News of Thursday, 11th June 2026
યુએસ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ : ઓમાનના દરિયાકાંઠે ઓઈલ ટેન્કર પર અમેરિકાના મિસાઈલ હુમલામાં બે ભારતીય ખલાસીઓના મોત, એક લાપતા
ઈરાની તેલ લઈ જતા જહાજ પર યુએસ સેન્ટકોમનો 'પ્રિસિઝન' એટેક : ભારતે અમેરિકાના ડેપ્યુટી ચીફ ઓફ મિશન જેસન મીક્સને સમન્સ પાઠવીને નોંધાવ્યો ઉગ્ર વિરોધ

નવી દિલ્હી: અમેરિકા અને ઈરાન વચ્ચેનો સૈન્ય સંઘર્ષ છેલ્લા ૨૪ કલાકમાં ભારે વણસ્યો છે. અગાઉ બંને દેશો વચ્ચે તણાવ ઘટવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી, પરંતુ તેનાથી વિપરીત બંને પક્ષોએ એકબીજા પર નવા સૈન્ય હુમલા શરૂ કરી દીધા છે. અમેરિકી સેનાએ દાવો કર્યો છે કે તેણે ઈરાનની અંદર અનેક લક્ષ્યો પર હુમલા કર્યા છે, જેના જવાબમાં તેહરાને પણ આ પ્રદેશમાં અમેરિકી હિતોને નિશાન બનાવીને મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે. આ ભીષણ યુદ્ધની આગમાં હવે ભારતીય નાગરિકો પણ ભોગ બન્યા છે. મંગળવારે રાત્રે ઓમાનના દરિયાકાંઠે ઈરાની તેલ વહન કરતા એક ઓઈલ ટેન્કર પર અમેરિકા દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં બે ભારતીય ખલાસીઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે એક ચીફ એન્જિનિયર હજુ પણ લાપતા છે.
જહાજ સેટ્ટેબેલો પર અમેરિકાનો સચોટ હુમલો:
યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, મંગળવારે સાંજે જ્યારે 'સેટ્ટેબેલો' (Settebello) નામનું ઓઈલ ટેન્કર ઓમાનની ખાડીમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અમેરિકી સેનાએ તેના પર એક સચોટ 'પ્રિસિઝન' સ્ટ્રાઈક કરી હતી. અમેરિકાએ દાવો કર્યો છે કે આ જહાજ ઈરાનનું તેલ લઈ જઈ રહ્યું હતું અને જહાજના ક્રૂ મેમ્બર્સે અમેરિકી દળો દ્વારા આપવામાં આવેલા નિર્દેશો અને સૂચનાઓનું પાલન કર્યું ન હતું, જેના કારણે આ કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.
મૃતક અને લાપતા ભારતીયોની ઓળખ થઈ:
ફોરવર્ડ સીમેન્સ યુનિયન ઓફ ઈન્ડિયા (FSUI) ના જનરલ સેક્રેટરી મનોજ યાદવે આ દુર્ઘટના અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, અમેરિકી હુમલામાં જે બે ભારતીય ખલાસીઓના મોત થયા છે તેમાં ડેક કેડેટ આદિત્ય શર્મા અને એન્જિન ફિટર શિવઆનંદ ચૌરાસિયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જહાજ પર તૈનાત ભારતીય ચીફ એન્જિનિયર પટનાલા સુરેશ હજુ પણ ગુમ છે અને તેમની શોધખોળ ચાલુ છે.
ભારતે અમેરિકી રાજદ્વારીને સમન્સ પાઠવી વિરોધ નોંધાવ્યો:
આ હુમલામાં ભારતીય નાગરિકોના મોતના સમાચાર સામે આવ્યા બાદ નવી દિલ્હીમાં ભારે ખળભળાટ મચી ગયો છે. બુધવારે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા તાત્કાલિક પગલાં લઈને ભારતમાં અમેરિકાના ડેપ્યુટી ચીફ ઓફ મિશન જેસન મીક્સને સમન્સ પાઠવવામાં આવ્યા હતા. ભારતે આ હુમલા અને ભારતીયોના મોત સામે અમેરિકી પ્રશાસન સમક્ષ પોતાનો "ઉગ્ર વિરોધ" નોંધાવ્યો છે અને સમગ્ર મામલે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
(12:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
