<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

ક્રિકેટ મહાકુંભ ૨૦૨૭નો મેગા પ્લાન લીક: ૪ ઓક્ટોબરથી શરૂ થશે વનડે વર્લ્ડ કપ : ૫૪ મેચોના રોમાંચ બાદ ૨૧ નવેમ્બરે ફાઇનલ જંગ!

દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાના યજમાનપદે રમાનારા આ ટૂર્નામેન્ટમાં ૧૪ ટીમો વચ્ચે કાંટાની ટક્કર થશે : જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજો આ ટ્રોફી જીતીને વનડે ક્રિકેટને અલવિદા કહી શકે છે

નવી દિલ્હી: ક્રિકેટ ચાહકો માટે ૨૦૨૭ના મેન્સ વનડે વર્લ્ડ કપને લઈને અત્યાર સુધીના સૌથી મોટા અને ઉત્તેજનાભર્યા સમાચાર સામે આવ્યા છે. આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટનું કામચલાઉ કેલેન્ડર લીક થઈ ગયું છે, જે મુજબ આ મેગા ઇવેન્ટ ૪ ઓક્ટોબરથી શરૂ થશે અને ૨૧ નવેમ્બર, ૨૦૨૭ના રોજ ફાઇનલ મેચ સાથે સમાપ્ત થશે. અમદાવાદમાં યોજાયેલી આઇસીસી (ICC) બોર્ડની બેઠકમાં આ તારીખો પર આંતરિક સંમતિ સધાઈ ચૂકી છે, જેના પર જુલાઈમાં એડિનબર્ગ ખાતે યોજાનારી આઇસીસીની વાર્ષિક સામાન્ય સભામાં સત્તાવાર મહોર મારવામાં આવશે. આ વખતે વર્લ્ડ કપ આફ્રિકા ખંડના ત્રણ દેશો દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાના આંગણે રમાવા જઈ રહ્યો છે.

આ ટૂર્નામેન્ટમાં કુલ ૫૪ હાઈ-વોલ્ટેજ મેચો રમાશે, જેમાંથી સિંહફાળો એટલે કે ૪૧ મેચો એકલા દક્ષિણ આફ્રિકાના ૮ આધુનિક સ્ટેડિયમોમાં રમાશે. ઝિમ્બાબ્વે ૮ થી ૧૦ મેચોની યજમાની કરશે, જેમાં જગપ્રસિદ્ધ વિક્ટોરિયા ફોલ્સ ખાતે બની રહેલું નવું ફાલે મોસી-ઓઆ-તુન્યા આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે, જ્યારે બાકીની ત્રણ મેચો નામિબિયામાં રમાશે. વર્ષ ૨૦૦૩ના ઐતિહાસિક વર્લ્ડ કપના બરાબર ૨૪ વર્ષ બાદ દક્ષિણ આફ્રિકામાં વનડે વર્લ્ડ કપની વાપસી થઈ રહી છે. રસપ્રદ વાત એ છે કે, આ વખતે ટૂર્નામેન્ટનું ફોર્મેટ બદલાયું છે અને ૨૦૧૯ કે ૨૦૨૩ની જેમ ૧૦ નહીં, પરંતુ કુલ ૧૪ ટીમો ભાગ લેશે, જેમને સાત-સાતના બે ગ્રૂપમાં વહેંચવામાં આવશે અને બંને ગ્રૂપની ટોચની ત્રણ-ત્રણ ટીમો 'સુપર સિક્સ' સ્ટેજમાં પ્રવેશ મેળવશે.

ભારતીય ક્રિકેટના દ્રષ્ટિકોણથી આ વર્લ્ડ કપ અત્યંત ભાવુક અને રોમાંચક સાબિત થવાનો છે. વર્ષ ૨૦૨૩માં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં મળેલી કારમી હારનો બદલો લેવા ટીમ ઇન્ડિયા આતુર હશે. વર્તમાન સમયમાં શુભમન ગિલ વનડે ફોર્મેટના નવા કેપ્ટન તરીકે ટીમની કમાન સંભાળી રહ્યા છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે ભારતના બે દિગ્ગજ રત્નો રોહિત શર્મા અને વિરાટ કોહલી જેઓ ઓલરેડી ટી૨૦ અને ટેસ્ટ ફોર્મેટને અલવિદા કહી ચૂક્યા છે, તેઓ ૨૦૨૭ના આ વર્લ્ડ કપમાં પોતાનું છેલ્લું જોર લગાવશે. આ બંને મહાન ખેલાડીઓ ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવીને વનડે ક્રિકેટમાંથી સન્માનજનક નિવૃત્તિ લેવાના ઈરાદા સાથે મેદાન પર ઉતરશે, જેના કારણે આખી દુનિયાની નજર આ ટૂર્નામેન્ટ પર ટકેલી રહેશે.

(6:50 PM IST)