<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

ચોખાના દાણા જોઈ નસીબ બદલવાનો દાવો કરનાર ‘ચાવલ વાલે બાબા’ જેલના સળિયા પાછળ: બળાત્કારના કેસમાં ધરપકડ!

બીજાના ભવિષ્યની આગાહી કરનારા ઢોંગી નરેન્દ્ર નયન શાસ્ત્રીને પોતાની ધરપકડની નહોતી ખબર: હાઈપ્રોફાઈલ શ્રદ્ધાળુઓ ધરાવતા આશ્રમની કાળી કરતૂતો સામે આવતા આખું છત્તીસગઢ હચમચી ગયું


નવી દિલ્હી : ચોખાના થોડા દાણા અને લાલ ફૂલ હાથમાં લઈને સામાન્ય જનતાથી માંડીને મોટા-મોટા નેતાઓના નસીબની ભવિષ્યવાણી કરવાનો દાવો કરનાર છત્તીસગઢના વિવાદાસ્પદ અને પ્રખ્યાત ‘ચાવલ વાલે બાબા’ ઉર્ફે નરેન્દ્ર નયન શાસ્ત્રીનો અસલી ચહેરો આખરે દુનિયા સામે આવી ગયો છે. મહાસમુંદ જિલ્લાની પોલીસે આ હાઈપ્રોફાઈલ ઢોંગી બાબાની બળાત્કારના ગંભીર આરોપમાં ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. એક પીડિત મહિલાએ હિમ્મત દાખવીને બાબા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવતા જ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું હતું. જે બાબાના આલીશાન દરબારમાં ક્યારેક મંત્રીઓ, ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓની લાંબી કતારો લાગતી હતી, તે જ બાબા આજે મોં છુપાવીને લોકઅપમાં રાત વિતાવી રહ્યા છે.

આ સનસનાટીભર્યા મામલાની વિગત એવી છે કે એક પીડિત મહિલાએ બાગબહારા પોલીસ સ્ટેશનમાં પહોંચીને બાબાના કાળા કારનામાઓનો પર્દાફાશ કર્યો હતો. મહિલાની ગંભીર અને ચોંકાવનારી આપવીતી સાંભળ્યા બાદ પોલીસે નરેન્દ્ર નયન શાસ્ત્રી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ ૩૭૬(૨)(j), ૩૭૬(૨)(n), અને ૩૭૬(૨)(m) જેવી બળાત્કારની અત્યંત કડક અને જામીન ન મળી શકે તેવી કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ હાઈપ્રોફાઈલ કેસ હોવાના કારણે પોલીસે ભારે ગુપ્તતા અને સાવચેતી રાખીને રાતોરાત બાબાની ધરપકડ કરી લીધી હતી. આ કાનૂની સકંજાના કારણે આખા રાજ્યના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે કંપારી છૂટી ગઈ છે, કારણ કે બાબાના અનુયાયીઓમાં અનેક પ્રભાવશાળી અને શક્તિશાળી લોકો સામેલ છે.

બાબાની ધરપકડ થતાં જ સોશિયલ મીડિયા પર યુઝર્સે તેમની જોરદાર ખિલ્લી ઉડાવવાનું શરૂ કર્યું છે અને તેમના જૂના વીડિયો પણ જોરદાર વાયરલ થઈ રહ્યા છે. આ વાયરલ વીડિયોમાં ‘ચાવલ વાલે બાબા’ છત્તીસગઢમાં કઈ સરકાર બનશે, કયો નેતા ચૂંટણી હારશે અને કોણ મુખ્યમંત્રી બનશે તેની મોટી-મોટી ભવિષ્યવાણીઓ કરતા જોવા મળી રહ્યા છે. હવે ઇન્ટરનેટ પર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, જે માણસ મુઠ્ઠીભર ચોખા જોઈને બીજાના જીવનની આફતો ઓળખી લેતો હતો, તેને પોતાની જિંદગીમાં આવનારા આ કાનૂની ધરતીકંપની ભણક કેમ ન લાગી? હાલમાં તો પોલીસે આ મામલે કાયદાકીય કથરો આગળ ધપાવી છે અને અંધશ્રદ્ધાની આડમાં બાબાએ અન્ય કોઈ મહિલાઓનું શોષણ કર્યું છે કે કેમ તેની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

(1:38 PM IST)