<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

અમદાવાદ એર ઇન્‍ડિયા પ્‍લેન ક્રેશની ગોઝારી ઘટનાને આજે ૧ વર્ષ પૂર્ણઃ હજુ પણ રૂંવાડા ઉભા કરી દે છે મોતનો એ ભેંકાર સન્નાટો

મેઘાણીનગર સ્‍થિત બી જે મેડિકલ કોલેજના હોસ્‍ટેલ પરિસરમાં પથરાયેલો મોતનો ભેંકાર સન્નાટો, ભયાનક શાંતિ અને બળેલા અવશેષો કાળજા કંપાવી દે છે : પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત ૨૬૦ લોકોને ભરખી જનાર આકાશમાંથી વરસેલા કાળનો ફાઇનલ તપાસ રિપોર્ટ હજુ ગુમઃ ઋષભભાઈ અને રાધિકાબેન સહિત પીડિત પરિવારો આજેય ઊંડા આઘાતમાં : સૌથી વધુ આヘર્ય અને દુઃખની વાત એ છે કે વિમાનમાં સવાર ૨૪૨ લોકોમાંથી માત્ર ૧ જ બ્રિટિશ યાત્રી વિશ્વાસ કુમાર રમેશનો ચમત્‍કારિક બચાવ થયો હતો. જ્‍યારે નીચે મેસ અને રસ્‍તા પર હાજર ૬૭ જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્‍માતમાં પાયલોટની ભૂલ હતી, કોઈ ઇલેક્‍ટ્રિકલ ખામી હતી કે પછી યાંત્રિક ખામી? તે અંગેનો ફાઇનલ રિપોર્ટ હજુ પણ સત્તાવાર રીતે સામે આવ્‍યો નથી : વિજયભાઈ રૂપાણી સહિત ૨૬૦ લોકોને ભરખી જનાર એઆઈ-૧૭૧ ના ગોઝારા અકસ્‍માતને બરાબર એક વર્ષ પૂર્ણ થયું છે પણ બળેલા અવશેષો વચ્‍ચે આજે પણ ઊંઘવા ન દે એવા મોતનાં કાળમુખા દ્રશ્‍યો જીવંત છેઃ આ ભયાનક અગ્નિકાંડની મૂક સાક્ષી પૂરતા બળેલા અવશેષો અને અધૂરા મુકાયેલા ભોજનના થાળ હજુ પણ એ જ ભયાનકતાની ગવાહી આપે છે : ગુજરાત સરકારે આ અકસ્‍માત સ્‍થળે બળેલા માળખા તોડીને રૂપિયા ૧૦૫ કરોડના ખર્ચે નવી પીજી હોસ્‍ટેલ બનાવવાની જાહેરાત કરી છે, જેની સામે મૃતકોના પરિવારજનોએ આ સ્‍થળને માત્ર જમીનનો ટુકડો ન ગણીને ત્‍યાં પોતાના સ્‍વજનોની યાદમાં એક મોટું સ્‍મારક બનાવવાની લાગણીસભર માંગણી કરી છે

અમદાવાદઃ અમદાવાદ જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશના ઉડ્ડયન ઇતિહાસની સૌથી મોટી અને કાળજું કંપાવનારી એર ઇન્‍ડિયાની ફલાઇટ એઆઈ-૧૭૧ ની ગોઝારી દુર્ઘટનાને આજે બરાબર એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. આમ છતાંય, મેઘાણીનગર સ્‍થિત બી. જે. મેડિકલ કોલેજના હોસ્‍ટેલ પરિસરમાં પથરાયેલો મોતનો ભેંકાર સન્નાટો આજે પણ જોનારાનાં રૂંવાડાં ઊભાં કરી દે છે. આ રૂદન અને ચીસોના પડઘા હજુ શાંત નથી થયા ત્‍યાં પ્રત્‍યક્ષદર્શીઓના હૈયાફાટ રૂદને સૌને હચમચાવી દીધા છે.

એક પ્રત્‍યક્ષદર્શી પરિવારની દર્દનાક આપવીતી મુજબ, અકસ્‍માત વખતે આકાશમાંથી એક કપાયેલું માથું સીધું જ નીચે પડ્‍યું હતું, જે જોનારો મારો માસૂમ દીકરો આજે એક વર્ષે પણ એ ભયંકર આઘાતમાંથી બહાર આવી શક્‍યો નથી. તેને આજે પણ એ કાળમુખા દ્રશ્‍યો રાતે ઊંઘવા દેતા નથી.

૧૨મી જૂન ૨૦૨૫ની એ કાળમુખી બપોરે ૧ વાગ્‍યાને ૩૯ મિનિટે અમદાવાદ ઇન્‍ટરનેશનલ એરપોર્ટ પરથી લંડનના ગેટવિક એરપોર્ટ જવા ઉડાન ભર્યાની માત્ર ૩૨ જ સેકન્‍ડમાં એર ઇન્‍ડિયાનું અત્‍યાધુનિક વિમાન રનવેથી ૧.૭ કિલોમીટર દૂર સીધું જ મેડિકલ કોલેજની મેસ પર ધડાકા સાથે તૂટી પડ્‍યું હતું.

વિમાનમાં સવાર ૨ પાયલોટ અને ૧૦ ક્રૂ મેમ્‍બર્સ સહિત કુલ ૨૪૧ લોકો પળવારમાં જ આગની ભઠ્ઠીમાં ખાખ થઈ ગયા હતા. ૨૪૨ યાત્રીઓમાંથી માત્ર ૧ જ યાત્રીનો ચમત્‍કારિક બચાવ થયો હતો. પ્‍લેન સીધું જ મેસ પર ખાબકતાં ત્‍યાં બપોરનું ભોજન લઈ રહેલા ૫ આશાસ્‍પદ એમબીબીએસ વિદ્યાર્થીઓ (ડો. રાકેશ દેવરા, ડો. જયપ્રકાશ ચૌધરી, ડો. આર્યન રાજપૂત, ડો. માનવ ભાદુ અને ડો. ભાવેશ સેતા), બહારથી સ્‍કુટર પર પસાર થતા મહેશ જીરાવાલા નામના ૩૪ વર્ષીય યુવાન અને અન્‍ય કર્મચારીઓ સહિત ૧૯ નિર્દોષ લોકો પણ આ અગ્નિકાંડનો શિકાર બન્‍યા હતા.  આજે એક વર્ષ પછી પણ મેસમાં એ જ સ્‍થિતિમાં પડેલા રોટલીના થપ્‍પા ને પાપડ સમય થંભી ગયાની ગવાહી આપી રહ્યા છે. બળેલા વાસણો અને ખંડેર બની ગયેલી ઈમારત ચીસો પાડી પાડીને આજે પણ ન્‍યાય માંગી રહી છે.

આ દુર્ઘટનામાં ગુજરાત માટે સૌથી મોટો અને ન પૂરાય તેવો ઘા એ હતો કે આ ફલાઇટમાં ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી અને દિગ્‍ગજ નેતા શ્રી વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા. તેઓ લંડન સ્‍થિત પોતાની પુત્રી રાધિકાબેનને મળવા જઈ રહ્યા હતા ત્‍યારે જ આ દુર્ઘટનામાં તેમનું પણ મૃત્‍યુ નીપજ્‍યું હતું.

આ ગોઝારા હત્‍યાકાંડ સમાન દુર્ઘટનાને ૧ વર્ષ વીતી જવા છતાં ડીજીસીએ અને ઉડ્ડયન મંત્રાલય દ્વારા અકસ્‍માતનું સચોટ કારણ જણાવતો ફાઇનલ રિપોર્ટ હજુ પણ જાહેર કરવામાં આવ્‍યો નથી. ટેક ઓફ થતા જ બંને એન્‍જિનની ફયુઅલ સ્‍વીચ અચાનક કેમ બંધ થઈ ગઈ? તે સવાલ હજુ વણઉકેલ્‍યો છે. પૂર્વ મુખ્‍યમંત્રીના પુત્ર ઋષભભાઈ રૂપાણી સહિતના તમામ પીડિત પરિવારો આજે પણ પારદર્શક તપાસ રિપોર્ટની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. 

રાજ્‍ય સરકારે અકસ્‍માત સ્‍થળે ૧૦૫ કરોડના ખર્ચે નવી પીજી હોસ્‍ટેલ બનાવવાની જાહેરાત કરી છે, જેનો ઉગ્ર વિરોધ કરી પરિવારો અહીં મૃતકોની યાદમાં એક વિશાળ સ્‍મારક બનાવવાની માંગ કરી રહ્યા છે.

(2:25 PM IST)