<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

પાકિસ્તાનની કંગાળિયત દૂર થશે? નાણામંત્રી મુહમ્મદ ઔરંગઝેબે આર્થિક સર્વે જાહેર કરી ગરીબી હટાવવાનો નવો દાવો કર્યો

ચાર વર્ષમાં સૌથી ઝડપી ૩.૭%ના વિકાસ દર સાથે પાકિસ્તાની અર્થતંત્ર ૪૫૬ અબજ ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચ્યુ

ઇસ્લામાબાદ: ભયાનક આર્થિક કટોકટી, વિદેશી દેવાના ડુંગર અને આકાશે આંબેલી મોંઘવારીથી પીડાતા પાકિસ્તાને આખરે લાંબા સમય પછી પોતાના અર્થતંત્રને લઈને થોડા રાહતના સમાચાર આપ્યા છે. દેશનું નવું બજેટ રજૂ કરતા પહેલા જાહેર કરાયેલા 'પાકિસ્તાન આર્થિક સર્વે ૨૦૨૫-૨૬' માં નાણામંત્રી મુહમ્મદ ઔરંગઝેબે દાવો કર્યો છે કે વર્તમાન નાણાકીય વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા ૩.૭% ના દરે વૃદ્ધિ પામી છે. જોકે, સરકારનો નિર્ધારિત ૪% નો લક્ષ્યાંક પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ અને વર્ષ ૨૦૨૫ માં આવેલા વિનાશક પૂરના કારણે ચૂકી જવાયો છે, તેમ છતાં આ વૃદ્ધિ દર છેલ્લા ચાર વર્ષમાં નોંધાયેલો સૌથી ઝડપી આર્થિક સુધારો છે. આ વૈશ્વિક મંદી વચ્ચે પણ પાકિસ્તાનનું કુલ અર્થતંત્ર હવે ૧૨૬.૯ ટ્રિલિયન પાકિસ્તાની રૂપિયા એટલે કે અંદાજે ૪૫૬ અબજ ડોલરના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે.

આ આર્થિક સર્વેક્ષણ મુજબ પાકિસ્તાનની રાજકોષીય ખાધ  માં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે, જે જીડીપીના ૨.૬% થી ઘટીને માત્ર ૦.૭% થઈ ગઈ છે. પાકિસ્તાન સરકાર માટે સૌથી મોટો સધિયારો વિદેશી હૂંડિયામણ અનામત  અને વિદેશથી આવતા પૈસા  એ આપ્યો છે. હાલમાં પાકિસ્તાનનું વિદેશી અનામત ૧૭ અબજ ડોલરને વટાવી ગયું છે અને જૂનના અંત સુધીમાં તે ૧૮ અબજ ડોલર સુધી પહોંચવાની ધારણા છે, જે ત્રણ મહિનાની આયાત માટે પૂરતું છે. આ ઉપરાંત, ખાડી દેશો અને અન્ય વિદેશોમાં રહેતા પાકિસ્તાનીઓએ માત્ર ૧૧ મહિનામાં રેકોર્ડબ્રેક ૩૩ અબજ ડોલર દેશમાં મોકલ્યા છે, જેના કારણે બેંકિંગ સિસ્ટમને મોટો ઓક્સિજન મળ્યો છે.

આર્થિક મોરચે કૃષિ ક્ષેત્રે ૨.૮૯%, મોટા પાયાના ઉદ્યોગોમાં ૬.૧% અને સર્વિસ સેક્ટરમાં ૪.૯% ની મજબૂત વૃદ્ધિ નોંધાઈ છે, જે છેલ્લા ચાર વર્ષનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. સરકારે કર વસૂલાતમાં પણ ૧૦.૧% નો વધારો નોંધાવ્યો છે, જ્યારે વ્યાજની ચૂકવણીમાં ૨૩% નો ઘટાડો થતાં વિકાસ કાર્યો માટે થોડી આર્થિક સ્પેસ મળી છે. પરંતુ, સિક્કાની બીજી બાજુ એ છે કે દેશમાં ફુગાવો (Inflation) હજુ પણ ૬.૨% ના ઊંચા સ્તરે યથાવત છે, જેના કારણે ગરીબ જનતા માટે લોટ-દાળ જેવી પ્રાથમિક ચીજો ખરીદવી પણ મુશ્કેલ બની રહી છે. આર્થિક વિશ્લેષકોના મતે આંકડા ચોક્કસપણે સુધારા તરફ ઈશારો કરે છે, પરંતુ જ્યાં સુધી સામાન્ય નાગરિકની ખરીદશક્તિ નહીં વધે ત્યાં સુધી પાકિસ્તાન માટે ગરીબીના ચક્રવ્યૂહમાંથી કાયમી બહાર નીકળવું એક મોટો પડકાર રહેશે.

(7:17 PM IST)