<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

એડટેક કિંગ બાયજુ રવિન્દ્રનને વૈશ્વિક કાનૂની જંગમાં મોટી રાહત: સિંગાપોર હાઈકોર્ટે સિવિલ કન્ટેમ્પ્ટ કેસની સજા પર લગાવ્યો સ્ટે; જેલ જવાનું સંકટ હાલ પૂરતું ટળ્યું

૧૫ જૂન સુધીમાં કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવાના આદેશ પર અદાલતે લગાવી વચગાળાની રોક; વકીલોની મોટી સ્પષ્ટતા — 'આ કોઈ ફોજદારી ગુનો કે છેતરપિંડી નથી, માત્ર સિવિલ વિવાદ છે, મીડિયામાં ખોટી અફવાઓ ફેલાવાઈ'

બેંગલુરુ : ભારતની જાણીતી એડટેક કંપની 'બાયજુસ' (Byju's) ના સ્થાપક બાયજુ રવિન્દ્રનને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી કાનૂની લડાઈમાં એક બહુ મોટી અને નિર્ણાયક રાહત મળી છે. સિંગાપોર હાઈકોર્ટે તેમની સામે ચાલી રહેલા સિવિલ કન્ટેમ્પ્ટ (નાગરિક અદાલતની અવમાનના) ના કેસમાં અગાઉ આપવામાં આવેલી સજાના મુખ્ય ભાગો પર વચગાળાનો સ્ટે (રોક) લગાવી દીધો છે. આ હાઈ-પ્રોફાઈલ આદેશ બાદ, બાયજુ રવિન્દ્રનને હવે હાલ પૂરતું કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવું નહીં પડે, તેમજ તેમની સામે તાત્કાલિક લાગુ થનારી જેલની સજાની તલવાર પણ હટી ગઈ છે.
આ રાહત મળ્યા બાદ બાયજુસની કાનૂની ટીમે રાહતનો શ્વાસ લીધો છે અને મીડિયામાં ચાલી રહેલી અફવાઓ પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કર્યો છે.
૨૫ મેના કડક આદેશ પર કોર્ટે લગાવ્યો સ્ટે
આ સમગ્ર મામલાની વિગત એવી છે કે, સિંગાપોર હાઈકોર્ટના જનરલ ડિવિઝન દ્વારા ગત ૨૫ મેના રોજ એક આદેશ જારી કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત બાયજુ રવિન્દ્રનને આગામી ૧૫ જૂન સુધીમાં કોઈપણ સંજોગોમાં કોર્ટ સમક્ષ હાજર થઈને સરન્ડર કરવા જણાવવામાં આવ્યું હતું. જોકે, રવિન્દ્રનની કાનૂની ટીમે આ આદેશ સામે મજબૂત અપીલ દાખલ કરી હતી, જેને ગ્રાહ્ય રાખતા સિંગાપોર હાઈકોર્ટે ૧૦ જૂને આ વચગાળાનો સ્ટે આપ્યો છે. તેમના વરિષ્ઠ કાનૂની સલાહકાર જે. માઈકલ મેકનટના જણાવ્યા અનુસાર, અગાઉના કોર્ટના આદેશને ખોટી રીતે રજૂ કરીને એવી અફવા ફેલાવાઈ હતી કે રવિન્દ્રન સામે ધરપકડ વોરંટ જાહેર થયું છે, જે તદ્દન ખોટું છે.
લોન ગેરંટી અને દસ્તાવેજોનો સિવિલ વિવાદ
બાયજુ રવિન્દ્રનના વકીલોએ સ્પષ્ટતા કરી છે કે આ મામલો કોઈ નાણાકીય ઉચાપત કે ફોજદારી (Criminal) ગુનાનો નથી. વાસ્તવમાં આ વિવાદ લોન ગેરંટી કરાર અને તે સંબંધિત કેટલાક ગોપનીય દસ્તાવેજો તેમજ માહિતી શેર કરવા બાબતનો છે, જે ઓલરેડી આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી (Arbitration) અને અન્ય કાનૂની પ્રક્રિયાઓ હેઠળ વિચારાધીન છે. કાનૂની ટીમે ભારપૂર્વક જણાવ્યું છે કે, વિશ્વની કોઈ પણ અદાલતે હજુ સુધી બાયજુ રવિન્દ્રનને છેતરપિંડી, અપ્રમાણિકતા, ફંડનો દુરુપયોગ કે વ્યક્તિગત ગેરરીતિ માટે દોષિત ઠેરવ્યા નથી.
પરિવારે પોતાની સંપત્તિમાંથી ₹૫,૦૦૦ કરોડ કંપનીમાં હોમ્યા!
કોર્ટના આ સકારાત્મક વલણ બાદ ખુદ બાયજુ રવિન્દ્રને આ નિર્ણયનું ઉષ્માભેર સ્વાગત કર્યું છે. તેમણે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "જ્યારે બંને પક્ષો પરસ્પર સહમતીથી સમાધાનની ચર્ચા કરી રહ્યા છે, ત્યારે બજારમાં મારી અને કંપની વિરુદ્ધ ખોટી અને ભ્રામક માહિતી ફેલાવવામાં આવી રહી છે, જે દુર્ભાગ્યપૂર્ણ છે."
તેમણે વધુમાં એક મોટો ખુલાસો કરતા જણાવ્યું કે, વિવાદિત ભંડોળ કે લોનનો એક પણ રૂપિયો તેમને અથવા કંપનીના અન્ય કોઈ સ્થાપકને વ્યક્તિગત રીતે મળ્યો નથી. તેનાથી વિપરીત, જ્યારે કંપની મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે તેમના પરિવારે બિઝનેસ અને કર્મચારીઓને ટકાવી રાખવા માટે પોતાની અંગત સંપત્તિ વેચીને ₹૫,૦૦૦ કરોડથી વધુનું રોકાણ કંપનીમાં કર્યું હતું.
કાનૂની જંગ હજી ચાલુ રહેશે
સિંગાપોર હાઈકોર્ટના આ સ્ટે ઓર્ડરથી બાયજુ રવિન્દ્રનને કામચલાઉ ધોરણે એક મોટું કાનૂની કવચ મળી ગયું છે. જોકે, તેમની કાનૂની ટીમે સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ સિવિલ કન્ટેમ્પ્ટના નિર્ણયને જડમૂળથી ઉથલાવી દેવા માટે ઉપલા સ્તરે તમામ કાનૂની વિકલ્પોનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે. હાલના તબક્કે, આંતરરાષ્ટ્રીય કોર્પોરેટ જગતમાં આ રાહતના સમાચાર બાયજુસ બ્રાન્ડ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે અને આગામી દિવસોની સુનાવણી પર વૈશ્વિક રોકાણકારોની નજર ટકેલી રહેશે.

(6:35 PM IST)