News of Thursday, 11th June 2026
લક્ઝરીનું નવુ સરનામું મુંબઈ: દિલ્હી અને અમદાવાદના કુબેરપતિઓ વચ્ચે માયાનગરીમાં અલ્ટ્રા-લક્ઝરી ઘરો ખરીદવાની જોરદાર હોડ
દેશના ધનાઢ્યો હવે મુંબઈના રિયલ એસ્ટેટ માર્કેટને લંડન અને ન્યૂયોર્કની જેમ રોકાણ માટેનું સૌથી સુરક્ષિત ઠેકાણું માની રહ્યા છે, જેમાં ₹૨૫ કરોડથી લઈને ₹૨૧૩ કરોડ સુધીના આલીશાન ફ્લેટ્સ ખરીદવાનો નવો ક્રેઝ જોવા મળ્યો

મુંબઈ: સપનાના શહેર તરીકે જાણીતું મુંબઈ હવે દેશભરના અબજોપતિઓ માટે અલ્ટ્રા-લક્ઝરી લિવિંગનું સૌથી મોટું હબ બની ગયું છે. મહારાષ્ટ્ર બહારના ધનિકોમાં માયાનગરીમાં વૈભવી આવાસ ખરીદવાનો એક અનોખો ટ્રેન્ડ શરૂ થયો છે, જેમાં દિલ્હી-NCR ના અમીરો સૌથી મોખરે છે. 'CREMatrix' ના તાજેતરના ચોંકાવનારા ડેટા અનુસાર, ₹૨૫ કરોડથી વધુની કિંમતના પ્રીમિયમ ઘરો ખરીદનારાઓમાં દિલ્હીના ઉદ્યોગપતિઓનો હિસ્સો સૌથી વધુ નોંધાયો છે. મુંબઈની આ મજબૂત બિઝનેસ ઇકોસિસ્ટમ, અદભૂત વૈશ્વિક કનેક્ટિવિટી અને પ્રીમિયમ લાઈફસ્ટાઈલના કારણે કોલકાતા, પુણે, અમદાવાદ અને બેંગલુરુના ધનાઢ્યો પણ અહીં કરોડો રૂપિયાનું આંધણ કરી રહ્યા છે.
આ હાઈ-પ્રોફાઈલ માર્કેટમાં થયેલા કુલ ૭૦૦ થી વધુ સોદાઓમાંથી અંદાજે ૮૫% ખરીદદારો સ્થાનિક મુંબઈના જ છે, જ્યારે બાકીના ૧૫% હિસ્સામાં અન્ય રાજ્યોના રોકાણકારોએ પોતાનો દબદબો બનાવ્યો છે. પ્રાથમિક બજારના આંકડા મુજબ, મુંબઈ ૪૭૭ સોદા સાથે આ યાદીમાં સર્વોચ્ચ સ્થાને છે, જેની સામે દિલ્હી-NCR માં ૨૧ અને કોલકાતામાં ૧૩ સોદા થયા છે. આ વૈભવી રેસમાં ગુજરાત (ખાસ કરીને અમદાવાદ) ના ઉદ્યોગપતિઓ પણ પાછળ નથી, જેમણે ૧૨ મોટા સોદા પાર પાડ્યા છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે દેશના અન્ય મેટ્રો શહેરોની સરખામણીમાં મુંબઈનું રિયલ એસ્ટેટ માર્કેટ કદ અને આકર્ષણ બંને દ્રષ્ટિએ ઘણું આગળ નીકળી ગયું છે.
આ વિશ્લેષણમાં સૌથી રસપ્રદ બાબત એ સામે આવી છે કે, દિલ્હીના ખરીદદારોએ સામાન્ય રીતે ₹૩૦ કરોડથી ₹૯૯ કરોડની રેન્જમાં ફ્લેટ્સ પસંદ કર્યા છે, જ્યારે અમદાવાદના કુબેરપતિઓએ મુંબઈમાં ₹૨૯ કરોડથી લઈને અધધ... ₹૨૧૩ કરોડ સુધીની કિંમતી પ્રોપર્ટી ખરીદીને સૌને ચોંકાવી દીધા છે. આ ઉપરાંત બેંગલુરુના આઈટી દિગ્ગજોએ ₹૩૩ કરોડથી ₹૧૨૧ કરોડના સોદા કર્યા છે. રિયલ એસ્ટેટ નિષ્ણાતોના મતે, આ આખો ટ્રેન્ડ દર્શાવે છે કે ભારતના સુપર-રિચ લોકો હવે મુંબઈના પ્રાઇમ લોકેશનને માત્ર રહેવા માટેનું ઘર નહીં, પરંતુ વૈશ્વિક રોકાણકારોની જેમ પોતાની મૂડીને લાંબા ગાળા માટે સુરક્ષિત રાખવાની સર્વોત્તમ સંપત્તિ તરીકે જોઈ રહ્યા છે.
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
