ઈરાન સાથે શાંતિ કરારમાં વિલંબ થતાં અકળાયેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભયાનક હુમલાઓ શરૂ કરવાની સ્પષ્ટ ધમકી
અમેરિકાએ ગઈકાલે ઈરાનને જડબાતોડ જવાબ આપ્યો અને આજે ફરીથી વિનાશક હુમલાઓ કરવાની ટ્રમ્પની સીધી જાહેરાત: ટ્રમ્પે કહ્યું અમે તેમના પર હુમલો કરવા જઈ રહ્યા છીએ અને આ હુમલો ખૂબ જ ભયાનક હશે

વોશિંગ્ટન: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં હવે ભયાનક વળાંક આવ્યો છે. શાંતિ વાટાઘાટોમાં ઈરાન દ્વારા વારંવાર કરવામાં આવી રહેલા વિલંબથી ગુસ્સે ભરાયેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓવલ ઓફિસથી સીધી અને સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી છે કે અમેરિકા ઈરાન પર ફરીથી વિનાશક બોમ્બમારો શરૂ કરશે. વાટાઘાટો નિષ્ફળ જતાં હવે લશ્કરી કાર્યવાહી જ એકમાત્ર વિકલ્પ બચ્યો હોવાનો સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારો સાથે વાત કરતા અત્યંત કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, "અમે તેમના પર હુમલો કરવા જઈ રહ્યા છીએ અને આ હુમલો ખૂબ જ ભયાનક હશે. અમે ગઈકાલે પણ તેમને સખત અને જડબાતોડ જવાબ આપ્યો હતો અને આજે ફરીથી અમે ઈરાન પર આકરા હુમલાઓ કરવાના છીએ.
ટ્રમ્પે એમ પણ ઉમેર્યું હતું કે જે લોકો ટીવી નથી જોતા તેમને પણ હવે આ હુમલાઓના પરિણામો વિશે ટૂંક સમયમાં જ ખબર પડી જશે.
છેલ્લા કેટલાક મહિનાઓથી અમેરિકા અને ઈરાન વચ્ચે સાર્થક શાંતિ કરાર અંગે લાંબી ચર્ચાઓ ચાલી રહી હતી. ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન પરમાણુ હથિયારો ન વિકસાવવા માટે સૈદ્ધાંતિક રીતે સંમત થયું હતું, પરંતુ તેઓ વાસ્તવિક કરાર પર હસ્તાક્ષર કરવામાં સતત આનાકાની અને વિલંબ કરી રહ્યા છે. અમેરિકા લાંબા સમયથી ધીરજ રાખીને બેઠું હતું, પરંતુ ઈરાનની વારંવાર સમય બગાડવાની આ રમતથી હવે અમેરિકાનો પિત્તો ગયો છે.
આ ઢીલાશ અને વાટાઘાટોમાં વિલંબ કરવાની ઈરાનની નીતિને કારણે અમેરિકાએ હવે આક્રમક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ અને આકરા શબ્દોમાં ચીમકી આપી છે કે જો યોગ્ય, મજબૂત અને કામ કરે તેવો કરાર નહિ થાય તો અમેરિકા લશ્કરી કાર્યવાહી કોઈપણ સંજોગોમાં ચાલુ રાખશે.
વિશ્વભરની નજર હવે અમેરિકાના આ આગામી પગલાં અને ખાડી દેશોમાં સર્જાનાર ભયાનક યુદ્ધની સ્થિતિ પર ટકેલી છે.
મધ્ય પૂર્વમાં યુદ્ધના ભયાનક વાદળો વધુ ઘેરાયા છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં ઈરાન દ્વારા અમેરિકાના અતિઆધુનિક અપાચે હેલિકોપ્ટરને નિશાન બનાવીને તોડી પાડવામાં આવતા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યંત રોષે ભરાયા છે. આ ઘટના બાદ અમેરિકાએ પોતાની સૈન્ય તાકાતનો પરચો બતાવતા ઈરાન પર વળતો હુમલો શરૂ કરી દીધો છે, જેનાથી બંને દેશો વચ્ચે હવે આરપારની લડાઈ શરૂ થઈ ગઈ હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.
આ ઘટના અંગે પત્રકારો સાથે વાત કરતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે અત્યંત આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે ઈરાને એક અદ્ભુત અને અત્યાધુનિક મશીન (હેલિકોપ્ટર) ને તોડી પાડીને ઇતિહાસની સૌથી મોટી ભૂલ કરી છે. શરૂઆતમાં ઈરાને આ હુમલાની જવાબદારી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ બાદમાં કબૂલાત કરી હતી. હેલિકોપ્ટર તોડી પાડવાની આ ઘટનાને જ મુખ્ય આધાર બનાવીને અમેરિકાએ વળતા અને વિનાશક હુમલાઓ કરવાનો પોતાનો કાયદેસરનો અધિકાર હોવાનો સ્પષ્ટ દાવો કર્યો છે.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના સત્તાવાર અહેવાલો અનુસાર, અમેરિકી સેનાએ સ્વ-બચાવ અને ઈરાનની ગેરવાજબી આક્રમકતાના જવાબમાં ભયાનક વળતો પ્રહાર કર્યો છે. અમેરિકી દળોએ હોર્મુઝની સામુદ્રધુની નજીક આવેલા ઈરાનના હવાઈ સંરક્ષણ, ગ્રાઉન્ડ કંટ્રોલ અને રડાર મથકોને નિશાન બનાવીને ભારે બોમ્બમારો કર્યો હતો. સામે પક્ષે ઈરાને પણ આ હુમલાઓને પોતાના દેશની સંપ્રભુતા પર ખુલ્લી તરાપ ગણાવીને અમેરિકી સૈન્ય મથકો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા વળતા હુમલાઓ કર્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનની સૈન્ય તાકાતની મજાક ઉડાવતા તેમને સંપૂર્ણ નિષ્ફળ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે ઈરાન માત્ર મોટી મોટી વાતો જ કરે છે, કોઈ નક્કર કાર્યવાહી કરવાની તેમની ક્ષમતા નથી. આ ઉપરાંત ટ્રમ્પે એક મોટો અને ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે અમેરિકા દરરોજ રાત્રે ઈરાનમાંથી લાખો બેરલ ક્રૂડ ઓઇલ ગુપ્ત રીતે બહાર કાઢી રહ્યું છે. આ સંઘર્ષને કારણે સમગ્ર ખાડી વિસ્તારમાં અત્યંત ભયનો માહોલ છે અને જો તાત્કાલિક શાંતિ સ્થપાશે નહીં, તો આ યુદ્ધ વધુ વિનાશક અને ભયાવહ સ્વરૂપ ધારણ કરી શકે છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
