તા. ૨૪ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૮ મંગળવાર
ડિજિટલ જાળમાં ફસાતું યુવાધન: પાકિસ્તાની ગેંગસ્ટરે ઇન્સ્ટાગ્રામ અને ગેમિંગ એપ્સને બનાવ્યું હથિયાર: ભારતમાં હાઈટેક સ્લીપર સેલ નેટવર્કનો પર્દાફાશ
સોશિયલ મીડિયા પર દેશવિરોધી રીલ્સ લાઈક કરનારા યુવાનોને મોટી રકમની લાલચ આપી ગુપ્તચર એજન્ટ બનાવવાનું પાકિસ્તાની આકાઓનું ભયાનક કાવતરું: યુપી એટીએસે હથિયારો સાથે ૬ આતંકી સાગરીતોને દબોચ્યા

નોઈડા: ભારતના સ્માર્ટફોન યુઝર યુવાનોને નિશાન બનાવવા માટે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ (ISI) અને સરહદ પાર બેઠેલા ગેંગસ્ટર શહજાદ ભટ્ટીએ એક અત્યંત ખતરનાક ડિજિટલ વ્યૂહરચના અપનાવી છે. હવે આતંકી સંગઠનો પરંપરાગત પદ્ધતિઓ છોડીને ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશન્સ દ્વારા ભારતીય યુવાનોને પોતાના સકંજામાં લઈ રહ્યા છે. આ કાવતરા અંતર્ગત, કટ્ટરપંથી અને ઉશ્કેરણીજનક સામગ્રી ધરાવતી રીલ્સ કે શોર્ટ્સ વિડીયોને લાઈક અથવા શેર કરનારા ભોળા યુવાનોને ટાર્ગેટ કરવામાં આવે છે. ત્યારબાદ તેમને દેશની વિરુદ્ધ ઉશ્કેરીને, મોટી રકમ અને વિદેશ પ્રવાસની લાલચ આપી 'સ્લીપર સેલ' તરીકે ઓપરેટ કરવામાં આવી રહ્યા છે, જે દેશની આંતરિક સુરક્ષા માટે રેડ એલર્ટ સમાન છે.
આ આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કરતા ઉત્તર પ્રદેશની એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ એ પશ્ચિમ યુપી અને એનસીઆર વિસ્તારમાંથી છ સક્રિય સ્લીપર સેલની ધરપકડ કરી છે. પકડાયેલા શંકાસ્પદોમાં નોઈડાથી તુષાર ચૌહાણ અને સમીર ખાન, જ્યારે સહારનપુરથી મહકબ, શાહરુખ, ગગનદીપ ઉર્ફે ગુર અને મુશર્રફનો સમાવેશ થાય છે. પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ યુવાનો પ્રોફેશનલ એજન્ટ નથી પરંતુ સામાન્ય નાગરિકો છે, જેમને દેશની સંવેદનશીલ શાળાઓ, મોટી કોલેજો, લશ્કરી હોસ્પિટલો, મોટા વ્યાપારી સંકુલો અને રાજકીય પક્ષોના કાર્યાલયોની ગુપ્ત રેકી (તપાસ) કરવાનું હાઈ-પ્રોફાઈલ કામ સોંપવામાં આવ્યું હતું. આ તમામ પ્રવૃત્તિઓનું મોનિટરિંગ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્સ દ્વારા પાકિસ્તાનથી સીધું કરવામાં આવતું હતું.
આ ડિજિટલ આતંકવાદ માત્ર માહિતી ચોરી કરવા પૂરતો સીમિત નથી, પરંતુ આ સ્લીપર સેલ્સને અત્યારે ઘાતક હથિયારો પણ પૂરા પાડવામાં આવી રહ્યા છે. આ કડી અંતર્ગત ૧ જૂનના રોજ યુપી એટીએસે આઝમગઢમાંથી પાકિસ્તાની ગેંગ માટે કામ કરતા મોહમ્મદ શેખ નામના વધુ એક સદસ્યને દબોચી લીધો હતો, જેની પાસેથી આધુનિક 9mm પિસ્તોલ અને ચાર જીવંત કારતૂસ મળી આવ્યા છે. સુરક્ષા એજન્સીઓના મતે, વર્ચ્યુઅલ દુનિયાનો ઉપયોગ કરીને ભારતમાં અંધાધૂંધી ફેલાવવાનું પાકિસ્તાનનું આ નવું મોડસ ઓપરેન્ડી અત્યંત ઘાતક છે, અને વાલીઓએ પોતાના બાળકો સોશિયલ મીડિયા તેમજ ઓનલાઈન ગેમ્સમાં કોના સંપર્કમાં છે તેની કડક દેખરેખ રાખવી અનિવાર્ય બની ગઈ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
