ રિટર્નિંગ ઓફિસરે નટરાજનનું ઉમેદવારી પત્ર રદ કરવાનો આદેશ આપ્યો હતો.
ઉમેદવારી પત્ર રદ થતાં કોંગ્રેસમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દિલ્હી અને ભોપાલમાં કોંગ્રેસના નેતાઓએ ચૂંટણી પંચની કચેરીઓ બહાર ધરણા પ્રદર્શન કર્યા હતા. મીનાક્ષી નટરાજને આ ઘટનાને લોકશાહીની હત્યા ગણાવતા કહ્યું હતું કે, "જ્યારે ભાજપ પાસે પૂરતું સંખ્યાબળ નહોતું છતાં તેમણે ત્રીજો ઉમેદવાર ઉભો રાખ્યો, ત્યારથી જ તેમનો ઈરાદો સ્પષ્ટ હતો. જેઓ પહેલા વોટ ચોરી કરતા હતા, તેઓ હવે સીટ ચોરી પર ઉતરી આવ્યા છે. આ બંધારણ અને લોકશાહીને કચડી નાખવાનું રાજકારણ છે."
કોંગ્રેસના પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચ સમક્ષ આ મુદ્દે રજૂઆત કરી છે અને આ કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવી છે. આ ઉપરાંત કોંગ્રેસે આ મામલે કાનૂની અને રાજકીય લડત લડવાની તૈયારી પણ દર્શાવી છે. બીજી તરફ, મીનાક્ષી નટરાજનનું ફોર્મ રદ થતાં મધ્યપ્રદેશની ત્રણ રાજ્યસભા બેઠકો માટે ઉભા રહેલા ભાજપના ત્રણેય ઉમેદવારોની જીત નિશ્ચિત મનાઈ રહી છે.
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
