હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પગારદાર કર્મચારીઓ માટે લોટરી સમાન સ્કીમ! ખિસ્સામાંથી એક પણ રૂપિયો ખર્ચ્યા વિના મળશે ૭ લાખનું જીવન વીમા કવર, બસ જાણી લો EPFO નો આ ખાસ નિયમ
નોકરીની સાથે પરિવારની આર્થિક સુરક્ષા એકદમ ફ્રી: EDLI યોજના હેઠળ તબીબી પરીક્ષણ કે વધારાના કાગળો વિના આપમેળે સક્રિય થાય છે આ મોટો લાભ, મુશ્કેલ સમયમાં વારસદારોને મળશે મોટી રાહત

મુંબઈ, તા.૧૧: જો તમે ખાનગી કે સંગઠિત ક્ષેત્રમાં નોકરી કરો છો અને તમારું એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ (EPF) ખાતું છે, તો તમારા માટે એક અત્યંત આનંદના અને મહત્વના સમાચાર છે. મોટાભાગના પગારદાર કર્મચારીઓ એ વાતથી તદ્દન અજાણ હોય છે કે તેમના પીએફ (PF) ખાતા પર ભારત સરકાર તરફથી ૭ લાખ રૂપિયા સુધીનું મફત જીવન વીમા કવર આપવામાં આવે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા સંચાલિત આ વિશેષ વ્યવસ્થા 'કર્મચારી ડિપોઝિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ' (EDLI) યોજના તરીકે ઓળખાય છે, જે કર્મચારીના પરિવારને આર્થિક સુરક્ષા કવચ પૂરું પાડે છે.
આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે કર્મચારીએ આ વીમા પોલિસી ખરીદવા માટે પોતાના ખિસ્સામાંથી કોઈ વધારાનું પ્રીમિયમ ચૂકવવું પડતું નથી. જ્યાં સુધી કર્મચારી EPF હેઠળ આવરી લેવાયેલો રહે છે અને નોકરી ચાલુ રાખે છે, ત્યાં સુધી આ વીમા કવર આપમેળે સક્રિય રહે છે. આ સરકારી યોજના માટે કર્મચારીઓએ કોઈ મેડિકલ ટેસ્ટ (તબીબી પરીક્ષણ) કરાવવાની, અલગથી રજીસ્ટ્રેશન કરવાની કે કોઈ લાંબી કાગળિયાની પ્રક્રિયામાંથી પસાર થવાની બિલકુલ જરૂર રહેતી નથી.
મૃત્યુના કિસ્સામાં નોમિનીને મળશે લમ્પસમ રકમ
જો કોઈ કમનસીબ ઘટનામાં EPF સભ્યનું નોકરીના કાર્યકાળ દરમિયાન મૃત્યુ થાય છે, તો તેના દ્વારા નિયુક્ત કરાયેલા નોમિની (વારસદાર) અથવા કાનૂની વારસદારો આ રકમનો દાવો કરી શકે છે. આ યોજના હેઠળ પરિવારને ઓછામાં ઓછા ૨.૫ લાખ રૂપિયા અને મહત્તમ ૭ લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય એકસામટી (Lump Sum) ચૂકવવામાં આવે છે. વીમાની રકમની ગણતરી કર્મચારીના છેલ્લા સરેરાશ માસિક વેતનના ૩૫ ગણા અને પીએફ બેલેન્સ સાથે જોડાયેલા બોનસના આધારે કરવામાં આવે છે. જો પીએફ ખાતામાં બેલેન્સ ઓછું હોય, તો પણ પાત્ર પરિવારોને ઓછામાં ઓછા ૫૦,૦૦૦ રૂપિયા તો મળવાપાત્ર રહે જ છે.
દાવાની પ્રક્રિયા અને નિયમો જાણી લો:
આ ફ્રી વીમા કવરનો લાભ મેળવવા માટે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું અનિવાર્ય છે:
૧. સક્રિય સભ્યપદ: કર્મચારી મૃત્યુના સમયે સક્રિય રીતે નોકરીમાં હોવો જોઈએ અને કંપની દ્વારા તેના યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) સામે નિયમિત પીએફ યોગદાન જમા થતું હોવું જોઈએ.
૨. નોમિનેશન અપડેટ: નિષ્ણાતો કર્મચારીઓને સલાહ આપે છે કે તેઓ તેમના EPFO પોર્ટલ પર જઈને નોમિનીની વિગતો હંમેશા અપડેટ રાખે. જો નોમિની નોંધાયેલ ન હોય, તો વારસદારોએ દાવો સાબિત કરવા માટે કોર્ટ કે કાનૂની દસ્તાવેજોની લાંબી પ્રક્રિયા કરવી પડે છે.
૩. આવી રીતે કરો ક્લેમ: અણધારી આફતના સમયે પરિવારના સભ્યો 'ફોર્મ ૫ આઈએફ' (Form 5 IF), મૃત્યુ પ્રમાણપત્ર, કેવાયસી (KYC) દસ્તાવેજો અને બેંક ખાતાની વિગતો કંપની મારફતે અથવા સીધા EPFO ઓફિસે સબમિટ કરીને ક્લેમની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
