'જો હું સાચું બોલીશ તો મુશ્કેલીમાં મુકાઈ જઈશ...': રામ મંદિર ફંડ વિવાદ પર પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના આઘાતજનક નિવેદનથી અયોધ્યાથી દિલ્હી સુધી રાજકીય ગરમાવો
રામ મંદિર ટ્રસ્ટ અને ચંપત રાય સામે આક્ષેપોની ઝડી વચ્ચે ભાજપના પૂર્વ નેતાના રહસ્યમય મૌન અને સૂચક ઈશારાથી અનેક અટકળો તેજ: વિવાદ પર ખુલ્લેઆમ બોલવાનો ધરાર ઇનકાર કર્યો

લખનૌ, તા.૧૧: ભારતીય કુસ્તી મહાસંઘના પૂર્વ અધ્યક્ષ અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે અયોધ્યાના રામ મંદિરના નિર્માણ ફંડ અને જમીન ખરીદીને લઈને ચાલી રહેલા તાજેતરના વિવાદ પર એક અત્યંત વિવાદાસ્પદ અને રહસ્યમય નિવેદન આપ્યું છે. અયોધ્યા રામ મંદિર ફંડ વિવાદ અંગે જ્યારે પત્રકારોએ તેમને સવાલ પૂછ્યો ત્યારે બ્રિજભૂષણ સિંહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "જો હું આ વિવાદ પર સાચું બોલીશ તો મોટી મુશ્કેલીમાં મુકાઈ જઈશ." તેમના આ સનસનાટીભર્યા નિવેદન બાદ ઉત્તર પ્રદેશથી લઈને દિલ્હીના રાજકીય ગલિયારાઓમાં ભારે ચર્ચા જાગી છે.
રામ મંદિરના નિર્માણ અને ફંડ મેનેજમેન્ટની દેખરેખ રાખતા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને તેના મહાસચિવ ચંપત રાય સામે તાજેતરમાં નાણાકીય અનિયમિતતાઓ અને જમીન સોદામાં ગેરરીતિના ગંભીર આક્ષેપો થયા છે. આ સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપતા બ્રિજભૂષણ સિંહે કોઈ પણ સીધો આક્ષેપ કરવાનું ટાળ્યું હતું, પરંતુ તેમના 'સાચું બોલવાની મુશ્કેલી' વાળા નિવેદને પડદા પાછળ કંઈક મોટું રંધાઈ રહ્યું હોવાના સંકેત આપ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ એક અત્યંત સંવેદનશીલ અને ધાર્મિક આસ્થાનો વિષય હોવાથી તેઓ હાલ આના પર વધુ કંઈ કહેવા માંગતા નથી.
પક્ષથી નારાજ બ્રિજભૂષણના બદલાયેલા સૂર
રાજકીય વિશ્લેષકોના મતે, ભૂતકાળમાં વિવિધ વિવાદો અને કુસ્તીબાજોના આંદોલનને કારણે ચર્ચામાં રહેલા બ્રિજભૂષણ સિંહના આ બદલાયેલા સૂર પક્ષ હાઈકમાન્ડ સામેની તેમની નારાજગી પણ દર્શાવે છે. રામ મંદિર જેવા સંવેદનશીલ મુદ્દે પક્ષના જ પૂર્વ નેતા દ્વારા આવો સૂચક ઈશારો કરવો એ આગામી સમયમાં ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. વિપક્ષી દળોએ પણ આ નિવેદનને આડે હાથ લઈને રામ મંદિર ફંડની તટસ્થ તપાસ કરવાની માંગણી તેજ કરી દીધી છે. બ્રિજભૂષણ સિંહના આ મૌન અને રહસ્યમયી નિવેદન પાછળ સત્ય શું છે, તે તો આવનારો સમય જ બતાવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
