<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

ડોલર અને યુરોના વર્ચસ્વ સામે ચીનનો મોટો પડકાર : વૈશ્વિક વેપારમાં યુઆન ઝડપથી આગળ વધ્યો

ડી ડોલરાઇઝેશન અને આંતરરાષ્ટ્રીય સ્તરે બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે ચીનની કરન્સી યુઆન વિશ્વમાં બીજા નંબરનું સૌથી વધુ વપરાતું ચલણ બનવા તરફ અગ્રેસર

નવી દિલ્હી : વૈશ્વિક નાણાકીય બજારમાં એક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. અમેરિકા અને ઈઝરાયેલના ઈરાન સાથેના સંઘર્ષ, વેપારમાં ડોલરનો ઉપયોગ ઘટાડવાની વૈશ્વિક મથામણ એટલે કે ડી ડોલરાઇઝેશન અને મલ્ટીપોલર શિફ્ટને કારણે ચીનનું ચલણ યુઆન હવે યુરોને પાછળ છોડી દેવાની તૈયારીમાં છે. અહેવાલો અનુસાર, વિશ્વના મહત્વના ક્ષેત્રોમાં યુઆન બીજા ક્રમનું સૌથી મજબૂત ચલણ બનવાની ખૂબ નજીક પહોંચી ગયું છે.

 

સ્વિફ્ટ (SWIFT) ડેટા અનુસાર યુઆનનો વૈશ્વિક પેમેન્ટ હિસ્સો ભલે ઓછો દેખાતો હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે ચીને પોતાની અલગ પેમેન્ટ વ્યવસ્થા ઊભી કરી દીધી છે. હવે મોટો વૈશ્વિક વહેવાર ચીનની પોતાની સેટલમેન્ટ સિસ્ટમ દ્વારા થઈ રહ્યો છે, જેના કારણે સત્તાવાર વૈશ્વિક આંકડાઓમાં યુઆનનો અસલી પ્રભાવ પૂરેપૂરો દેખાતો નથી.

 

પેટ્રોયુઆનનો ઉભરો અને સીઆઇપીએસ સિસ્ટમનો રેકોર્ડ:

ઈરાન સંઘર્ષને કારણે ડોલર આધારિત આંતરરાષ્ટ્રીય પેમેન્ટ સિસ્ટમની નબળાઈઓ ખુલ્લી પડી ગઈ હતી. પરિણામે યુઆન આધારિત ઓઈલ ટ્રેડ એટલે કે પેટ્રોયુઆનમાં જોરદાર ઉછાળો આવ્યો છે. તેલ ઉત્પાદક દેશોએ યુઆનમાં વ્યવહારો વધારતા, ૨ એપ્રિલના રોજ ચીનની સીઆઇપીએસ (CIPS) સિસ્ટમે ૧.૨૨ ટ્રિલિયન યુઆન એટલે કે આશરે ૧૮૦.૩ અબજ ડોલરના દૈનિક વોલ્યુમનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ આંકડો ફેબ્રુઆરી મહિનાની સરેરાશ કરતા લગભગ બમણો છે.

 

માર્ચ ૨૦૨૬માં સીઆઇપીએસની દૈનિક સરેરાશ ૪૮ ટકાના ઉછાળા સાથે ૯૨૦.૫ અબજ યુઆન પર પહોંચી ગઈ હતી. આ સિસ્ટમમાં દૈનિક ટ્રાન્ઝેક્શનની સંખ્યા વધીને ૩૫,૭૪૦ થઈ ગઈ છે અને આ નેટવર્ક અત્યારે વિશ્વના ૧૯૧ દેશો અને પ્રદેશો સાથે જોડાઈ ચૂક્યું છે.

 

ટ્રેડ ફાઇનાન્સમાં યુરો પાછળ છૂટ્યો:

વૈશ્વિક પેમેન્ટ સિસ્ટમ સ્વિફ્ટમાં યુઆનનો હિસ્સો ભલે હાલમાં ૨.૭૪ ટકાની આસપાસ દેખાતો હોય, પરંતુ આંતરરાષ્ટ્રીય ટ્રેડ ફાઇનાન્સ માર્કેટમાં ચીનની કરન્સીએ યુરોને પાછળ છોડી દીધો છે. ટ્રેડ ફાઇનાન્સમાં યુઆન ૮.૦૪ ટકા સાથે વિશ્વમાં બીજા ક્રમે છે, જ્યારે તેની સામે યુરોનો હિસ્સો માત્ર ૫.૭૮ ટકા જ રહ્યો છે.

 

બ્રિક્સ દેશો બન્યા મુખ્ય એન્જિન:

વિશ્વના ૮૦થી વધુ દેશો અત્યારે અમેરિકી ડોલર પરની પોતાની નિર્ભરતા ઘટાડવા માટે સક્રિયપણે કામ કરી રહ્યા છે. આ ટ્રેન્ડને આગળ ધપાવવામાં બ્રિક્સ (BRICS) સંગઠન મુખ્ય એન્જિન તરીકે કામ કરી રહ્યું છે. વૈશ્વિક સ્તરે પોતાની પકડ મજબૂત કરવા માટે ચીને અત્યાર સુધીમાં ૫૦થી વધુ દેશો સાથે કરન્સી સ્વેપ કરાર પણ કર્યા છે.

 

આ સમગ્ર સ્થિતિ દર્શાવે છે કે ભવિષ્યમાં વૈશ્વિક પેમેન્ટ સિસ્ટમ કોઈ એક ચલણના ભરોસે રહેવાને બદલે મલ્ટીપોલર બનવા જઈ રહી છે. હવે દુનિયાભરના દેશો ક્ષેત્રીય જરૂરિયાતો, રાજકારણ અને ડોલરના નબળા પડતા પ્રભાવને ધ્યાનમાં રાખીને વ્યાપારી ચલણની પસંદગી કરી રહ્યા છે.

(11:15 AM IST)