૧૨ પાસ ૧૯ વર્ષના છોકરાએ CBSE ની સુરક્ષા સિસ્ટમ ધ્વસ્ત કરી: હેકિંગ જોઈ અંજાઈ ગયેલી IIT કાનપુરે ડિગ્રી વગર જ આપી દીધી 'સાયબર એન્જિનિયર'ની નોકરી!
એથિકલ હેકર નિસર્ગ અધિકારીએ બોર્ડના પોર્ટલની પોલ ખોલી: કાનપુર આઈઆઈટીના ડિરેક્ટરે બ્લોગ વાંચી સીધો જ સાયબર સેક્યુરિટી ટીમમાં કરી દીધો સામેલ

કાનપુર : સામાન્ય રીતે દેશની પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) માં એન્જિનિયર બનવા કે નોકરી મેળવવા માટે દેશની સૌથી અઘરી પરીક્ષાઓ પાસ કરવી પડે છે અને મોટી-મોટી ડિગ્રીઓની જરૂર પડે છે. પરંતુ ૧૯ વર્ષના એક અદભુત પ્રતિભાશાળી યુવાને કોઈ પણ કોલેજ ડિગ્રી વગર સીધી IIT કાનપુરમાં એન્જિનિયર તરીકે એન્ટ્રી મેળવીને નવો ઇતિહાસ રચી દીધો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ની ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) સિસ્ટમની સુરક્ષા ખામીઓનો પર્દાફાશ કરનાર નિસર્ગ અધિકારીને IIT કાનપુરે સત્તાવાર રીતે નોકરીનું આમંત્રણ આપ્યું છે અને આ યુવાને તે સ્વીકારી પણ લીધું છે. નવાઈની વાત એ છે કે નિસર્ગે હજી હમણાં જ ધોરણ ૧૨ પાસ કર્યું છે અને તેને હજુ કોઈ કોલેજમાં એડમિશન પણ લીધું નથી!
એક અહેવાલ અનુસાર, IIT કાનપુરે નિસર્ગની અસાધારણ સાયબર ક્ષમતાને જોઈને તેને સંસ્થાના પ્રતિષ્ઠિત ટેકનોલોજી ઇનોવેશન હબ (C3iHub) ખાતે 'ઓપન-સોર્સ ઇન્ટેલિજન્સ (OSINT) અને થ્રેટ ઇન્ટેલિજન્સ એન્જિનિયર' તરીકે નિયુક્ત કર્યો છે. આ અદભુત નિમણૂક અંગે ગર્વ લેતા IIT કાનપુરના ડિરેક્ટર માનેન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે, "ગયા મહિને ૨૨ મેના રોજ મેં નિસર્ગની એક બ્લોગ પોસ્ટ વાંચી હતી. આ બ્લોગમાં તેણે CBSE ના ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) પોર્ટલની સુરક્ષામાં રહેલી મોટી ખામીઓ અને તેને હેક કરવાની પદ્ધતિઓનું અત્યંત તાર્કિક વર્ણન કર્યું હતું. આ વાંચીને અમે તાત્કાલિક નિસર્ગને અમારી પ્રીમિયમ સાયબર સુરક્ષા ટીમમાં એન્જિનિયર તરીકે રાખવાનો નિર્ણય કર્યો. તે કદાચ IIT કાનપુરના ઇતિહાસમાં નિયુક્ત કરાયેલા સૌથી નાની ઉંમરના એન્જિનિયરોમાંનો એક છે. તેની પાસે અદ્ભુત પ્રતિભા છે, અને સંસ્થા તેને આગળ વધવા માટે શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડશે."
શું હતો સમગ્ર વિવાદ? CBSE ની કઈ પોલ ખુલી ગઈ?
હકીકતમાં, ૧૯ વર્ષનો નિસર્ગ અધિકારી એક અત્યંત કુશળ એથિકલ હેકર છે. તેણે આ વર્ષે જ CBSE બોર્ડમાંથી ધોરણ ૧૨ ની પરીક્ષા પાસ કરી છે અને તે અગાઉ કેટલાક ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ સાથે પણ કામ કરી ચૂક્યો છે. અભ્યાસ દરમિયાન જ નિસર્ગને CBSE ના ગુપ્ત પરીક્ષા પોર્ટલ (OSM) માં એક-બે નહીં પરંતુ પૂરી પાંચ ગંભીર સુરક્ષા ખામીઓ (Security Flaws) હોવાનું શોધી કાઢ્યું હતું.
નિસર્ગના સંશોધન મુજબ, બોર્ડના આ મહત્વપૂર્ણ પોર્ટલનો મુખ્ય 'માસ્ટર પાસવર્ડ' કોઈ પણ પ્રકારના એન્ક્રિપ્શન કે સુરક્ષા કોડિંગ વિના તદ્દન સાદા ટેક્સ્ટ (Plain Text) માં સેવ થયેલો હતો. આ ગંભીર ખામીના કારણે કોઈ પણ સામાન્ય યુઝર ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) એટલે કે વેરિફિકેશન વગર જ સીધો સિસ્ટમની અંદર ઘૂસીને ડેટા સાથે ચેડાં કરી શકે તેમ હતો. દેશની સૌથી મોટી શિક્ષણ સંસ્થાની આટલી મોટી બેદરકારીને નિસર્ગે દુનિયા સામે લાવી દીધી, જેના કારણે બોર્ડે તાબડતોબ પોતાની સિસ્ટમ સુધારવી પડી હતી. આ જ સ્માર્ટ સાયબર એટેક પકડવાની આવડતે આજે આ ૧૨ પાસ યુવાનને સીધો IIT નો એન્જિનિયર બનાવી દીધો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
