હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દાદરામાં પત્ની અને પ્રેમીએ કરી પતિની હત્યા: હત્યાકાંડનો ભેદ ઉકેલાયો
પત્ની અને 22 વર્ષીય પ્રેમીની ધરપકડ : સેલવાસ કોર્ટે 10 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા

દાદરા નગર હવેલીના દાદરા ગામના દેમણી સ્કૂલ ફળિયામાં બનેલા ચકચારી હત્યાકાંડનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. તપાસ દરમિયાન મૃતકની પત્ની અને તેના પ્રેમીની સંડોવણી સામે આવતા બંનેની ધરપકડ કરવામાં આવી છે. સેલવાસ કોર્ટે આરોપીઓને 10 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવાનો આદેશ કર્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ દાદરા ગામના દેમણી સ્કૂલ ફળિયામાં રહેતા 35 વર્ષીય પ્રિતેશ પટેલ ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમની પત્ની અંકિતા પટેલ આંગણવાડીમાં નોકરી કરતી હતી. દંપતીને 12 વર્ષની દીકરી અને 3 વર્ષનો દીકરો છે.
તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર ઘટનાનું મૂળ પ્રેમ સંબંધમાં હતું. ગત રવિવારે મોડી રાત્રે પ્રિતેશ પટેલ ઘરે સૂઈ ગયા બાદ રાત્રે આશરે દોઢ વાગ્યે અંકિતાનો 22 વર્ષીય પ્રેમી નિકુંજ ઘરમાં પ્રવેશ્યો હતો. આરોપ છે કે તેણે ચાકુના ઘા મારી પ્રિતેશ પટેલની હત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
પોલીસે ઘટનાસ્થળના પુરાવા, ટેક્નિકલ સર્વેલન્સ અને સાક્ષીઓની પૂછપરછના આધારે તપાસ આગળ વધારી હતી. તપાસ દરમિયાન મૃતકની પત્ની અંકિતા પટેલ અને તેના પ્રેમી નિકુંજની સંડોવણી સામે આવતા બંનેની ધરપકડ કરવામાં આવી હતી. હાલ પોલીસ હત્યાના કાવતરાના અન્ય પાસાઓ અને ઘટનાક્રમની વધુ તપાસ કરી રહી છે.
સરકારી વકીલ પારુલ રાજપૂતની દલીલો સાંભળ્યા બાદ સેલવાસ કોર્ટના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટે બંને આરોપીઓને 10 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવાનો આદેશ કર્યો છે, જેથી પોલીસ વધુ પુરાવા એકત્રિત કરી શકે.
આ ઘટનાનો સૌથી કરુણ પાસો દંપતીના બે માસૂમ બાળકો છે. પિતાનું હત્યામાં મોત થયું છે જ્યારે માતા જેલમાં હોવાથી બંને બાળકો માતા-પિતાના સ્નેહથી એકસાથે વંચિત બન્યા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં દુઃખ અને ચિંતા ફેલાવી છે.
સ્થાનિક નાગરિકોના મતે, આવા ગુનાઓની અસર માત્ર આરોપી કે પીડિત સુધી મર્યાદિત રહેતી નથી, પરંતુ સમગ્ર પરિવારને અને ખાસ કરીને બાળકોના ભવિષ્યને ગંભીર રીતે પ્રભાવિત કરે છે. પ્રેમ સંબંધ અને અંગત વિવાદોના કારણે લેવામાં આવેલા ઉતાવળા અને ગુનાહિત પગલાં અનેક જિંદગીઓ માટે વિનાશક સાબિત થઈ શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
