વૈશ્વિક મહાસત્તા તરીકે ભારતનો દબદબો: હોર્મુઝ કટોકટી ઉકેલવા ફ્રાન્સને પીએમ મોદી પર પૂર્ણ વિશ્વાસ : G7 સમિટમાં મળ્યું વિશેષ આમંત્રણ
મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ફ્રાન્સના એવિયન-લેસ-બેન્સમાં યોજાનારી હાઈ-પ્રોફાઈલ બેઠકમાં પીએમ મોદી અને ટ્રમ્પ સહિતના વૈશ્વિક નેતાઓ વૈશ્વિક સુરક્ષા અને આર્થિક પડકારો પર મંથન કરશે

નવી દિલ્હી : મધ્ય પૂર્વમાં ઈરાન અને હોર્મુઝ સ્ટ્રેટ ને લઈને સર્જાયેલી ગંભીર કટોકટી વચ્ચે વૈશ્વિક કૂટનીતિના મંચ પર ભારતનો દબદબો ફરી એકવાર સાબિત થયો છે. ફ્રાન્સના યજમાનપદે યોજાનારી પ્રતિષ્ઠિત G7 સમિટમાં ભારતને એક ખાસ સભ્ય સમાન અતિ-ઉચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પીએમ નરેન્દ્ર મોદીને આ સમિટમાં ભાગ લેવા માટે ખાસ આમંત્રણ પાઠવ્યું છે, કારણ કે ફ્રાન્સનું માનવું છે કે ભારત સાથેના પરસ્પર અતુટ વિશ્વાસ અને મજબૂત વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી વિના આંતરરાષ્ટ્રીય કટોકટીઓનો ઉકેલ અશક્ય છે. ફ્રાન્સ એટલી હદે ભારત પર નિર્ભર છે કે તે ભારતને સત્તાવાર રીતે G7 નું સભ્ય બનાવવાની ઔપચારિકતાની રાહ જોયા વિના જ તમામ મુખ્ય સત્રોમાં તેને કેન્દ્રીય ભૂમિકા આપી રહ્યું છે.
આગામી ૧૫ થી ૧૭ જૂન દરમિયાન લેક જીનીવાના કિનારે આવેલા ફ્રાન્સના રમણીય શહેર એવિયન-લેસ-બેન્સ ખાતે યોજાનારી આ સમિટમાં વિશ્વની સૌથી મોટી આર્થિક અને સૈન્ય સત્તાઓના નેતાઓ એકઠા થઈ રહ્યા છે, જેમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સામેલ થશે. હોર્મુઝ સ્ટ્રેટમાં વ્યાપારી જહાજોની સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો ખુલ્લા રાખવા જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ફ્રાન્સે ઇજિપ્ત, કતાર, યુએઈ અને સાઉદી અરેબિયા જેવા પશ્ચિમ એશિયાના અગ્રણી દેશોને પણ આમંત્રિત કર્યા છે. ૧૬ જૂને યોજાનારી આ મહત્ત્વની બેઠકમાં ભારત અને અમેરિકા સંયુક્ત રીતે મધ્ય પૂર્વના ભૌગોલિક-રાજકીય તણાવને હળવો કરવા અને રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન પર પડેલી અસરો અંગે ચર્ચાનો દોર સંભાળશે.
પોતાના વ્યસ્ત પ્રવાસના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની મુલાકાતે જશે, જેમાં તેઓ ફ્રાન્સના નાઇસ શહેરમાં રાષ્ટ્રપતિ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ કરશે અને બંને નેતાઓ સાથે લંચ પણ લેશે. આ સમિટમાં પીએમ મોદી માત્ર પરંપરાગત સુરક્ષા મુદ્દાઓ જ નહીં, પરંતુ સોશિયલ મીડિયાના ઉપયોગ માટે વૈશ્વિક સ્તરે લઘુત્તમ વય મર્યાદા નક્કી કરવાના આધુનિક સત્રમાં અને સૂક્ષ્મ આર્થિક અસંતુલન પરના સત્રમાં મુખ્ય વક્તા તરીકે ભાગ લેશે. આ વર્ષે G7 સમિટના ઈતિહાસમાં પ્રથમ વખત વૈશ્વિક આરોગ્ય, નાણાકીય ગુનાખોરી અને ગેરકાયદેસર ઈમિગ્રેશન જેવા વિષયોને પ્રાથમિકતાના ધોરણે સામેલ કરવામાં આવ્યા છે. પેરિસમાં આયોજિત યુરોપની સૌથી મોટી ટેકનોલોજી કોન્ફરન્સ 'વાઇવાટેક' માં હાજરી આપ્યા બાદ પીએમ મોદી રવિવારે સ્લોવાકિયા પ્રવાસે જશે, જ્યાં તેઓ ત્યાંના વડાપ્રધાન રોબર્ટ ફિકો સાથે મુલાકાત કરીને ભારતના વૈશ્વિક પ્રભાવને નવી ઊંચાઈએ લઈ જશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
