<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

દુનિયા પર મંડરાયો 'સુપર અલ નીનો' નો મોટો ખતરો: પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધતા વૈજ્ઞાનિકોએ આપી કડક ચેતવણી, રેકોર્ડતોડ ગરમી અને કુદરતી આફતો મચાવી શકે છે તબાહી!

યુએસ એજન્સી NOAA એ અલ નીનોની શરૂઆત પર સત્તાવાર મહોર મારી: વર્ષ ૨૦૨૭ સુધીમાં પૃથ્વીનું સરેરાશ તાપમાન ૧.૫ ડિગ્રીના જોખમી સ્તરને વટાવી જવાની આશંકા, ખેતી અને વૈશ્વિક અર્થતંત્રને લાગશે મોટો ફટકો

વોશિંગ્ટન : સમગ્ર વિશ્વ પર આબોહવા પરિવર્તન (ક્લાઈમેટ ચેન્જ) ની અસરો વચ્ચે હવે વધુ એક મોટો અને જીવલેણ કુદરતી ખતરો આવી પડ્યો છે. અમેરિકાના ટોચના વૈજ્ઞાનિકોએ સત્તાવાર જાહેરાત કરી છે કે વૈશ્વિક તાપમાનમાં અસાધારણ વધારો કરનારી કુદરતી પેસિફિક હવામાન પદ્ધતિ - 'અલ નીનો' (El Nino) સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. યુએસ નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) ના અહેવાલ મુજબ, તાજેતરના મહિનાઓમાં ઉષ્ણકટિબંધીય પ્રશાંત (પેસિફિક) મહાસાગરમાં દરિયાઈ સપાટીના તાપમાનમાં ભારે અને આશ્ચર્યજનક વધારો નોંધાયો છે, જે વિશ્વભરમાં હવામાનની ગંભીર ચરમસીમા સર્જી શકે છે.
વૈજ્ઞાનિકોની અનેક અદ્યતન કમ્પ્યુટર મોડેલ આગાહીઓ સૂચવે છે કે આ વખતની ઘટના સામાન્ય નથી, પરંતુ તે 'સુપર અલ નીનો' તરીકે વિકસી શકે છે, જે ઇતિહાસની અત્યાર સુધીની સૌથી શક્તિશાળી અને વિનાશક ઘટના સાબિત થઈ શકે છે. માનવસર્જિત પ્રદૂષણને કારણે પૃથ્વી પહેલેથી જ દાયકાઓથી ગરમ થઈ રહી છે, ત્યારે આ સુપર અલ નીનોના આગમનથી આગામી વર્ષોમાં - ખાસ કરીને વર્ષ ૨૦૨૭ માં - પૃથ્વી પર અત્યાર સુધીની સૌથી વધુ રેકોર્ડતોડ ગરમી જોવા મળી શકે છે. આના કારણે વૈશ્વિક સ્તરે અનાજ અને ખાદ્ય પુરવઠો ખોરવાઈ જશે અને અર્થતંત્રોને મોટો આંચકો લાગશે.
મહાસાગરનું તાપમાન સરેરાશ મર્યાદા કરતા વધ્યું
મધ્ય અને ઉષ્ણકટિબંધીય પેસિફિક મહાસાગરમાં સમુદ્રની સપાટીનું તાપમાન હવે ૦.૫ ડિગ્રી સેલ્સિયસની સરેરાશ મર્યાદાને વટાવી ગયું છે. યુએસ વૈજ્ઞાનિકો આ થ્રેશોલ્ડના આધારે જ અલ નીનોની જાહેરાત કરે છે. NOAA ના જૂન આઉટલુક અનુસાર, નવેમ્બરથી જાન્યુઆરી વચ્ચે આ ઘટના અત્યંત તીવ્ર અને 'ખૂબ જ મજબૂત' થવાની ૬૩% શક્યતા છે, જે ૧ bas૦ ના દાયકા પછીના ઐતિહાસિક રેકોર્ડમાં સૌથી મોટી ઘટનાઓમાં સ્થાન પામશે. અગાઉ ૧૯૮૨, ૧૯૯૭ અને ૨૦૧૫ માં આવા શક્તિશાળી અલ નીનો જોવા મળ્યા હતા. કેટલાક યુરોપિયન મોડેલો તો એવું પણ દર્શાવે છે કે વર્ષના અંત સુધીમાં પેસિફિકનું તાપમાન સરેરાશ કરતાં ૩ ડિગ્રી જેટલું વધી શકે છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે.
યુકે મેટ ઓફિસના પ્રોફેસર એડમ સ્કેઇફે આ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વી પહેલાથી જ ગરમ છે અને તેના પર આ સુપર અલ નીનો સવાર થઈ રહ્યું છે. આના લીધે પૃથ્વી પરનું વાસ્તવિક તાપમાન અભૂતપૂર્વ સ્તરે પહોંચી જશે. એક સામાન્ય મજબૂત અલ નીનો પણ વૈશ્વિક તાપમાનમાં ૦.૨ ડિગ્રીનો વધારો કરે છે. પ્રોફેસર સ્કેફના મતે, ૨૦૨૭ નું વર્ષ પૃથ્વી પર ઇતિહાસનું સૌથી ગરમ વર્ષ બની શકે છે અને તાપમાન પ્રી-ઇન્ડસ્ટ્રિયલ (ઔદ્યોગિક ક્રાંતિ પહેલાના) સ્તર કરતાં ૧.૫ ડિગ્રી સેલ્સિયસના જોખમી આંકને સરળતાથી પાર કરી જશે.
દુનિયાના અલગ-અલગ દેશો પર કેવી થશે અસરો?
અલ નીનો સામાન્ય રીતે બે થી સાત વર્ષે એકવાર આવે છે અને તે આશરે એક વર્ષ સુધી ચાલે છે. તેની અસરોથી કોઈ બે દેશો સમાન રીતે પ્રભાવિત થતા નથી, પરંતુ ઉષ્ણકટિબંધીય ગરીબ દેશોમાં તેનો સૌથી મોટો માર પડે છે. આ ઘટનાને કારણે ઉત્તરી પેરુ અને દક્ષિણ ઇક્વાડોરમાં ભારે પૂર આવશે, જ્યારે પૂર્વ આફ્રિકા, મધ્ય એશિયા અને દક્ષિણ અમેરિકામાં પણ જળબંબોળની સ્થિતિ સર્જાશે.
બીજી તરફ, ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા, ઉત્તરી દક્ષિણ અમેરિકા અને મધ્ય અમેરિકામાં ચોમાસું સંપૂર્ણપણે નિષ્ફળ જઈ શકે છે, જેના લીધે ભયંકર દુષ્કાળ અને જંગલોમાં લાગતી આગ (દાવાનળ) નું જોખમ અનેકગણું વધી જશે. પાક સુકાઈ જવાના કારણે ખાદ્ય અનાજના ભાવો આસમાને પહોંચશે. પાવર શિફ્ટ આફ્રિકાના ડિરેક્ટર મોહમ્મદ અદોવે આ આગાહીને લાખો ગરીબ લોકો માટે 'ઘાતક સાયરન' ગણાવી છે, જે પરિવારોને ફરીથી ભૂખમરાની ગર્તામાં ધકેલી દેશે. જાપાનની હવામાન એજન્સી (JMA) એ પણ આ ભયાનક સ્થિતિ પાનખર સુધી ચાલવાની પુષ્ટિ કરી છે.

(7:52 PM IST)