<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં અખિલેશ યાદવનો મોટો વિસ્ફોટ: 'કોંગ્રેસમાં મારી પીઠ પાછળ કોણ ખટપટ કરે છે, એ બધી મને ખબર છે' કહીને નેતાઓને ચોંકાવ્યા

દિલ્હીમાં યોજાયેલી હાઈપ્રોફાઈલ મિટિંગમાં સપા સુપ્રીમોના રહસ્યમય તેવરથી કોંગ્રેસી ખેમામાં ફફડાટ: તેજસ્વી યાદવ અને ડાબેરી નેતાઓએ પણ કોંગ્રેસના વલણ સામે ખુલ્લેઆમ નારાજગી ઠાલવી, રાહુલ ગાંધીએ મામલો થાળે પાડવો પડ્યો

નવી દિલ્હી, તા.૧૧: રાજકીય ગલિયારાઓમાં ક્યારેક બંધ બારણે થતી ચર્ચાઓ પણ મોટો ભૂકંપ લાવી દેતી હોય છે. તાજેતરમાં દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે લગભગ બે વર્ષના લાંબા અંતરાલ પછી યોજાયેલી 'ઈન્ડિયા ગઠબંધન'ની બેઠકમાં કંઈક આવો જ નજારો જોવા મળ્યો હતો. પોતાના સ્પષ્ટ અને બેબાક અંદાજ માટે જાણીતા સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે અનૌપચારિક વાતચીત દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની સામે એક એવું નિવેદન આપ્યું, જેનાથી સમગ્ર કોંગ્રેસ છાવણી ભારે મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. અખિલેશ યાદવે કોઈનું પણ નામ લીધા વિના સીધું જ કહી દીધું કે, "હું સારી રીતે જાણું છું કે તમારા પક્ષના કયા સભ્યો મારી અને મારી પાર્ટી વિરુદ્ધ પીઠ પાછળ નિવેદનબાજી કરી રહ્યા છે."
અખિલેશ યાદવનો આ આક્રોશ અચાનક કે કારણ વગરનો નથી. ઉત્તર પ્રદેશના રાજકારણમાં એ વાત જગજાહેર છે કે યુપી કોંગ્રેસના ઘણા પ્રાદેશિક અને રાજ્ય સ્તરના નેતાઓ સમાજવાદી પાર્ટી સાથેના આ જોડાણથી બિલકુલ સહજ નથી. બંધ બારણે થતી ચર્ચાઓમાં આ નેતાઓ અવારનવાર એવો બળાપો કાઢતા હોય છે કે 'સપા' સાથેના સતત ગઠબંધનને કારણે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનું પોતાનું પરંપરાગત સંગઠનાત્મક માળખું અને જનાધાર સાવ ખતમ થઈ રહ્યો છે. આ જ કારણે તેઓ સમયાંતરે એકલા હાથે ચૂંટણી લડવાની અથવા અખિલેશ યાદવ સામે આક્રમક વલણ અપનાવવાની વકીલાત કરે છે, જેની પાક્કી બાતમી હવે સપા સુપ્રીમો સુધી પહોંચી ગઈ છે.
પ્રાદેશિક પક્ષો વિરુદ્ધ સ્પર્ધા બંધ કરો: તેજસ્વી અને ડાબેરીઓનો પ્રહાર
આ મહત્વપૂર્ણ બેઠકમાં માત્ર અખિલેશ યાદવ જ નહીં, પરંતુ બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવ તેમજ ડાબેરી પક્ષોના નેતાઓએ પણ કોંગ્રેસની કાર્યશૈલી સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી હતી. સાથી પક્ષોએ કોંગ્રેસ નેતૃત્વને ખરીખોટી સંભળાવતા યાદ અપાવ્યું હતું કે, દેશના સૌથી મોટા રાષ્ટ્રીય પક્ષ તરીકે કોંગ્રેસે રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો સાથે સ્પર્ધા કરવાના બદલે ગઠબંધનને એકજૂથ રાખનાર ફેવિકોલ (ગુંદર) તરીકે ભૂમિકા ભજવવી જોઈએ. સાથી પક્ષોના તીખા તેવર જોયા બાદ આખરે રાહુલ ગાંધીએ નરમ વલણ અપનાવવું પડ્યું હતું. તેમણે તમામ પક્ષોની ફરિયાદોને સ્વીકારીને આશ્વાસન આપ્યું હતું કે ગઠબંધનને અકબંધ રાખવામાં આવશે.
ગંભીર રાજકીય ચર્ચા વચ્ચે 'પોહા-ભેળપુરી'ની રમૂજ
એકતરફ જ્યારે બેઠકમાં બેઠકોની વહેંચણી અને પરસ્પર અવિશ્વાસને લઈને ગંભીર ચર્ચાઓ ચાલી રહી હતી, ત્યારે બીજી તરફ એક હળવી ક્ષણ પણ જોવા મળી હતી. શિવસેના (UBT)ના નેતાઓ ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત મહારાષ્ટ્રમાં એક કૌટુંબિક પ્રસંગમાં વ્યસ્ત હોવાથી આ બેઠકમાં ઓનલાઈન જોડાયા હતા. વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન સંજય રાઉત કેમેરા સામે કંઈક ખાતા નજરે પડ્યા હતા, જેને ટીએમસી (TMC)ના એક નેતાએ મુંબઈની પ્રખ્યાત 'ભેળપુરી' સમજી લીધી અને મજાક કરી કે રાઉત એકલા-એકલા જ મજા માણી રહ્યા છે. જોકે, પાછળથી સંજય રાઉતે સ્પષ્ટતા કરતો મેસેજ મોકલ્યો હતો કે તે ભેળપુરી નહીં પણ મહારાષ્ટ્રનો લોકપ્રિય નાસ્તો 'પોહા' ખાઈ રહ્યા હતા! આમ, ગંભીર રાજકીય તણાવ વચ્ચે આ ઘટનાએ બેઠકમાં હાસ્યનું મોજું પણ રેલાવ્યું હતું.

(4:39 PM IST)