News of Wednesday, 10th June 2026
મુંબઈ એરપોર્ટ પર ફરજની સાથે માનવતાની મશાલ: CISF ની મહિલા જવાનોએ CPR આપીને મુસાફરનો જીવ બચાવ્યો
સુરક્ષા હોલ્ડ એરિયામાં મહિલા મુસાફર અચાનક ઢળી પડતા સર્જાયો હતો ગભરાટ; સમયસૂચકતા અને તાલીમબદ્ધ જવાનોની ત્વરિત કાર્યવાહી બની આશીર્વાદરૂપ

મુંબઈ : મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફરજ બજાવતી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF) ની બે મહિલા કર્મચારીઓએ તેમની ફરજ અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુરક્ષાના કામમાં વ્યસ્ત રહેતા આ જવાનોએ સાબિત કરી દીધું છે કે જ્યારે જરૂર પડે ત્યારે તેઓ એક કુશળ તબીબી સહાયકની ભૂમિકા પણ ભજવી શકે છે. એરપોર્ટ પર અચાનક બેભાન થઈ ગયેલી એક મહિલા મુસાફરને સમયસર CPR (કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન) આપીને આ મહિલા જવાનોએ તેનો જીવ બચાવી લીધો હતો.
ઘટનાની વિગત મુજબ, એરપોર્ટના સિક્યોરિટી હોલ્ડ એરિયામાં એક મહિલા મુસાફર અચાનક જમીન પર ઢળી પડી હતી. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર મુસાફરો અને સ્ટાફમાં થોડીવાર માટે ગભરાટ ફેલાઈ ગયો હતો. જોકે, ત્યાં ફરજ પર તૈનાત L/SI (Exe) અંજલિ સિદ્ધ અને L/HC (GD) K.U. સુનિતાએ પરિસ્થિતિની ગંભીરતા તુરંત પારખી લીધી હતી. કોઈપણ જાતના વિલંબ વિના, તેઓ મુસાફરની મદદે દોડી ગયા હતા.
વીડિયો ફૂટેજમાં જોઈ શકાય છે કે મહિલા મુસાફર નીચે પડ્યા બાદ બેભાન અવસ્થામાં હતી. અંજલિ અને સુનિતાએ સહેજ પણ ગભરાયા વગર તાત્કાલિક CPR આપવાનું શરૂ કર્યું હતું. તેમણે એરપોર્ટની મેડિકલ ટીમ ન આવે ત્યાં સુધી મુસાફરના શ્વાસ ચાલુ રાખવા માટેના તમામ પ્રાથમિક પ્રયાસો ચાલુ રાખ્યા હતા. તેમની આ ત્વરિત કાર્યવાહીને કારણે મુસાફરની સ્થિતિ સ્થિર થઈ હતી અને ત્યારબાદ તેમને વધુ સારવાર માટે મેડિકલ ટીમની સુપરદગીમાં સોંપવામાં આવ્યા હતા.
આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ CISF ના આ મહિલા જવાનોની ભારે પ્રશંસા થઈ રહી છે. CISF એ પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, આ જવાનોની તાલીમ અને સજાગતાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સુરક્ષા એ માત્ર શસ્ત્રો કે ચેકિંગ સુધી મર્યાદિત નથી, પરંતુ મુસાફરોની સુરક્ષા અને સુખાકારી એ તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. મુસાફરોના જીવ બચાવવા માટેની તેમની આ નિઃસ્વાર્થ કામગીરી બદલ અનેક લોકોએ તેમને સલામ કરી છે.
આ ઘટના દર્શાવે છે કે એરપોર્ટ પર કટોકટીના સમયે CISF જવાનો કેવી રીતે 'ફર્સ્ટ રિસ્પોન્ડર' તરીકેની ભૂમિકા ભજવીને કિંમતી જીવ બચાવી શકે છે. તેમની આ કામગીરી અન્ય લોકો માટે પણ એક પ્રેરણા બની ગઈ છે કે CPR જેવી જીવનરક્ષક પદ્ધતિઓનું સામાન્ય જ્ઞાન હોવું પણ કેટલું અનિવાર્ય છે.
(7:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
