<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

એર ઇન્ડિયા દુર્ઘટના: પીડિત પરિવારોને વળતર આપતા પહેલાં તમામ કાનૂની અધિકારો છોડી દેવાનું દબાણ?

ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પુત્રીએ એર ઇન્ડિયાના વલણ પર ઉઠાવ્યા ગંભીર સવાલ, તપાસ પૂર્ણ થાય તે પહેલાં જ 'ફાઈનલ સેટલમેન્ટ'ના નામે અધિકારો જપ્ત કરવાનો આરોપ: ‘અમને સત્ય જાણવાનો અને ન્યાય મેળવવાનો પૂરો અધિકાર’

અમદાવાદ : ગત વર્ષે જૂન મહિનામાં અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાની અત્યંત દુઃખદાયક AI-171 વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આ દુર્ઘટનામાં ૨૬૦ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. હવે આ દુર્ઘટનાના એક વર્ષ બાદ, પીડિત પરિવારો અને એર ઇન્ડિયા વચ્ચે વળતરની પ્રક્રિયાને લઈને નવો વિવાદ સર્જાયો છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્રી, જેઓ પોતે આ દુર્ઘટનામાં પરિવારના સભ્યને ગુમાવી ચૂક્યા છે, તેમણે એર ઇન્ડિયાની 'ફાઈનલ સેટલમેન્ટ' પ્રક્રિયા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
રાધિકા મિશ્રાએ ટાટા ગ્રુપ અને એર ઇન્ડિયાના ચેરમેન એન. ચંદ્રશેખરનને ઈમેલ લખીને આક્ષેપ કર્યો છે કે એર ઇન્ડિયા દુર્ઘટનાના પીડિત પરિવારોને અંતિમ વળતર સ્વીકારવા માટે એવા દસ્તાવેજો પર સહી કરવા મજબૂર કરી રહી છે, જેમાં તેમણે ભવિષ્યમાં કંપની કે અન્ય સામે કોઈ પણ કાનૂની કાર્યવાહી ન કરવાની બાંહેધરી આપવી પડે છે. ખાસ વાત એ છે કે, આ ઘટનાની સત્તાવાર તપાસ હજુ ચાલુ છે અને દુર્ઘટનાના ચોક્કસ કારણો બહાર આવ્યા નથી, તેમ છતાં પરિવારોને આ પ્રકારના દબાણ હેઠળ મૂકવા કેટલા યોગ્ય છે, તેવો પ્રશ્ન તેમણે ઉઠાવ્યો છે.
રાધિકા મિશ્રાનું કહેવું છે કે, "અમને માત્ર વળતરની જરૂર નથી, અમને સત્ય જાણવાનો અને ન્યાય મેળવવાનો પૂરો અધિકાર છે. તપાસના તારણો જાહેર થાય તે પહેલાં જ અમારે અમારા કાનૂની અધિકારો કાયમ માટે જતું કરી દેવા પડે તે સ્વીકારી શકાય તેમ નથી." પીડિત પરિવારોનું માનવું છે કે કંપની આ રીતે પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરવા માંગે છે.
આ મામલે એર ઇન્ડિયાએ પોતાની સ્પષ્ટતામાં જણાવ્યું છે કે, "અમે કોઈપણ પરિવાર પર દબાણ નથી કરી રહ્યા કે વળતર સ્વીકારવા માટે કોઈ સમયમર્યાદા પણ નક્કી કરી નથી. જે પરિવારો ઇચ્છે છે તેઓ અંતિમ તપાસ અહેવાલ આવે ત્યાં સુધી રાહ જોઈ શકે છે. આ દસ્તાવેજો (RDI) એક આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રક્રિયા છે, જેનો ઉદ્દેશ્ય માત્ર સેટલમેન્ટને અંતિમ રૂપ આપવાનો છે, જેથી ભવિષ્યમાં કોઈ અસ્પષ્ટતા ન રહે."

કંપનીએ એમ પણ ઉમેર્યું હતું કે પીડિત પરિવારોની તાત્કાલિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેમણે દુર્ઘટનાના થોડા દિવસોમાં જ વળતરની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. જોકે, પીડિત પરિવારો અને તેમના વકીલો સતત એવી માંગ કરી રહ્યા છે કે જ્યાં સુધી દુર્ઘટના પાછળનું સત્ય સામે ન આવે, ત્યાં સુધી વળતરના બદલામાં કાનૂની અધિકારો જપ્ત કરાવવાની શરતો પાછી ખેંચવામાં આવે. આ વિવાદ હવે એક મોટા કાનૂની અને નૈતિક ચર્ચાનો વિષય બની ગયો છે.

(7:20 PM IST)