<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

બીડમાં ગોદાવરી નદીમાં ગોઝારી દુર્ઘટના: શ્રદ્ધાના સ્થળે માતમ, ક્ષમતા કરતા વધુ ભરેલી હોડી પલટી જતાં બે મહિલાઓના મોત

પુરુષોત્તમપુરી મંદિરે જતા ભક્તોની હોડી નદીના મધ્ય પ્રવાહમાં પલટી: સ્થાનિક લોકો અને માછીમારોના સાહસથી અનેકના જીવ બચ્યા; સુરક્ષાના ધજાગરા ઉડાવતા બોટ સંચાલકો સામે રોષ

બીડ : મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં આવેલી ગોદાવરી નદીમાં બુધવારે સર્જાયેલી એક કરુણ દુર્ઘટનાએ ભક્તિના માહોલને માતમમાં ફેરવી દીધો છે. માજલગાંવ તાલુકાના પુરુષોત્તમપુરી મંદિર તરફ જઈ રહેલી એક હોડી નદીના મધ્યમાં પલટી જતાં બે મહિલાઓના મોત નિપજ્યા છે, જ્યારે અનેક લોકોનો આબાદ બચાવ થયો છે. એક વૃદ્ધ મહિલાની હાલત ગંભીર હોવાનું હોસ્પિટલના સૂત્રો જણાવી રહ્યા છે.
ઘટનાની વિગતો મુજબ, બુધવારે સવારે 'અધિક માસ' ના પવિત્ર દિવસો હોવાથી ગોદાવરીના કાંઠે હજારો ભક્તોની ભીડ ઉમટી પડી હતી. આ ભીડનો લાભ લેવા માટે બોટ સંચાલકોએ સલામતીના તમામ નિયમોને નેવે મૂકીને હોડીમાં ૩૦ થી ૪૦ લોકોને પશુઓની જેમ ભરી દીધા હતા. વહાણ તેની ક્ષમતા કરતા અનેકગણું વજન ધરાવતું હોવાથી, નદીના મધ્યમાં પહોંચતા જ તે અસંતુલિત થઈને પલટી ગયું હતું.
આ દુર્ઘટનામાં બુલઢાણાના લોનારની રહેવાસી ૫૫ વર્ષીય પ્રણિલા શેશરાવ રાઠોડનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે વધુ એક અજાણી મહિલાનો મૃતદેહ પણ નદીમાંથી મળી આવ્યો છે. વાશિમ જિલ્લાના મહાગાંવની ૭૫ વર્ષીય સિંધુબાઈ અર્જુન માવલેને બેશુદ્ધ અવસ્થામાં બહાર કાઢવામાં આવી હતી, જેમને માજલગાંવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, હોડી પલટાયા બાદ નદીમાં ડૂબતા ભક્તોની ચીસોથી આખો કિનારો ગુંજી ઉઠ્યો હતો. સમય સૂચકતા વાપરીને ત્યાં હાજર સ્થાનિક માછીમારો અને યુવાનોએ નદીમાં કૂદીને અનેક લોકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. જો આ બહાદુર લોકોએ સમયસર મદદ ન કરી હોત તો જાનહાનિનો આંકડો ઘણો વધારે હોત.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનામાં આ વિસ્તારમાં આ ત્રીજી દુર્ઘટના છે. માત્ર બે દિવસ પહેલા પણ એક હોડી પલટી હતી, પરંતુ સદનસીબે તેમાં કોઈનો જીવ ગયો ન હતો. સ્થાનિક રહીશોમાં બોટ ઓપરેટરોની બેદરકારી અને તંત્રની ઉદાસીનતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લાઈફ જેકેટનો અભાવ અને ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરવા જેવી ગંભીર ક્ષતિઓ હોવા છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી, જે આ ઘટના માટે સીધા જવાબદાર હોવાનું ભક્તો માની રહ્યા છે. પોલીસે હાલમાં કેસ નોંધીને તપાસ શરૂ કરી છે, પરંતુ ભક્તો હવે તંત્ર પાસે સખત કાર્યવાહી અને કાયમી સુરક્ષા વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે.

(7:42 PM IST)