અમેરિકાએ ઇરાન ઉપર ઝીંકયો મહાબોંબ 10:48 AM
ચંડીગઢમાં મહિલા ચોર ગેંગનો તરખાટ
ગેંગમાં અલગ-અલગ ઉંમરની સાત મહિલાઓ સામેલ: પાણીની બોટલ અને ચાદર લઈને દુકાનોની બહાર ધામા નાખે છે: શટરની બહાર બેસીને ચાદરનો પડદો કરે છે, ત્યારબાદ શટર સહેજ ઊંચું કરી એક યુવતીને અંદર મોકલી રોકડ અને કિંમતી સામાનની ચોરી કરે છે

ચંડીગઢ: શહેરમાં હાલ એક અનોખી મહિલા ચોર ગેંગે વેપારીઓમાં સનસનાટી મચાવી છે. આ શાતિર ગેંગની ચોરી કરવાની રીત જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ ગેંગમાં અલગ-અલગ વયજૂથની સાત જેટલી મહિલાઓ સામેલ છે. આ મહિલાઓ પોતાની સાથે માત્ર ચાદર અને પાણીની બોટલો રાખીને શહેરમાં ફરે છે અને રેકી કરીને બજારોમાં દુકાનોને નિશાન બનાવે છે.
આ મહિલા ગેંગ જ્યારે કોઈ દુકાન પર નજર બગાડે છે, ત્યારે તમામ મહિલાઓ દુકાનના શટરની બહાર ગોઠવાઈ જાય છે. ત્યારબાદ તેઓ સાથે લાવેલી ચાદર અથવા ચુંદડીની મદદથી શટરની આગળ એવો પડદો ઉભો કરે છે કે જેથી રસ્તે પસાર થતા કોઈને શંકા ન જાય. આ આડમાં તેઓ સેન્ટ્રલ લોક ન હોય તેવા શટરને લોખંડના સળિયાથી સહેજ ઊંચું કરે છે અને ગેંગની એક યુવાન દુબળી પાતળી છોકરીને જમીન પર સુવડાવીને દુકાનની અંદર સરકાવી દે છે. આ યુવતી દુકાનમાંથી રોકડ રકમ અને અન્ય કિંમતી સામાન ચોરીને કોઈનું ધ્યાન ન જાય તે રીતે ફરી શટર નીચેથી બહાર સરકી જાય છે.
તાજેતરમાં ચંડીગઢના સેક્ટર ૩૪માં આવેલી એક દુકાનમાંથી આશરે ૧.૪૦ લાખ રૂપિયાની ચોરી થઈ હતી, જેમાં આ જ ગેંગનો હાથ હોવાની પ્રબળ આશંકા છે. અગાઉ ચંડીગઢના સેક્ટર ૧૭ના એક શોરૂમમાં પણ વહેલી સવારે બરાબર આ જ પદ્ધતિથી ચોરી થયાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, જેમાં મહિલાઓએ મોકો જોઈને ચોરીને અંજામ આપ્યો હતો.
ચંડીગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં આ ગેંગે આવી જ રીતે અન્ય દુકાનોમાં પણ હાથફેરો કર્યો હોવાનું મનાય છે. હાલ પોલીસ આ ઘટનાઓ અંગે સીસીટીવી ફૂટેજના આધારે ગેંગની સઘન શોધખોળ ચલાવી રહી છે અને વેપારીઓને પોતાના શટરમાં સેન્ટ્રલ લોક લગાવવા તથા સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
