<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

રસ્તા પર થૂંકવા બદલ ટોકનાર વૃદ્ધ પર કેબ ડ્રાઇવરે કર્યો જીવલેણ હુમલો: ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે એક્શનમાં, 'હત્યાના પ્રયાસ'નો કેસ નોંધવા આદેશ!

સોશિયલ મીડિયા પર પથ્થર મારવાનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ, શિવસેનાના કાર્યકરોએ આરોપીને શોધીને "પાઠ ભણાવ્યો" અને પોલીસને સોંપ્યો.

થાણે : મહારાષ્ટ્રના થાણે શહેરમાંથી એક ચોંકાવનારી અને શરમાવી મૂકે તેવી ઘટના સામે આવી છે, જેમાં રસ્તા પર થૂંકવાનો વિરોધ કરનાર એક વડીલ પર કેબ ડ્રાઇવરે અત્યંત ક્રૂરતાપૂર્વક હુમલો કરી દીધો. આ હાઈ-પ્રોફાઈલ મામલાની ગંભીરતાને જોતા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તાત્કાલિક એક્શન લીધા છે. ડેપ્યુટી સીએમ શિંદેએ થાણે પોલીસને કડક નિર્દેશ આપ્યા છે કે આ દાદાગીરી કરનાર કેબ ડ્રાઇવર સામે 'હત્યાના પ્રયાસ' (Attempt to Murder) નો ગુનો દાખલ કરીને કાનૂની કાર્યવાહી કરવામાં આવે.

ટોકવા પર ઉતરી આવ્યો લોહી તરસ્યો, વીડિયો થયો વાયરલ

મળતી માહિતી મુજબ આ ભયાનક ઘટના મંગળવારે સાંજે થાણેની જ્યુપિટર હોસ્પિટલ નજીક બની હતી. રસ્તા પરથી પસાર થઈ રહેલા એક વૃદ્ધ વ્યક્તિએ જ્યારે કેબ ડ્રાઇવરને જાહેરમાં થૂંકતા જોયો, ત્યારે તેમણે નાગરિક ફરજના ભાગરૂપે તેને ટોક્યો હતો. આ વાતથી ગુસ્સે ભરાયેલા ડ્રાઇવરે માનવતાની તમામ હદો વટાવીને વૃદ્ધ પર હુમલો કરી દીધો, જેમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાનો એક રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં ડ્રાઇવર હાથમાં મોટો પથ્થર ઉપાડીને વૃદ્ધ વડીલને નિર્દયતાથી મારવાનો પ્રયાસ કરતો સ્પષ્ટ દેખાય છે. આરોપી ડ્રાઇવર મહારાષ્ટ્ર બહારનો હોવાનું બહાર આવ્યું છે.

શિવસેનાના કાર્યકરોએ ભણાવ્યો પાઠ, સીએમ ઓફિસનું મોટું નિવેદન

ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેના કાર્યાલય દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, આ ઘટનાની જાણ થતાં જ શિવસેનાના સ્થાનિક કાર્યકરો સક્રિય થયા હતા. તેમણે તાત્કાલિક તે નરાધમ આરોપી ડ્રાઇવરને શોધી કાઢ્યો, તેને બરાબરનો "પાઠ ભણાવ્યો" અને ત્યારબાદ તેને વર્તક નગર પોલીસ સ્ટેશનને હવાલે કરી દીધો હતો.

આ મામલે કડક વલણ અપનાવતા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું કે, "જો કોઈ જાગૃત નાગરિક કોઈને કચરો ફેંકતા કે ગંદકી કરતા અટકાવે અને તેના બદલામાં તેના પર આટલો ક્રૂર હુમલો કરવામાં આવે, તો તે કોઈપણ કિંમતે સાંખી લેવામાં આવશે નહીં."

પોલીસ કમિશનરને કડક કલમો લગાવવા આદેશ, પણ ટેકનિકલ ગૂંચ

ડેપ્યુટી સીએમ શિંદેએ થાણેના પોલીસ કમિશનર આશુતોષ ડુમ્બ્રેને સીધો આદેશ આપીને આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BJS) ની કલમ ૧૦૯ (હત્યાનો પ્રયાસ) હેઠળ ગુનો નોંધવા જણાવ્યું છે. જો કે, આ મામલે એક ટેકનિકલ મુશ્કેલી પણ સામે આવી છે. સ્થાનિક પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘાયલ વૃદ્ધ વ્યક્તિ હજુ સુધી પોતે પોલીસ સ્ટેશને આવ્યા નથી કે તેમણે કોઈ ઔપચારિક ફરિયાદ નોંધાવી નથી. તેથી પોલીસ હાલ કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પીડિત વડીલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે જેથી સત્તાવાર FIR નોંધી શકાય.

(9:01 PM IST)