News of Thursday, 11th June 2026
'રૂપિયા ૩૭૦ ની બિરયાની' વિવાદમાં કૂદી પડી મુંબઈ પોલીસ, શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદી ભડક્યા: સોશિયલ મીડિયા પર ખેલાયું જોરદાર વાકયુદ્ધ!
વાયરલ વીડિયોના સહારે સંમતિ (Consent) નો પાઠ ભણાવવો પોલીસને ભારે પડ્યો: ઉદ્ધવ જૂથના નેતાએ પોસ્ટને 'શરમજનક' ગણાવી, રસ્તાઓ પર સુરક્ષા વધારવા આપી સલાહ

મુંબઈ : સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહેલા '૩૭૦ રૂપિયાની બિરયાની' વિવાદે હવે એક મોટું રાજકીય અને વહીવટી સ્વરૂપ ધારણ કરી લીધું છે. હાસ્ય કલાકાર (કોમેડિયન) પ્રણિત મોરેના શોના એક વિવાદાસ્પદ વીડિયોનો ઉપયોગ કરીને મહિલાઓની સંમતિ (Consent) અંગે જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ મુંબઈ પોલીસ માટે ઊંધો પડ્યો છે. આ સોશિયલ મીડિયા ઝુંબેશને લઈને શિવસેના (UBT - ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) ના ફાયરબ્રાન્ડ નેતા અને રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદી તથા મુંબઈ પોલીસ વચ્ચે ટ્વિટર (X) પર તીખા પ્રહારો સાથેનું શબ્દયુદ્ધ ફાટી નીકળ્યું છે.
સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે મુંબઈ પોલીસે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક મીમ (Meme) શેર કરીને જનતાને સંદેશ આપ્યો કે, "કોઈ પણ મહિલા પાછળ પૈસા ખર્ચવા એ શારીરિક સંબંધ માટેની સંમતિ ક્યારેય હોઈ શકે નહીં." મુંબઈ પોલીસની આ પોસ્ટ પર આકરા પ્રહાર કરતા શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ તેને અત્યંત "શરમજનક" ગણાવી હતી અને પોલીસ તંત્રને આવા સંવેદનશીલ મુદ્દાઓ પર પોતાની કક્ષા સુધારવા (Do Better) માટે કડક ચેતવણી આપી હતી.
મુંબઈ પોલીસે કર્યો બચાવ: "મહિલાઓનું ગૌરવ ક્યારેય ટ્રેન્ડની બહાર હોતું નથી"
પોતાની સોશિયલ મીડિયા પોસ્ટની વ્યાપક ટીકા થયા બાદ મુંબઈ પોલીસે સત્તાવાર નિવેદન જાહેર કરીને પોતાનો બચાવ કર્યો છે. પોલીસે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, "અમારી પોસ્ટનો મુખ્ય હેતુ મહિલાઓની પડખે ઊભા રહેવાનો અને તેમના ગૌરવને ઠેસ પહોંચાડનારી કોઈ પણ ઘટનાની સખત નિંદા કરવાનો હતો. મહિલાઓ અને તેમના આત્મસન્માનનું રક્ષણ કરવું એ ક્યારેય ટ્રેન્ડની બહાર જઈ શકે નહીં. અમે માત્ર શબ્દોમાં પણ સ્ત્રીઓની ગરિમાનું ઉલ્લંઘન કરનારા લોકોની નિંદા કરીએ છીએ અને સમાજ સૌથી શ્રેષ્ઠ રીતે સમજી શકે તે જ સોશિયલ મીડિયાની ભાષામાં તેને વ્યક્ત કરવા અમે કટિબદ્ધ છીએ."
"દરેક સ્ત્રી-દ્વેષી ઘટના મીમ સામગ્રી નથી હોતી": પ્રિયંકા ચતુર્વેદી
પોલીસના આ ખુલાસા બાદ પણ પ્રિયંકા ચતુર્વેદી શાંત પડ્યા નહોતા અને તેમણે પોલીસ તંત્ર પર આકરા પ્રહારો ચાલુ રાખ્યા હતા. તેમણે સમજાવ્યું કે, "મહિલાઓ વિરુદ્ધ થતી આવી વિકૃત અને સ્ત્રી-દ્વેષી (Misogynistic) ઘટનાઓનો ઉપયોગ સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ વાયરલ કરવા માટે ન કરવો જોઈએ. સમાજની દરેક નકારાત્મક ઘટના કાંઈ મીમ બનાવવાની સામગ્રી હોતી નથી." આ સાથે જ તેમણે મુંબઈ પોલીસને ટોણો મારતા કહ્યું કે, સોશિયલ મીડિયા પર લાઈક્સ અને ધ્યાન ખેંચવાની રમત રમવાને બદલે પોલીસે મુંબઈના વાસ્તવિક રસ્તાઓ પર મહિલાઓની સલામતી સુધારવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
શું છે આ 'રૂપિયા ૩૭૦ ની બિરયાની' નો આખો વિવાદ?
તાજેતરમાં કોમેડિયન પ્રણિત મોરેના એક લાઈવ સ્ટેન્ડ-અપ કોમેડી શો દરમિયાન હિમાંશુ જાંગરા નામના એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં યુવક સ્ટેજ પર માઈક પકડીને બણગાં ફૂંકતો જોવા મળ્યો હતો કે તે એક છોકરી સાથે ડેટ પર ગયો હતો, જ્યાં તેણે ચિકન બિરયાની અને પાણીની બોટલ પાછળ આશરે ૩૬૦ થી ૩૭૦ રૂપિયા ખર્ચ્યા હતા.
ત્યારબાદ તે વિકૃત માનસિકતા દર્શાવતા બોલ્યો કે, ડેટ પૂરી થયા બાદ છોકરીએ તેને ઘરે છોડી દેવા કહ્યું, જેથી તેને લાગ્યું કે તેણે છોકરી પર પૈસા ખર્ચ્યા હોવાથી તેને શારીરિક આત્મીયતા (Physical Intimacy) મેળવવાનો અધિકાર મળી ગયો છે. આ માટે તેણે 'વસૂલ તો કરુંગા' (હું વસૂલાત તો કરીશ જ) જેવા વાંધાજનક શબ્દોનો જાહેરમાં ઉપયોગ કર્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ ઈન્ટરનેટ પર યુવકની ભારે ટીકા થઈ રહી છે, જ્યારે આ ગંભીર વાત પર સ્ટેજ પર ઊભા રહીને મોટે-મોટેથી હસવા અને મજાક ઉડાવવા બદલ કોમેડિયન પ્રણિત મોરે પણ લોકોના રોષનો ભોગ બન્યો છે. વિવાદ એટલો વધી ગયો છે કે પ્રણિતે પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ ડીલીટ (Deactivate) કરી દેવું પડ્યું છે.
(7:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
